Bhavnagar

મહુવાની શાળામાં અસામાજિક તત્વનો આતંક, હું મહુવાનો ડોન છું કહી શિક્ષકને ધમકી

By GS Team
25 Sep 20262 mins read
TukuTouch Logo
ભાવનગરના મહુવામાં NCC પરેડના નાસ્તા મુદ્દે MN હાઈસ્કૂલમાં મોનીસ ઉર્ફે ચીકુ હસનાણીએ ધમાલ મચાવી હતી. તેણે શિક્ષક ધીરુભાઈ ખસીયા સાથે ઝપાઝપી કરી, ગાળો ભાંડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આચાર્ય નેમીષભાઈ ગજ્જરે ફરિયાદ નોંધાવતા પોલીસે કલમ 115(2), 352, 351(3) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહુવાની શાળામાં અસામાજિક તત્વનો આતંક, હું મહુવાનો ડોન છું કહી શિક્ષકને ધમકી

પોલીસે ગુનો નોંધી આરોપી સામે તપાસ હાથ ધરી

એન.સી.સી. પરેડના નાસ્તા મુદ્દે એમ.એન. હાઇસ્કુલમાં ઘૂસીને હોબાળો મચાવ્યો

ભાવનગર -  ભાવનગર જિલ્લાના મહુવા શહેરની જાણીતી એમ.એન. હાઇસ્કુલમાં શાળા સમય દરમિયાન એક અસામાજિક તત્વે ઘૂસીને ધમાલ મચાવતા શિક્ષણ જગતમાં અરેરાટી વ્યાપી ગઈ છે. એન.સી.સી. પરેડના નાસ્તા મુદ્દે શરૃ થયેલા વિવાદમાં ઈસમે શાળાના શિક્ષક સાથે કાલર પકડી ઝપાઝપી કરી ધોલધપાટ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

મળતી વિગતો મુજબ, ૨૪ સપ્ટેમ્બરના રોજ શાળાના ગ્રાઉન્ડમાં આર્મી વિભાગ તરફથી એન.સી.સી. પરેડનું આયોજન કરાયું હતું. તાલીમ બાદ વિદ્યાર્થીઓને નાસ્તો આપવામાં આવી રહ્યો હતો, ત્યારે મહુવાની હબીબવાલજી સોસાયટીમાં રહેતો મોનીસ ઉર્ફે ચીકુ મનસુરભાઇ હસનાણી નામનો યુવક બળજબરીથી ગેરહાજર વિદ્યાર્થીના નામે નાસ્તો માગવા લાગ્યો હતો. વિદ્યાર્થીઓએ ના પાડતા તેણે આ શાળા કોઈના બાપની નથી કહી બખેડો ઊભો કર્યો હતો.આ અંગે વિદ્યાર્થીઓએ શિક્ષકોને જાણ કરતા, સુપરવાઈઝર શિક્ષક ધીરુભાઈ ખસીયા તેને સમજાવવા ગયા હતા. પરંતુ મોનીસ ઉર્ફે ચીકુએ શિક્ષકનો શર્ટનો કાઠલો (કોલર) પકડી, ગાળો આપીને ધોલ મારી દીધી હતી. અન્ય શિક્ષકોએ વચ્ચે પડીને છોડાવતા આ શખ્સે હું મહુવાનો ડોન છું, મારા પર ઘણા કેસ છે. શાળા બહાર નીકળશો તો જીવથી હાથ ધોઈ નાખશો તેવી ગંભીર ધમકી આપી હતી.શાળાના આચાર્ય નેમીષભાઈ ગજ્જર દ્વારા આ ઘટના અંગે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આરોપી સામે બી.એન.એસ.ની કલમ ૧૧૫(૨), ૩૫૨ અને ૩૫૧(૩) હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.