બોટાદમાં મજાક-મસ્તીમાં ગાળો બોલવાની ના પાડતાં યુવક પર છરી વડે જીવલેણ હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

તાજપર રોડ પર રેલ્વે ગરનાળા પાસે બનેલી ઘટના
ગળા પર ઘા મારવા જતાં યુવક નમી જતાં ગાલ અને દાઢી પર ગંભીર ઈજા પહોંચી
ભાવનગર - બોટાદ શહેરના તાજપર રોડ પર આવેલા રેલ્વે ગરનાળા સામેના મેદાનમાં મિત્રો સાથે બેસી મજાક-મસ્તી કરી રહેલા વિદ્યાર્થી પર છરી વડે જાનલેવા હુમલો કરવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ગાળો બોલવાની ના પાડતાં ખીજાયેલા શખસે યુવક પર ગળાના ભાગે છરીનો ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો.
મળતી વિગતો અનુસાર, બોટાદના ઘનશ્યામ નગર વિસ્તારમાં રહેતા અને અમદાવાદની ગુજરાત કોલેજમાં એમ.એ.નો અભ્યાસ કરતા ૨૬ વર્ષીય ધવલસિંહ ભરતસિંહ મોરી પોતાના મિત્રો સાથે તાજપર રોડ પર બેઠા હતા. આ દરમિયાન સાથે બેઠેલા અશરફ ઉર્ફે અચો ગફારભાઈ માંકડ નામના શખસે અચાનક ગાળો આપવાનું શરૃ કર્યું હતું. ધવલસિંહે ગાળો બોલવાની ના પાડતાં અશરફ ગિન્નાઈ ગયો હતો અને પોતાના નેફામાંથી લાકડાના હાથાવાળી છરી કાઢી ધવલસિંહના ગળા પર મારી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.ધવલસિંહ ત્વરિત નમી જતાં છરીનો ઘા ડાબા ગાલ અને દાઢીના ભાગે વાગતાં તેઓ ગંભીર રીતે લોહીલુહાણ થયા હતા. બનાવ બાદ અશરફ પોતાનું સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈને ઘટનાસ્થળેથી ભાગી છૂટયો હતો. ઈજાગ્રસ્ત યુવકને મિત્રોએ તાત્કાલિક બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડયો હતો.આ અંગે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આરોપી અશરફ ઉર્ફે અચો માંકડ સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને જી.પી.એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.




