Bhavnagar

ભાવનગરમાં 'આરંભ ઈન્ડિયા' સ્કીમના નામે રૃ.૩.૪૧ કરોડથી વધુનું મસમોટું કૌભાંડ

By GS Team
30 Jul 20262 mins read
TukuTouch Logo
ભાવનગરમાં 'આરંભ ઈન્ડિયા' ફર્મ ચલાવતા હરદીપસિંહ અને બ્રિજરાજસિંહ ગોહિલ નામના બે ભાઈઓએ શિક્ષકો સહિત 113થી વધુ લોકોને ટીવી-ઈલેક્ટ્રોનિક્સ એસેમ્બલિંગમાં 4-5% માસિક વળતરની લાલચ આપી. તેઓએ કુલ રૂ. 3.42 કરોડની છેતરપિંડી આચરી, પાકતી મુદતે પૈસા ન આપી ઓફિસ-ઘર બંધ કરી ફરાર થઈ ગયા. ઘોઘારોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગરમાં 'આરંભ ઈન્ડિયા' સ્કીમના નામે  રૃ.૩.૪૧ કરોડથી વધુનું મસમોટું કૌભાંડ

શિક્ષકો અને નાગરિકો સહિત ૧૦૦થી વધુ રોકાણકારોને છેતર્યા

ટીવી અને ઈલેક્ટ્રોનિક્સ એસેમ્બલિંગના ધંધામાં ઊંચા વળતરની લાલચ આપી હતી

ભાવનગર - ઘોઘા સર્કલ નજીક આવેલા 'ગોવર્ધન પ્લાઝા' ખાતે 'આરંભ ઈન્ડિયા' નામની ફર્મ ચલાવતા બે ભાઈઓએ તેમની ફર્મમાં ટીવી તથા ઇલેક્ટ્રોનિક્સ આઇટમોના એસેમ્બલિંગ અને પ્રોડક્શનના ધંધા માટે માસિક ૪ ટકા થી ૫ ટકા સુધીનું ઊંચું વળતર આપવાની લાલચ આપી શિક્ષક અને સ્થાનિકો સાથે રૃ.૩.૪૨ કરોડની ઠગાઈ આચરી ફરાર થઈ ગયા છે.

ભાવનગરના ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં કરોડો રૃપિયાની નાણાકીય છેતરપિંડી અને ગુનાહિત વિશ્વાસઘાતનો મોટો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ઘોઘા સર્કલ નજીક આવેલા 'ગોવર્ધન પ્લાઝા' ખાતે 'આરંભ ઈન્ડિયા' નામની ફર્મ ચલાવતા બે ભાઈઓ હરદીપસિંહ ભગીરથસિંહ ગોહિલ અને બ્રિજરાજસિંહ ભગીરથસિંહ ગોહિલ (રહે. નારાયણ સોસાયટી, રીંગરોડ, ભાવનગર)સામે રૃ. ૩,૪૨,૬૬,૯૦૦ ની માતબર રકમની ઠગાઈ અંગે ફરિયાદ નોંધાઈ છે.બુધેલ કુમાર શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રભાઈ જયપ્રકાશભાઈ ત્રિવેદીને હરદીપસિંહ અને બ્રિજરાજસિંહએ તેમની ફર્મમાં ટીવી તથા ઇલેક્ટ્રોનિક્સ આઇટમોના એસેમ્બલિંગ અને પ્રોડક્શનના ધંધા માટે માસિક ૪ ટકા થી ૫ ટકા સુધીનું ઊંચું વળતર આપવાની લાલચ આપી હતી. શિક્ષક ધર્મેન્દ્રભાઈએ બેંક લોન તથા બચતમાંથી રૃ. ૪૭ લાખનું રોકાણ કર્યું હતું. શરૃઆતમાં માત્ર રૃ. ૩.૪૫ લાખ આપી બાકીના રૃ. ૪૩.૫૫ લાખ હડપ કરી લીધા હતા.તદુપરાંત તપાસમાં સામે આવ્યું છે કે આ બંને ભાઈઓએ શિક્ષકો અને સ્થાનિક રહીશો સહિત ૧૧૩થી વધુ લોકોને જાળમાં ફસાવી કુલ રૃ. ૩.૪૧ કરોડથી વધુ રકમ એકઠી કરી હતી. પાકતી મુદતે રકમ પરત ન આપી, ઓફિસ અને ઘર બંધ કરી બંને ભાગી છૂટયા હતા. ઘોઘારોડ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.