ભાદરવી અમાસના મેળા માટે એસ.ટી.ની ૫૫ બસ દોડાવાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નિષ્કલંક મહાદેવના સાંનિધ્યમાં પરંપરાગત લોકમેળો ભરાશે
ભાવનગર એસ.ટી. ડેપો, ઘોઘાજકાતનાકા, આડી સડક, હોઈદડ ખાતે પીકઅપ પોઈન્ટ ઉભા કરાશે, કાલ રાતથી સંચાલન શરૃ કરી દેવાશે
ભાવનગર - કોળિયાકના નિષ્કલંક મહાદેવ ખાતે યોજાનારા ભાદરવી અમાસના મેળા માટે ભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા ૫૫ એકસ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવશે. આગલી રાત્રિથી મેળો પુરો થાય ત્યાં સુધી વિશેષ ભાડા સાથે એસ.ટી.ની બસો ભાવિકો-શ્રધ્ધાળુઓને લાવવા-લઈ જવાની સુવિધા પુરી પાડશે.
કોળિયાક સ્થિત નિષ્કલંક મહાદેવજીના સાંનિધ્યમાં આગામી તા.૧૦-૯ અને તા.૧૧-૯ના રોજ ભાદરવી અમાસનો પરંપરાગત મેળો ભરાશે. ભાદરવીના મેળામાં પવિત્ર સ્નાન માટે લાખોની સંખ્યામાં લોકો આવતા હોય, એસ.ટી. વિભાગ દ્વારા યાત્રાળુઓને કોળિયાક જવા માટે બસની સુવિધા મળી રહે તે માટે ખાસ સંચાલન હાથ ધરી ભાવનગરથી કોળિયાક વચ્ચે ૫૫ બસ દોડાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એસ.ટી. તંત્ર દ્વારા ગુરૃવારે રાત્રિથી શુક્રવારે મેળો પુરો થાય ત્યાં સુધી સતત સંચાલન શરૃ રાખવામાં આવશે. ભાદરવીનો મેળો અને પવિત્ર સમુદ્ર સ્નાન કરવા આવતા લોકોને અગવડતા ન પડે તે માટે ભાવનગર એસ.ટી. ડેપો, ઘોઘાજકાતનાકા, આડી સડક, હોઈદડ ખાતે પીકઅપ પોઈન્ટ ઉભા કરવામાં આવશે. વિભાગીય નિયામક, ડીટીઓના મોનિટરીંગ હેઠળ ડેપો મેનેજરો, સુપરવાઈઝર, ડ્રાઈવર-કંડક્ટરો અને અન્ય અધિકારી-કર્મચારીઓને સુચારૃ આયોજનની જવાબદારી સોંપવામાં આવી છે. યાત્રાળુઓએ એસ.ટી. બસ સેવાનો મહત્તમ લાભ લેવા વિભાગીય નિયામક આર.ડી. પિલવાઈકરે અનુરોધ કર્યો છે.
વિદ્યાર્થી અને માસિક પાસધારકોની ટ્રીપો શરૃ રહેશે
કોળિયાકના મેળા માટે ભાવનગર ડેપોની ૨૦, પાલિતાણા ડેપોની ૯, ગારિયાધાર ડેપોની ૯, મહુવા ડેપોની ૭, બોટાદ અને ગઢડા ડેપોની ૦૫-૦૫ મળી ૫૫ બસ ફાળવવામાં આવી છે. મેળાને લઈ સામાન્ય મુસાફરોને અગવડતા ન પડે તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે. તમામ ડેપોને વિદ્યાર્થી અને માસિક પાસધારકોની ટ્રીપો બંધ ન રહે તેની કાળજી રાખવા તેમજ ઓછી આવકવાળા શિડયૂલ બંધ કરી બસ ફાળવવા આદેશ કરાયો છે.




