Get The App

સમગ્ર ભરૂચ જિલ્લામાં વરસાદના પગલે જનજીવન ખોરવાયું

Updated: Dec 1st, 2021

GS TEAM

Google News
Google News

ભરૂચ:  હવામાન વિભાગે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી હતી. તે મુજબ ભરૂચ શહેરમાં અને અન્ય તાલુકામાં ગઈકાલે રાત્રે અમી છાંટણા થયા હતા. પરંતુ આજે સવારથી જિલ્લાના દરેક તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. શિયાળામાં વરસાદના આગમનથી લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. માવઠાના કારણે શહેરોમાં જનજીવન અસ્તવ્યસત થયુ છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ખેડુતો ચિંતામાં મુકાયા છે.

અરબી સમુદ્રમાં લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી થઈ હતી. આગાહી મુજબ ભરૂચ શહેર ઉપરાંત અંકલેશ્વર, હાંસોટ, ઝઘડિયા, વાલિયા, વાગરા, નેત્રંગ, આમોદ, જંબુસર તાલુકાઓમાં બુધવાર સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. શિયાળામાં વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડી પ્રસરી ગઈ છે. આ ઉપરાંત ધીમો પવન પણ ફુંકાતો હોવાથી લોકો કોલ્ડ વેવમાં ઠુંઠવાયા હતાં. સવારથી સતત વરસાદ વરસી રહ્યો હોવાથી લોકોનો રોજીંદા કામો ખોરવાયા હતાં. ઠંડી અને વરસાદ એમ બેવડી ઋતુના કારણે લોકો પોતાને ઘરમાં કેદ કર્યા હતાં અને કામ વગર બહાર નીકળવાનું ટાળ્યુ હતું. હજુ ગુરૂવાર અને શુક્રવારે પણ આજ કરતાં વધારે વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. જેને પગલે વહીવટીતંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે. વરસાદના કારણે દિવસમાં થોડા થોડા સમયે વિજળી ડુલ થઈ જવાના કારણે પણ લોકો પરેશાનીમાં મુકાયા હતાં.

માવઠાના લીધે ફાટેલા કપાસને નુકસાન, અન્ય પાકને ફાયદો થશે

ભરૂચ: કૃષિ વિશેષજ્ઞ નિર્મલસિંહ યાદવના મત અનુસાર જે રીતે હાઉ ઉભો થયો છે અને ખેડુતોના નુકસાનનો અંદાજો લગાવાય રહ્યો છે તે વધારે પડતુ છે. કમોસમી વરસાદના કારણે ઉભા પાક અને એમાં જેટલો ફાટેલો કપાસ હશે એટલુ જ નુકસાન જશે. બાકી જે ખેડુતોએ ચણા, મગ, કેળા, શેરડી અને તુવેરના પાકને પાણી મળશે એટલે તેમાં નુકસાન નહીં થાય. જે લોકો ઘંઉનું વાવેતર શરૂ થયુ છે. જે લોકો આગામી દિવસોમાં ખાતર નાંખવાના છે એમને ફાયદો થશે તેમજ આ વરસાદ આમોદ, જંબુસર અને વાગરામાં જે બિનપિયાત ખેતી છે તેને લાભકારક નિવડશે. નિર્મલસિંહે ઉમેર્યુ હતું કે, ખેડુતોએ માત્ર એક વાતની ગંભીર તકેદારી લેવાની છે. વરસાદના કારણે આગામી દિવસોમાં પાકમાં જીવાતનો ઉપદ્રવ વધશે તેને રોકવા માટે ખેડુતોએ કાળજી લેવી પડશે.

રોગચાળો વધુ તિવ્ર બનશે

ભરૂચ: શહેર જિલ્લામાં પહેલાથી જ વાઈરલ ફીવર અને ડેન્ગયુએ લોકોને પોતાના સંકજામાં લીધા છે. દવાખાનાઓ ઉભરાય રહ્યા છે એવામાં આ કમોસમી વરસાદ મુશ્કેલીમાં વધારો કરનારો બનશે. બેવડી ઋતુના કારણે તાવ, શરદી, ઉધરસ જેવી સામાન્ય બિમારીનું પ્રમાણ વધશે.  વાતાવરણ પલટાયુ હોવાના કારણે રોગચાળો વધુ તિવ્ર બને તેવી પૂરેપુરી સંભાવના છે. પાણીના ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધશે. જેના લીધે આગામી દિવસોમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો વધુ ફેલાઈ શકે છે.

પાર્ટી પ્લોટમાં થયેલા લગ્નના આયોજનો પર અસર

ભરૂચ: કોરોનાના કહેરના કારણે ફિકકા પડેલા અને મર્યાદીત થઈ ગયેલી લગ્ન સીઝન ફરી તેના મૂળ મિજાજમાં ખીલી છે. હાલમાં લગ્નસરાની સીઝન હોવાથી પાર્ટી પ્લોટ અને ખાનગી ફાર્મહાઉસ, વાડીમાં મોટા પાયે લગ્નના આયોજનો થયા હતાં. પરંતુ અચાનક ત્રાટકી પડેલા વરસાદના કારણે આ આયોજનો પર ગંભીર અસર થઈ છે. કેટરીંગના વ્યવસાય સાથે સંકળાયેલા રાજુભાઈ રાવલે જણાવ્યુ હતું કે, એક પાર્ટી પ્લોટમાં જમણવારનો ઓર્ડર હતો. ગઈ કાલે અમે બધો સામાન પાર્ટી પ્લોટ પર લાવી દીધો હતો. પરંતુ વરસાદના કારણે  આખે આખુ લગ્નસ્થળ જ બદલાઈ ગયુ. જેના કારણે અમે મુશ્કેલીમાં મુકાયા છે.