Gujarat

ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ખાતે દેશનો સૌપ્રથમ મેગા લીગલ સર્વિસ કેમ્પ યોજાયો

By GS Team
21 Oct 20192 mins read
This article was originally published on 21 Oct 2019
ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ખાતે દેશનો સૌપ્રથમ મેગા લીગલ સર્વિસ કેમ્પ યોજાયો

ભરૂચ, તા. 20 ઓક્ટોબર 2019 રવિવાર

સર્વોચ્ચ અદાલતના ન્યાયમુર્તિ એમ.આર.શાહે જણાવ્યું કે, ન્યાયિક સેવા એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. નેશનલ લીગલ સર્વિસ / રાજ્ય લીગલ સર્વિસ / જિલ્લા લીગલ સર્વિસ અને તાલુકા લીગલ સર્વિસ ઓથોરીટી દરેકને મફત અને કાનુની ન્યાય - સહાય મળે તે માટે સતત કાર્યરત છે.

શ્રી શાહે સમાજમાં થતાં ઝઘડા / તકરાર નિવારણ માટે દરેક તાલુકા - જિલ્લા કોર્ટોમાં તકરાર નિવારણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. આ કેન્દ્રોનો મહત્તમ લાભ લેવા તેમણે અનુરોધ કર્યો છે. નાણાંના અભાવે કોઈ પણ નાગરિક ન્યાયથી વંચિત ન રહે તે માટે ન્યાયતંત્ર સંકલ્પબધ્ધ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી (નાલસા), નવી દિલ્હીના નેજા હેઠળ તથા ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન અને ભરૂચ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા ભરૂચ જિલ્લા પ્રશાસનના સહયોગથી ભરૂચના શુકલતીર્થ ખાતે દેશનો સૌપ્રથમ મેગા લીગલ સર્વિસીસ કેમ્પ યોજાયો હતો.

આ મેગા લીગલ સર્વિસીસ કેમ્પમાં ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓના કુલ 2812 જેટલા લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાકીય લાભોનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામા આવ્યું હતું. આ કેમ્પમાં ખેતીવાડી શાખા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, નાયબ નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ, પ્રાયોજના વહીવટદારની કચેરી, વિવિધ તાલુકાની મામલતદાર કચેરીઓ, ભરૂચ નગરપાલિકા, પુરવઠા શાખા, તાલુકા હેલ્થ કચેરીઓ દ્વારા લાભાર્થીઓને જુદી જુદી યોજનાઓ હેઠળ લાભ આપવામાં આવ્યા હતા. 

આ મેગા લીગલ સર્વિસીસ કેમ્પનું આયોજન લાભાર્થીઓ સ્વાવલંબી બની આત્મગૌરવથી જીવન જીવી શકે તેવા ઉમદા હેતુ માટે કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત પણ લીધી હતી.

ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમ નાથે જણાવ્યું કે, લીગલ સેવા કેમ્પમાં એક જ સ્થળેથી સરકારની વિવિધ યોજનાઓના લાભો લાભાર્થીઓને મળે છે. નાગરિકોને તાલુકા - જિલ્લા તેમજ રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ દ્વારા મફત કાનુની સહાય અને સેવા પુરી પાડ્વામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે મેગા લીગલ કેમ્પની સફળતા બદલ જિલ્લા પ્રશાસન ભરૂચ અને જિલ્લા કાનુની સેવા સત્તા મંડળની ટીમને અભિનંદન આપ્યા હતા.

કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાએ જણાવ્યું કે, લીગલ સર્વિસ કેમ્પના માધ્યમથી રાજ્ય સરકારના વિવિધ વિભાગોની પ્રજાકલ્યાણની યોજનાઓના લાભો લાભાર્થીઓને એક જ સ્થળેથી હાથો હાથ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળના મેમ્બર સેક્રેટરી વિમલ વ્યાસે જણાવ્યું કે, આર્થિક અસમાનતાને કારણે ન્યાયિક સેવાઓથી કોઈ પણ નાગરિક વંચિત ન રહે તે માટે લીગલ સર્વિસ ઓથોરીટીની રચના કરી સમાનપણે કાનુની સહાય મળે તેની નાલસા દ્વારા જોગવાઈ કરવામાં આવી છે.

આ મેગા લીગલ સર્વિસ કેમ્પમાં ગુજરાત હઈકોર્ટના ન્યાયમુર્તિ તથા ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદ એક્ઝીક્યુટીવ ચેરમેન એસ.આર.બ્રહ્મભટ્ટ, ગુજરાત હાઈકોર્ટના ન્યાયમુર્તિ અને ગુજરાત હાઈકોર્ટ લીગલ સર્વિસીસ ઓથોરીટીના ચેરમેન આર.એમ.છાયા, ગુજરાત હાઈકોર્ટના ન્યાયમુર્તિ અને ભરૂચ જિલ્લાના એડમીનીસ્ટ્રેટીવ જ્જ એન.વી.અંજારીયા તથા ગુજરાત હાઈકોર્ટના ન્યાયમુર્તિ એ.જે.શાસ્ત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.