Bharuch

ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદમાં ગણેશજી સહિત અન્ય દેવી દેવતાઓની પણ પ્રતિમાઓ

By GS Team
3 Oct 20262 mins read
TukuTouch Logo
ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદ વર્ષો પહેલા જૈન સમરી વિહાર હોવાનો વિવાદ વકર્યો છે. ભોંયતળિયામાંથી સંવત 1213ની તકતી સાથે ગણપતિ અને અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી આવી છે. મુક્તાનંદ સ્વામીએ આ સ્થળને મૂળ સ્થિતિમાં લાવવા આંદોલન છેડ્યું છે, કારણ કે પુરાતત્વ વિભાગની બેદરકારી છતાં અહીં નમાઝ અદા થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદમાં ગણેશજી સહિત અન્ય દેવી દેવતાઓની પણ પ્રતિમાઓ

Bharuch Jumma Masjid: ભરૂચ જિલ્લાની રાષ્ટ્રીય ધરોહર ગણાતી જુમ્મા (જામા) મસ્જિદ વર્ષો પહેલા જૈન સમરી વિહાર હોવાના દાવાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ સ્થળના ભોયતળિયામાંથી સંવત 1213ની તકતી સાથે ગણપતિ અને અન્ય દેવી-દેવતાઓની પ્રતિમાઓ મળી આવી હોવાની તસવીરો સામે આવ્યા બાદ માહોલ વધુ ગરમાયો છે.

એક સમયનું આ જૈન સમરી વિહાર સનાતન ધર્મ અને જૈન બંધુઓની આસ્થાનું મોટું પ્રતિક હતું. ઇતિહાસ અનુસાર અલાઉદ્દીન ખીલજીએ ગુજરાતના સોમનાથ, પંચમહાલ જિલ્લાના ચાપાનેર સહિત ભરૂચના આ જૈન સમરી વિહાર પર પણ આક્રમણ કર્યું હતું. આ સ્થળને તેની મૂળ સ્થિતિમાં લાવવા માટે આંદોલન ચલાવી રહેલા મુક્તાનંદ સ્વામીએ જણાવ્યું હતું કે, આ રાષ્ટ્રીય ધરોહર હોવા છતાં મુસ્લિમ બિરાદરો દ્વારા પાંચ વખત નમાજ અદા કરવામાં આવી રહી છે, જેના કારણે ભારતમાંથી આવતા પ્રવાસીઓને પણ હાલાકીનો સામનો કરવો પડે છે.

પુરાવાઓ અને તકતીઓમાં જૈન તીર્થંકરો તથા દેવી-દેવતાઓની આકૃતિઓ

આ વિવાદાસ્પદ સ્થળના ભોયતળિયામાં ઉંદર સાથેની ગણપતિની પ્રતિમા તેમજ સંવત 1213 સ્પષ્ટ દર્શાવતી તકતી ઉપર જૈન બંધુઓના 19મા તીર્થંકર ભગવાન મલ્લિનાથ દર્શાવેલા છે. આ ઉપરાંત મુખ્ય પ્રવેશદ્વારમાં ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમા પણ દર્શાવેલ છે. મુક્તાનંદ સ્વામીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જ્યાં સુધી જૈન સમરી વિહાર તેની મૂળ સ્થિતિમાં નહીં આવે, ત્યાં સુધી આ લડત સતત યથાવત રહેશે.

શુક્રવારની નમાજ અને ચક્રધર સ્વામીના જન્મદિવસે ભક્તોની ભીડ

શુક્રવાર હોવાના કારણે મસ્જિદમાં મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં નમાજ માટે ઉમટ્યા હતા. બીજી બાજુ, ચક્રધર સ્વામીના જન્મદિવસે 500થી વધુ અનુયાયીઓ આ રાષ્ટ્રીય ધરોહરના નિરીક્ષણ માટે આવ્યા હતા. જૈન બંધુઓ પણ મોટા પ્રમાણમાં આ સ્થળની મુલાકાત લઈને પિલરમાં રહેલી દેવી-દેવતાઓની આકૃતિઓને નિહાળી રહ્યા છે અને સ્પર્શ કરી રહ્યા છે. જૈનો રોજેરોજ મોટી સંખ્યામાં આ સ્થળે પહોંચી રહ્યા છે.

પુરાતત્વ વિભાગની બેદરકારી અને આગામી રણનીતિ

મહાનુભાવ પંથના સુદર્શન નાગરાજબાબા કપાટેની આગેવાનીમાં સૂત્રોએ જણાવ્યું છે કે જ્યાં સુધી જુમ્મા મસ્જિદ મૂળ જૈન સમરી વિહારની સ્થિતિમાં નહીં થાય ત્યાં સુધી કાર્યક્રમો ચાલુ રહેશે. કોઈપણ રાષ્ટ્રીય ધરોહર જો પુરાતત્વ વિભાગના તાબામાં આવતી હોય, તો તેને સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી બંધ રાખવાનો નિયમ હોય છે. પરંતુ આ સ્થળે મોડી રાત્રે પણ ગતિવિધિઓ થતી હોય છે, જે પુરાતત્વ વિભાગની સ્પષ્ટ બેદરકારી દર્શાવે છે. મુક્તાનંદ સ્વામીએ કહ્યું હતું કે ભરૂચના મહાન લેખક કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા લખાયેલા પુસ્તકમાં પણ આ જૈન સમરી વિહારનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.