Gujarat

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તંત્ર 1.14 લાખ માસ્ક, 4691 સેનીટાઈઝર 7.95 લાખ હેન્ડ ગ્લવ્ઝનો ઉપયોગ કરશે

By GS Team
18 Dec 20212 mins read
This article was originally published on 18 Dec 2021
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તંત્ર 1.14 લાખ માસ્ક, 4691 સેનીટાઈઝર 7.95 લાખ હેન્ડ ગ્લવ્ઝનો ઉપયોગ કરશે

ભરૂચ: ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ અને સફળ રીતે પાર પડે તે માટે વહીવટીતંત્ર અનેક મોરચે સજ્જ છે. કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના ખતરા વચ્ચે ચૂંટણી દરમિયાન તંત્રએ તકેદારીના પગલા લીધા છે. જિલ્લાના અલગ અલગ  તાલુકાઓમાં મતદાન મથકો ઉપર તંત્ર દ્વારા 12 લાખથી વધુના ખર્ચે માસ્ક, સેનીટાઈઝર, થર્મલ ગન, ફેસ શિલ્ડ વગેરેનો મોટો જથ્થો ઉપલબ્ધ કરાવ્યો છે.

જિલ્લા આરોગ્ય શાખા પાસેથી મળતી માહિતી મુજબ ચૂંટણી દરમિયાન કોરોનાનું સંક્રમણ ન થાય તે માટે પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં 413 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 5297 ઇલેક્શન અને 127 પ્રોટેકશન સ્ટાફ 878 બુથો ઉપર ફરજ બજાવશે. જિલ્લામાં પંચાયતની ચૂંટણીમાં અડધો અડધ 50 % મતદાન મથકો વિશેષ તકેદારીવાળા છે. જેમાં 175 અતિસંવેદનશીલ અને 259 સંવેદનશીલ પોલિંગ બુથ પર છે કે જ્યાં વધારે સિક્યોરિટી રાખવામાં આવી છે. 1862 મતપેટીઓથી યોજાનારી ચૂંટણીમાં કાઉન્ટીંગ માટે પણ 865 કર્મચારીઓ ફરજ બજાવશે. આ ઉપરાંત ગામે ગામ લોકો મતદાન કરવા ઉમટશે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી સેફટીના સાધનો ઉપલબ્ધ કરાવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા ભરૂચ જિલ્લામાં ફેસ માસ્ક, સેનીટાઈઝર, પીપીઈ કીટ, પ્લાસ્ટીક ગ્લવ્ઝવ વગેરેનો મોટો જથ્થો મોકલવામાં આવ્યો છે. આ ઉપરાંત જરૂરિયાતને ધ્યાનમાં રાખી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કેટલીક વસ્તુઓની ખરીદી કરાઈ છે. 

આંકડાઓ મુજબ જિલ્લાનાં તમામ તાલુકાઓ અને કલેક્ટર કચેરી મળીને જિલ્લામાં કુલ 668 થર્મલ ગન, 11400 ફેસ શિલ્ડ, 12400 રબર હેન્ડ ગ્લવ્ઝ, 4691 હેન્ડ સેનીટાઈઝર, 2090 પીપીઈ કીટ, 12015 N-95 માસ્ક, 102150 થ્રી લેયર માસ્ક, 1222 બાયોમેડીકલ વેસ્ટ બેગ, 1237 લીક્વીડ શોપ, 795000 પ્લાસ્ટીક ગ્લવ્ઝનો જથ્થો પહોંચાડવામાં આવ્યો છે.