Baroda

સરકારની દિવ્યાંગો માટે ફ્રી કોચિંગ સ્કીમના વડોદરામાં ઝીરો લાભાર્થી

By GS Team
23 Jul 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં MS યુનિવર્સિટીના સંશોધકોના અભ્યાસ મુજબ, કેન્દ્ર અને રાજ્ય સરકારની દિવ્યાંગો માટેની અનેક યોજનાઓનો લાભ જાગૃતિના અભાવે બહુ ઓછા લોકોને મળે છે. 227 લોકોના સર્વેમાં બહાર આવ્યું કે, ST બસમાં મફત મુસાફરી સિવાય અન્ય યોજનાઓના લાભાર્થીઓ ઘણા ઓછા છે. નિઃશુલ્ક કોચિંગ યોજનાના વડોદરામાં ઝીરો લાભાર્થી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સરકારની દિવ્યાંગો માટે ફ્રી કોચિંગ સ્કીમના વડોદરામાં ઝીરો લાભાર્થી

દિવ્યાંગો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની સંખ્યાબંધ યોજનાઓ અમલમાં છે પણ જાગૃતિના અભાવે તેનો લાભ બહુ ઓછા દિવ્યાંગોને મળી રહ્યો છે તેવું એમ.એસ.યુનિવર્સિટીના અટલ બિહારી વાજપેઈ ઈન્સ્ટિટયુટ ઓફ પોલિસી રિસર્ચના સંશોધકોના અભ્યાસમાં સામે આવ્યું છે.
ઈન્સ્ટિટયુટમાં રિસર્ચ ઈન્ટર્નશિપના ભાગરુપે શ્રેયા ગિરિ, કાવ્યા પિલ્લાઈ, નેહા સાદિયા, ગૌતમ ચૌધરીએ અધ્યાપકો અમી મેરવાણા તથા ભૂમિ શ્રોફના માર્ગદર્શન હેઠળ આ અભ્યાસના ભાગરુપે ૩૪ દિવ્યાંગ અને શારીરિક રુપથી સામાન્ય ૧૯૩ એમ ૨૨૭ લોકોનો સર્વે કર્યો હતો અને ઈન્ટરવ્યૂ પણ લીધા હતા.
સંશોધકોનું કહેવું છે કે, વડોદરાની વાત કરવામાં આવે તો સરકારની વિવિધ યોજનાઓ પૈકી દિવ્યાંગોએ સૌથી વધારે લાભ એસટી બસોમાં મફત મુસાફરીની યોજનાનો લીધો છે.જેમાં ૨૦૨૫ સુધીમાં ૨૦૫૫૪ દિવ્યાંગો લાભાર્થી તરીકે નોંધાયા હતા.જોકે અન્ય યોજનાઓ માટે આવું કહી શકાય તેમ નથી.જેમ કે રાજ્ય સરકારે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક કોચિંગની યોજના અમલમાં મૂકી હતી.પણ વડોદરામાં તો ખાનગી કે સરકારી એમ કોઈ સંસ્થાને આ યોજનાની જાણકારી જ નથી અને તેના ઝીરો લાભાર્થી છે.

વડોદરામાં વિવિધ યોજનાઓની સ્થિતિ
--એસટી બસમાં ફ્રી મુસાફરીની યોજનાના ૨૦૨૫માં ૨૦૫૫૪ લાભાર્થી હતા
--અવર જવર માટે અને રોજગારી માટે ટ્રાયસિકલ સહિતના સાધનોની સાધના સહાય યોજનાના ૨૦૨૪-૨૫માં માત્ર ૨૯૩ લાભાર્થી હતા.જે સાધનો પૂરા પાડવામાં આવે છે તેની ગુણવત્તા પણ હલકી કક્ષાની હોય છે
--દિવ્યાંગ વિદ્યાર્થી શિષ્યવૃત્તિ યોજનામાં વર્ષે માત્ર ૧૦૦૦ થી ૧૫૦૦ રુપિયાની નહીંવત સહાય અપાય છે.૨૦૨૪-૨૫માં માત્ર ૨૦૭ વિદ્યાર્થીઓએ તેનો લાભ લીધો
--સંત સૂરદાસ પેન્શન યોજનામાં ૨૦૨૫ના આંકડા પ્રમાણે ૨૧૩૬ લાભાર્થી
--માનસિક રીતે દિવ્યાંગો માટેની પેન્શન યોજનાના ૨૦૨૫માં ૩૨૬૮ લાભાર્થી નોંધાયા
--દિવ્યાંગ મેરેજ સ્કીમનો ૨૦૨૪-૨૫માં ૩૨ લોકોએ લાભ લીધો
--દિવ્યાંગ વ્યક્તિના પરિવારજનો માટે ઈન્સ્યોરન્સ સ્કીમ છે પણ તેની કોઈને ખબર નથી
--ઈલેક્ટ્રિક સ્કૂટર પર દિવ્યાંગોને સબસિડી અપાય છે પણ બે વર્ષથી તેના માટે ફંડ જ નથી
--નિરામયા હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કીમનો ૨૦૨૪-૨૫માં ૨૩૮૫ દિવ્યાંગોએ લાભ લીધો
--સ્વ રોજગાર માટેની માનવ કલ્યાણ યોજનાનો વડોદરામાં ૨૦૨૪-૨૫માં માત્ર ૨૦ લોકો લાભાર્થી હતા

યોજનાઓના અમલ સામેના પડકારો
--૫૮ ટકાના મતે જાહેરાત અને અમલ વચ્ચે અંતર
--૮૦ ટકાના મતે લોકોમાં જાગૃતિનો અભાવ
-- ૪૧ ટકાના કહેવા પ્રમાણે માળખાકીય સુવિધાઓનો અભાવ
--૩૮ ટકાના કહેવા પ્રમાણે સિસ્ટમમાં જવાબદારીનો અભાવ

દિવ્યાંગોને બીજી કઈ સમસ્યાઓ નડે છે
--૭૩ ટકાના મતે જાહેર સ્થળોએ સુવિધાઓનો અભાવ, પરિવહનની મુશ્કેલી
--૬૦ ટકાના મતે રોજગારની તકલીફ
--૫૦ ટકાના મતે શિક્ષણ મેળવવાનો પડકાર
--૫૪ ટકાના મતે નાણાકીય મુશ્કેલી
--૬૦ ટકાના મતે સામાજિક સ્વીકૃતિનો અભાવ

સંશોધકોના સૂચનો
-- હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ સહિતના જાહેર સ્થળોને દિવ્યાંગ ફ્રેન્ડલી બનાવાય
--સરકાર આધુનિક ટેકનોલોજી પૂરી પાડે
--નોકરીમાં દિવ્યાંગો માટેના રિઝર્વેશનનો અસરકારક અલમ
--દિવ્યાંગો માટેના શિક્ષકોની વિશેષ તાલીમ
-- દિવ્યાંગોના પરિવાર માટે વર્કશોપ
--ફરિયાદોના નિકાલ માટે દરેક જિલ્લામાં અધિકારી
--દિવ્યાંગો માટેની સ્કીમ અને સહાયનું ઓડિટ