Baroda

યુસુફ પઠાણને ગુજરાત સરકાર દ્વારા લહાણી: પ્લોટની ફાળવણી નામંજૂર બાદ ફરી ગુજરાત સરકારની મંજૂરી

By GS Team
20 Oct 20264 mins read
TukuTouch Logo
વડોદરામાં ક્રિકેટર યુસુફ પઠાણને તાંદળજા-વાસણા રોડ પર 978 ચોરસ મીટર વિવાદિત જમીન ફાળવવા ગુજરાત સરકારે મંજૂરી આપી છે. 500 ચોરસ મીટર જમીન ભેટ સ્વરૂપે અને બાકીની 478 ચોરસ મીટર જમીન 45% રાહત દરે મળશે. આ નિર્ણય પઠાણના રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય યોગદાનને ધ્યાને રાખી લેવાયો છે, જોકે રાજકીય વર્તુળોમાં સવાલો ઊભા થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુસુફ પઠાણને ગુજરાત સરકાર દ્વારા લહાણી: પ્લોટની ફાળવણી નામંજૂર બાદ ફરી ગુજરાત સરકારની મંજૂરી

Vadodara: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની તાંદળજા-વાસણા રોડ પર આવેલી વિવાદિત જમીન ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ રહી ચૂકેલા યુસુફ મહેમુદખાન પઠાણને ફાળવવાનો માર્ગ ગુજરાત સરકારે ખોલ્યો છે. ટીપી સ્કીમ નંબર 22ના ફાઇનલ પ્લોટ નંબર 90માં આવેલી રહેણાક હેતુની 978 ચોરસ મીટર જમીન પૈકી 500 ચોરસ મીટર જમીન ભેટસ્વરૂપે અને બાકીની 478 ચોરસ મીટર જમીન વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ (વુડા)ની મૂલ્યાંકન સમિતિએ નક્કી કરેલા પ્રવર્તમાન મૂલ્યાંકનના 55 ટકા દરે, એટલે કે 45 ટકા રાહતે ફાળવવાની દરખાસ્તને રાજ્ય સરકારના મંત્રીમંડળની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. આ ફાળવણીને ભવિષ્યમાં અન્ય કિસ્સાઓ માટે પૂર્વદૃષ્ટાંત ગણવામાં નહીં આવે તેવી શરત પણ રાખવામાં આવી છે.

આ નિર્ણયને પગલે રાજકીય વર્તુળોમાં સવાલ ઊભો થયો છે કે શું યુસુફ પઠાણના બદલાયેલા રાજકીય સમીકરણો વચ્ચે આ વિવાદનો ઉકેલ લાવવામાં આવ્યો છે? જોકે, સરકારના નિર્ણય પાછળનું સત્તાવાર કારણ ખેલાડી તરીકે પઠાણનું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગદાન તથા રમતગમત નીતિને ધ્યાનમાં લેવાનું દર્શાવવામાં આવ્યું છે.

યુસુફ મહેમુદખાન પઠાણ, રહે. જી/9, હાજી ડુપ્લેક્સ, તાંદળજા-વાસણા રોડ, દ્વારા વર્ષ 2012માં મ્યુનિસિપલ કમિશનરને ઉદ્દેશીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની ટીપી સ્કીમ નંબર 22ના ફાઇનલ પ્લોટ નંબર 90માં આવેલી 978 ચોરસ મીટર જમીન રહેણાક હેતુ માટે ફાળવવાની માગ કરવામાં આવી હતી. પઠાણે રજૂઆતમાં જણાવ્યું હતું કે માગવામાં આવેલી જમીનની બાજુમાં તેમનો પોતાનો પ્લોટ આવેલો છે. તેઓ આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટર હોવાથી સુરક્ષાની દૃષ્ટિએ આ જમીન રહેણાક હેતુ માટે ફાળવવામાં આવે તો અનુકૂળતા રહે તેમ છે. આ માટે નીતિ-નિયમો અને શરતો મુજબ નક્કી થતી કિંમત ચૂકવવા પણ તેમણે સંમતિ દર્શાવી હતી.

આ માગણીના અનુસંધાને 500 ચોરસ મીટર જમીન ભેટસ્વરૂપે અને બાકીની 478 ચોરસ મીટર જમીન વુડાની મૂલ્યાંકન સમિતિએ નક્કી કરેલા પ્રવર્તમાન મૂલ્યાંકનના 55 ટકા દરે વસૂલ કરીને ફાળવવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. આ દરખાસ્ત સ્થાયી સમિતિ મારફતે સમગ્ર સભા સમક્ષ રજૂ કરીને મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

વિશ્વકપની જીતમાં યોગદાનને આધારે ખાસ કિસ્સામાં ફાળવણી

શહેરી વિકાસ સત્તા મંડળનારેગ્યુલેશન-2002ના નિયમ 13, એટલે કે ખાસ કિસ્સામાં જમીન ફાળવણીની જોગવાઈના આધારે સરકાર સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવી હતી. યુસુફ પઠાણે વર્ષ 2007ના ટી-20 વિશ્વકપ અને વર્ષ 2011ના ક્રિકેટ વિશ્વકપમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. બંને વિશ્વકપમાં ભારતે વિજય મેળવ્યો હતો. રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેમના યોગદાન અને રાષ્ટ્રીય તથા રાજ્યની રમતગમત નીતિને ધ્યાનમાં રાખીને તેમની માગ મુજબનો પ્લોટ ફાળવવા ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે. જાહેર હરાજી વિના ખાસ કિસ્સામાં જમીન ફાળવવાની મંજૂરી આ નિર્ણયનો મુખ્ય આધાર છે.

કોર્પોરેશનને અન્ય જમીન આપવાની શરત

સરકારની મંજૂરી મુજબ 500 ચોરસ મીટર જમીન રહેણાક હેતુ માટે ભેટસ્વરૂપે અને બાકીની 478 ચોરસ મીટર જમીન વુડાની મૂલ્યાંકન સમિતિએ નક્કી કરેલા મૂલ્યાંકનના 55 ટકા દરે, એટલે કે 45 ટકા રાહત સાથે ફાળવવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. આ ફાળવણીને ભવિષ્યમાં અન્ય કોઈ કિસ્સામાં પૂર્વદૃષ્ટાંત તરીકે ગણી શકાશે નહીં. આ ઉપરાંત, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાળવવામાં આવનારી જમીનની કિંમત જેટલી જમીન મહેસૂલ વિભાગ દ્વારા કોર્પોરેશનને ફાળવી આપવાની શરત પણ રાખવામાં આવી છે. આમ, એક તરફ પઠાણને જમીન ફાળવવાનો માર્ગ મોકળો થયો છે, તો બીજી તરફ કોર્પોરેશનને જમીનના મૂલ્યની સમકક્ષ જમીન આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

2014માં સરકારે જાહેર હરાજી વિના જમીન આપવાનો ઇનકાર કર્યો હતો

વર્ષ 2012માં યુસુફ પઠાણે સેલિબ્રિટી પ્રોટેક્શન અને સુરક્ષાનું કારણ આગળ ધરીને પોતાના ઘરની પાછળનો પ્લોટ 99 વર્ષની લીઝ પર આપવાની માગ કરી હતી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અંગે ઠરાવ કરવામાં આવ્યો હતો. જોકે, વર્ષ 2014માં રાજ્ય સરકારે જાહેર હરાજી વિના જમીન ફાળવવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. સરકારી મંજૂરી ન હોવા છતાં પ્લોટ પર બાઉન્ડ્રી વોલ અને શેડ બનાવવામાં આવ્યાં હતાં. ત્યારબાદ વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં યુસુફ પઠાણ વિજયી બન્યા પછી સ્થાનિક ભાજપના કાઉન્સિલરની ફરિયાદના આધારે કોર્પોરેશન દ્વારા આ બાંધકામને ગેરકાયદે દબાણ ગણાવી ડિમોલિશન નોટિસ ફટકારવામાં આવી હતી.

ડિમોલિશન નોટિસથી હાઇકોર્ટ સુધી પહોંચ્યો વિવાદ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ડિમોલિશન નોટિસને પડકારતાં યુસુફ પઠાણ હાઇકોર્ટ પહોંચ્યા હતા. આ મામલે હાઇકોર્ટે કડક વલણ અપનાવી પઠાણને સખત શબ્દોમાં ઠપકો આપ્યો હતો. ભારે દંડની શક્યતા વચ્ચે 31 ઑગસ્ટના રોજ પઠાણના વકીલે બિનશરતી દિલગીરી વ્યક્ત કરીને કેસ પાછો ખેંચી લીધો હતો. આમ, વર્ષ 2012માં શરૂ થયેલી જમીનની માગણી, વર્ષ 2014માં સરકારના ઇનકાર, ત્યારબાદ થયેલા બાંધકામ અને ડિમોલિશન નોટિસથી શરૂ થયેલો વિવાદ હવે રાજ્ય સરકારની નવી મંજૂરી બાદ ઉકેલ તરફ આગળ વધ્યો છે.

બદલાયેલા રાજકીય સમીકરણો વચ્ચે જૂની માગણીનો ઉકેલ

યુસુફ પઠાણ તૃણમૂલ કોંગ્રેસમાંથી લોકસભાની ચૂંટણી જીતીને સાંસદ બન્યા હતા. ત્યારબાદ તેમના રાજકીય સમીકરણોમાં આવેલા ફેરફારો અને નેશનલ સિટીઝન્સ પાર્ટી ઑફ ઇન્ડિયા (NCPI)ના ઉપાધ્યક્ષ બન્યા હોવાના દાવા વચ્ચે જમીનનો જૂનો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. સરકારે ખેલાડી તરીકેના તેમના યોગદાન અને ખાસ કિસ્સામાં જમીન ફાળવવાની જોગવાઈનો આધાર લઈને દરખાસ્તને મંજૂરી આપી છે. જોકે, આ નિર્ણય અને પઠાણના રાજકીય ફેરફારો વચ્ચે સીધો સંબંધ હોવાનો કોઈ સત્તાવાર પુરાવો સામે આવ્યો નથી. તેમ છતાં, અગાઉ જાહેર હરાજી વિના જમીન આપવાનો ઇનકાર કરનાર સરકાર હવે 500 ચોરસ મીટર જમીન ભેટમાં અને બાકીની જમીન 45 ટકા રાહતે આપવા સંમત થતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.