Baroda

યુસુફ પઠાણને મમતા બેનરજીનો સાથ છોડવાનું ઈનામ? ગુજરાત સરકારે વિવાદિત પ્લોટ ફાળવવા મંજૂરી આપી

By GS Team
20 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં યુસુફ પઠાણના જમીન વિવાદનો અંત આવ્યો છે. રાજ્ય સરકારે તાંદલજા વિસ્તારમાં 978 ચોરસ મીટરના પ્લોટને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને ફાળવવાની દરખાસ્ત મંજૂર કરી છે. 500 ચો.મી. જમીન રહેણાંક ઉપયોગ માટે ભેટ સ્વરૂપે મળશે, જ્યારે 478 ચો.મી. જમીન રાહતદરે અપાશે. આ પ્લોટની અંદાજિત બજાર કિંમત 20.53 કરોડ રૂપિયા છે. VMCની સ્થાયી સમિતિ અને જનરલ બોર્ડની મંજૂરી બાદ કાર્યવાહી થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુસુફ પઠાણને મમતા બેનરજીનો સાથ છોડવાનું ઈનામ? ગુજરાત સરકારે વિવાદિત પ્લોટ ફાળવવા મંજૂરી આપી

Yusuf Pathan Land Dispute In Vadodara: રાજ્ય સરકારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ના તાંદલજા વિસ્તારમાં આવેલા 978 ચોરસ મીટરના ચર્ચાસ્પદ અને વિવાદિત પ્લોટને પૂર્વ ભારતીય ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણને ફાળવવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. આ ફાળવણી અંતર્ગત 500 ચોરસ મીટર જમીન રહેણાંક ઉપયોગ માટે ભેટ સ્વરૂપે આપવામાં આવશે, જ્યારે બાકીની 478 ચોરસ મીટર જમીન તેના નિર્ધારિત મૂલ્યાંકનના 55 ટકા જેટલી રાહતદારે ટ્રાન્સફર કરવામાં આવશે.

જમીનની કિંમત અને ફાળવણીનું ગણિત

VMCના જમીન અને મિલકત વિભાગ દ્વારા તૈયાર કરાયેલી આ દરખાસ્ત ટાઉન પ્લાનિંગ સ્કીમ-22 (ફાઇનલ પ્લોટ 90) હેઠળના તાંદલજા વિસ્તારના પ્લોટ સાથે સંકળાયેલી છે. મ્યુનિસિપલ બોડી દ્વારા પ્રતિ ચોરસ મીટર 2.10 લાખ રૂપિયાના મંજૂર મૂલ્યાંકનને આધારે આ જમીનની કુલ અંદાજિત બજાર કિંમત અંદાજે 20.53 કરોડ રૂપિયા જેટલી થાય છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને ગત ઓગસ્ટ માસના અંત ભાગમાં આ અંગેની સરકારી દરખાસ્ત પ્રાપ્ત થઈ હતી.

નક્કી કરાયેલી વ્યવસ્થા મુજબ, 500 ચોરસ મીટર જમીન યુસુફ પઠાણને રહેણાંક ઉપયોગ માટે વિનામૂલ્યે (ભેટમાં) અપાશે. જ્યારે બાકીની 478 ચોરસ મીટર જમીન વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ (VUDA)ની મૂલ્યાંકન સમિતિ દ્વારા નક્કી કરાયેલા મૂલ્યના 55 ટકા રકમ પર જ ટ્રાન્સફર કરવામાં આવશે, એટલે કે તેમને તેમાં 45 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે. પ્રસ્તાવમાં સ્પષ્ટ કરાયું છે કે આ વ્યવસ્થા અન્ય સમાન કેસો માટે કોઈ મિસાલ (દૃષ્ટાંત) બનશે નહીં. ઉપરાંત, મહેસૂલ વિભાગ દ્વારા આ જમીનના મૂલ્ય સમકક્ષ કિંમતની અન્ય જમીન VMCને ફાળવવામાં આવશે.

VMCની સ્ટેન્ડિંગ અને જનરલ બોર્ડમાં પ્રક્રિયા બાકી

આ મામલે VMC મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પુષ્ટિ કરતા જણાવ્યું છે કે નાગરિક સંસ્થાને સરકાર તરફથી જમીન ફાળવણીની મંજૂરી મળી ગઈ છે. જોકે, હજુ આ દરખાસ્તને અંતિમ સ્વરૂપ આપવાનું બાકી છે અને નિયમોનુસાર તેને VMCની સ્થાયી સમિતિ તેમજ જનરલ બોર્ડની મંજૂરી માટે રજૂ કરવામાં આવશે, જ્યાંથી મંજૂરી મળ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. તાજેતરમાં જ યુસુફ પઠાણે આ પ્લોટ મામલે અગાઉ ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરેલી અપીલ પાછી ખેંચી લીધી હતી.

વર્ષ 2012થી ચાલી રહ્યો છે વિવાદ

આ વિવાદ વર્ષ 2012થી ચાલ્યો આવે છે. તે સમયે યુસુફ પઠાણે પોતાના પરિવારના ઘરની બાજુમાં આવેલી આ જમીન 99 વર્ષના લીઝ પર ફાળવવાની માંગણી કરી હતી. પોતાની અરજીમાં તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે પોતાની સુરક્ષા સંબંધિત ચિંતાઓનો હવાલો આપીને બાજુની આ જમીન રહેણાંક ઉપયોગ માટે અનુકૂળ હોવાની દલીલ કરી હતી, જે લાંબા સમયથી કાનૂની અને પ્રશાસકીય પ્રક્રિયાઓમાં અટવાયેલી હતી.