ટ્રમ્પ અમેરિકામાં સત્તા ગુમાવશે? નેતન્યાહૂએ કરી ભવિષ્યવાણી, ભારત વિશે જુઓ શું કહ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Netanyahu Security Strategy: ઈઝરાયલના પ્રમુખ બેન્જામિન નેતન્યાહૂએ આશંકા વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં અમેરિકામાં કોઈ એવા પ્રમુખ સત્તા પર આવી શકે છે જે ઈઝરાયલ પ્રત્યે વિરોધી વલણ ધરાવતા હોય. આગામી 27 ઓક્ટોબરે યોજાનારી સંસદીય ચૂંટણીઓ પહેલાં પોતાની સુરક્ષા નીતિ રજૂ કરતી વખતે તેમણે આ નિવેદન આપ્યું હતું. નેતન્યાહૂએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ઈઝરાયલે અત્યારથી જ ભારત અને લેટિન અમેરિકા સહિતના અન્ય દેશો સાથે પોતાના રાજદ્વારી અને વ્યૂહાત્મક સંબંધો વધુ મજબૂત કરવા જોઈએ.
બે વર્ષમાં અમેરિકાની નીતિ બદલાવાની આશંકા
પોતાની સુરક્ષા નીતિ રજૂ કરતી વખતે નેતન્યાહૂએ કહ્યું કે, આગામી બે વર્ષમાં અમેરિકામાં એવા પ્રમુખ(પુરુષ કે મહિલા) સત્તામાં આવી શકે છે જે ઈઝરાયલના વિરોધી હોય. તેથી, ઈઝરાયલે હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બાકી રહેલા કાર્યકાળનો ઉપયોગ પોતાની વૈશ્વિક સ્થિતિને વધુ મજબૂત કરવા માટે કરી લેવો જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું કે ઈઝરાયલે અમેરિકા સાથેના સંબંધો પર કામ ચાલુ રાખવાની સાથે સાથે અન્ય શક્તિશાળી દેશો સાથે નવા ગઠબંધન રચવા પડશે. આ સંદર્ભમાં તેમણે ભારતનો ખાસ ઉલ્લેખ કરતા કહ્યું કે ભારત કોઈ નાનો દેશ નથી અને લેટિન અમેરિકામાં પણ રાજકીય પરિવર્તનો આવી રહ્યા છે, જેનો લાભ ઈઝરાયલે લેવો જોઈએ.
ભારત સાથેના સંબંધોનું મહત્ત્વ અને અમેરિકા સાથેનો ઇતિહાસ
નેતન્યાહૂ પહેલા પણ ભારત અને પીએમ મોદી સાથેના સંબંધોને ખૂબ મહત્ત્વપૂર્ણ ગણાવી ચૂક્યા છે. મે મહિનામાં પણ તેમણે ભારતને એક મોટી વૈશ્વિક શક્તિ ગણાવીને ઈઝરાયલ સાથેના તેના ખાસ સંબંધોની પ્રશંસા કરી હતી. જોકે, ઈઝરાયલ માટે અમેરિકા સાથેના સંબંધો હંમેશાં મહત્ત્વના રહ્યા છે, પરંતુ ભૂતકાળમાં બરાક ઓબામા અને જો બાઇડેન જેવા ડેમોક્રેટિક પ્રમુખના કાર્યકાળ દરમિયાન નેતન્યાહૂ સાથે કેટલાક મુદ્દાઓ પર મતભેદો રહ્યા છે. કેટલાક રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે નેતન્યાહૂની નીતિઓને કારણે જ અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટીમાં ઈઝરાયલ પ્રત્યેનું સમર્થન ઘટ્યું છે.
વિપક્ષી નેતા ગાદી આઇઝનકોટના આકરા પ્રહારો
બીજી તરફ, ઈઝરાયલના વિપક્ષી નેતા અને પૂર્વ સેના પ્રમુખ ગાદી આઇઝનકોટ દ્વારા નેતન્યાહૂની આ સુરક્ષા નીતિ પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. તેમણે આ નીતિને માત્ર બે પાનાનો દસ્તાવેજ ગણાવીને ચૂંટણી સમયે જનતામાં ડર પેદા કરવાનો અને મતદારોને પ્રભાવિત કરવાનો રાજકીય પ્રયાસ ગણાવ્યો હતો. આઇઝનકોટે ઉમેર્યું હતું કે, 7 ઓક્ટોબર, 2023ની ઘટનાઓના લગભગ ત્રણ વર્ષ પછી અને યુદ્ધના આટલા મોરચા ખુલ્લા હોવા છતાં, ચૂંટણીના કેવળ નવ દિવસ પહેલા આવી નીતિ જાહેર કરવી એ ઈઝરાયલ પાસે નક્કર વ્યૂહાત્મક દિશાનો અભાવ દર્શાવે છે.
ટ્રમ્પનું સમર્થન અને ચૂંટણી સમીકરણો
નેતન્યાહૂના આ નિવેદનના થોડા કલાકો પહેલા જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં નેતન્યાહૂનું સમર્થન કર્યું હતું. ટ્રમ્પે નેતન્યાહૂને મજબૂત અને બહાદુર નેતા ગણાવ્યા હતા તથા ઈરાન સામેની કાર્યવાહીમાં તેમને પોતાના મહત્ત્વના સહયોગી ગણાવ્યા હતા. જોકે, ઈઝરાયલમાં પ્રમુખની પસંદગી સીધી જનતાના વોટથી નહીં પરંતુ સંસદના સભ્યો દ્વારા થાય છે, તેથી ટ્રમ્પના સમર્થનથી ચૂંટણીમાં કેટલો ફાયદો થશે તે જોવું રહ્યું. હાલમાં ઈઝરાયલી રાજકારણમાં નેતન્યાહૂની સુરક્ષા નીતિ અને વૈશ્વિક ગઠબંધનની યોજના ચર્ચાનો મુખ્ય વિષય બની છે.




