ટાઈગર શ્રોફ પર ફાયરિંગના કેસમાં 4 શંકાસ્પદની અટકાયત: 3 રાજસ્થાન અને 1 ગુજરાત બોર્ડરથી પકડાયો!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Tiger Shroff Firing Incident: 4 Suspects Detained Across Rajasthan and Gujarat Border | મુંબઈના જુહુ વિસ્તારમાં બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ પર થયેલા જીવલેણ હુમલાની ઘટના બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. હુમલાના ગણતરીના કલાકોમાં તપાસનો ધમધમાટ શરૂ કરીને પોલીસે માત્ર 16 કલાકના ગાળામાં 4 શંકાસ્પદ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
16 કલાકમાં 4 શંકાસ્પદોની અટકાયત
ઘટના બાદ તરત જ એક્શનમાં આવેલી પોલીસ ટીમોએ અલગ-અલગ રાજ્યોમાં તપાસ તેજ કરી હતી. જેમાં રાજસ્થાનના કોટા ખાતેથી રેલવે કોલોની પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 3 શંકાસ્પદ આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. જોકે, કોટા શહેર પોલીસે હજુ સુધી સત્તાવાર રીતે આ ધરપકડની પુષ્ટિ કરી નથી. આ સિવાય એક અન્ય આરોપીને મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પરથી ઝડપી લેવામાં આવ્યો છે. આમ, 16 કલાકની અંદર કુલ 4 શંકાસ્પદો પોલીસના સકંજામાં આવી ચૂક્યા છે.
કોટાથી પકડાયેલા આરોપીઓની વિગત
મળતી માહિતી મુજબ, કોટાથી પકડાયેલા ત્રણેય આરોપીઓ મુંબઈથી ટ્રેન પકડીને ભાગ્યા હતા. પૂણે-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં તેઓ હોવાની ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે કોટા રેલવે કોલોનીમાંથી તેમને દબોચી લેવાયા હતા. આ પકડાયેલા શખ્સો પૈકી બે હરિયાણાના અને એક બિહારનો રહેવાસી છે.
ફૂટબોલ રમીને પરત ફરતાં 5 રાઉન્ડ ફાયરિંગ: ટાઇગર અને ડ્રાઇવર ઈજાગ્રસ્ત
રવિવારે ટાઇગર શ્રોફ ફૂટબોલ રમીને પરત ફરી રહ્યો હતો, તે દરમિયાન બે અજાણ્યા હુમલાખોરોએ અચાનક 5 રાઉન્ડ અંધાધૂંધ ફાયરિંગ કરી દીધું હતું. આ હુમલામાં ટાઇગર શ્રોફના ડ્રાઇવરને સીધી ગોળી વાગી હતી, જ્યારે પોતે ટાઇગર શ્રોફ પણ ઈજાગ્રસ્ત થયો હતો. પ્રાથમિક તપાસ વચ્ચે આ હુમલાની જવાબદારી કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગે સ્વીકારી હોવાની વિગતો સામે આવતાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે.
'હુમલાખોરોના આકાઓને શોધી કાઢીશું': મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ચેતવણી
સોમવારે પત્રકારો સાથે વાતચીત કરતાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે મુંબઈ પોલીસે આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લીધી છે. તેમણે કહ્યું કે, આ ખૂબ જ ગંભીર અને નિંદનીય બાબત છે. પોલીસે આને ગંભીરતાથી લીધી છે. પોલીસને કેટલાક પુરાવા મળ્યા છે. પોલીસે ઓળખ કરી છે કે આ લોકો દેશની બહારથી ઓપરેટ કરી રહ્યા છે. આ ડરપોક લોકો છે, જે છુપાઈ-છુપાઈને વાર કરવાનું કામ કરે છે. કોઈ પણ ગેંગ હોય, તેને છોડવામાં નહીં આવે. સીધા કેવી રીતે કરવા એ મુંબઈ પોલીસ સારી રીતે જાણે છે. આમના આકા ગમે ત્યાં બેઠા હોય, કાયદાકીય પ્રક્રિયા પૂરી કરીને તેમને શોધી કાઢીશું. વિપક્ષ આ મામલાને હાઇજેક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ એ જ લોકો છે જે અગાઉ પોતાની પોલીસ પાસે હત્યાઓ કરાવતા હતા અને બદલી-પોસ્ટિંગમાં પૈસા ખાતા હતા. કોઈ પણ ગેંગ હોય, કોઈને છોડવામાં નહીં આવે.
હુમલાખોરો મહારાષ્ટ્ર બહારથી ઓપરેટ કરી રહ્યા છે: ફડણવીસ
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, આ ગુનેગારો પૈકી કોઈ પણ વ્યક્તિ મહારાષ્ટ્રની અંદરથી ઓપરેટ કરતો નથી. જે લોકો રાજ્યની અંદરથી ઓપરેટ કરી રહ્યા હતા, તેમની અગાઉ જ ધરપકડ કરી લેવામાં આવી છે. આ ગુનેગારો મહારાષ્ટ્રની બહારથી અથવા તો દેશની બહારથી નેટવર્ક ચલાવી રહ્યા છે. અન્ય રાજ્યો સાથે સંકલન સાધીને અને વિદેશથી ઓપરેટ કરનારાઓ સામે કેન્દ્ર સરકારની મદદ મેળવીને અમે તેમને ટ્રેક કરીશું અને કડક પગલાં ભરીશું.




