રાવપુરા પોલીસ મથકમાં યુવકનો ગળા પર બ્લેડ મારી આત્મહત્યાનો પ્રયાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા સાઈબાબા ટેકરા પાસે રહેતા 40 વર્ષીય સુનીલ નામના યુવકે રાવપુરા પોલીસ મથકની અંદર જ પોતાના ગળા પર ધારદાર બ્લેડ મારી આત્મહત્યાનો ગંભીર પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસ મથકમાં અચાનક બનેલી આ ઘટનાને પગલે સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, સુનીલે પોલીસ મથકની અંદર જ ગળાના ભાગે બ્લેડ મારતાં તે લોહીલુહાણ થઈ ગયો હતો. ગંભીર સ્થિતિને ધ્યાનમાં લઈ રાવપુરા પોલીસ દ્વારા તેને તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
સારવાર બાદ સુનીલની સ્થિતિ સ્થિર થતાં તબીબોએ તેને સ્વસ્થ જાહેર કર્યો હતો. ત્યારબાદ પોલીસ કર્મચારીઓ તેને ફરી રાવપુરા પોલીસ મથકે લઈ આવ્યા હતા. હાલમાં તેની શારીરિક સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.
જોકે, સુનીલ કયા કારણોસર રાવપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોલીસ મથકની અંદર જ તેણે આ પગલું શા માટે ભર્યું તે અંગે હજી સુધી ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.




