'વેરો લઈ ગટરના પાણી આપો છો' ત્રસ્ત રહીશોનો તંત્ર સામે બળાપો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શહેરમાં એક પછી એક વિવિધ વિસ્તારોમાંથી ગટરમિશ્રિત પાણીની ફરિયાદો સામે આવી રહી છે. આજે વોર્ડ નંબર-૧૨ના કલાલી-વડસર રોડ પર આવેલી નીલ ટેરેસ સોસાયટીમાં રહીશોએ એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું છે, જ્યારે વોર્ડ નંબર-૧ના જેતુનનગર (કલાસાવા ચાલ)માં સામાજિક કાર્યકરે મ્યુનિ.અધિકારીનો ઉધડો લીધો હતો.
કલાલી-વડસર રોડ પર આવેલી નીલ ટેરેસ સોસાયટીમાં છેલ્લા ૧૫ દિવસથી કાળા રંગનું અને દુર્ગંધયુક્ત ગટરમિશ્રિત પાણી આવી રહ્યું હોવાનો આક્ષેપ રહીશોએ કર્યો છે. રહીશોએ ગંદા પાણીથી ભરેલી બોટલો બતાવી મ્યુનિ. કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે. સોસાયટીમાં ૩૫ મકાનો આવેલા છે અને દૂષિત પાણીના કારણે બે જણ બીમાર પડયા હોવાનું એમનું કહેવું છે.
રહીશોનું કહેવું છે કે, પાણી ઉપયોગમાં લઈ શકાય તેવું નથી. પરિણામે પીવાના પાણી માટે રોજ પાણીના જગ ખરીદવાની ફરજ પડી રહી છે. વર્ષો જૂની પાણીની લાઈનને કારણે વારંવાર આવી સમસ્યા સર્જાતી હોવા છતાં મ્યુનિ.કોર્પોેરેશન દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી.' વેરો લઈ ગટરનું પાણી આપવા કરતાં ઝેર આપી દો'એમ કહી રહીશોએ નારાજગી દર્શાવી છે.
બીજી તરફ, વોર્ડ નંબર-૧ના જેતુનનગર (કલાસાવા ચાલ) ખાતે છેલ્લા એક મહિનાથી આશરે ૧૫ મકાનોમાં કાળા રંગનું અને દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે. અહીં પણ રહીશો પીવાના પાણી માટે પાણીના જગ ખરીદવા મજબૂર બન્યા છે. એક સામાજિક કાર્યકરે મ્યુનિ. કોર્પોેરેશનના અધિકારીઓ સામે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે અધિકારીઓ હજુ સુધી પાણીની લાઈનમાં ફોલ્ટ શોધી શક્યા નથી. ઉપરાંત, જરૃરિયાત હોવા છતાં પાણીના ટેન્કર પણ સમયસર મોકલતા નથી, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.









