Baroda

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી હિંસક બની દાહોદમાં ભારે પથ્થરમારાના પગલે નાસભાગ ઃ ટિયરગેસના સેલ છોડયા

By GS Team
9 Aug 20262 mins read
TukuTouch Logo
દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી હિંસક બની હતી. મુવાલિયા ક્રોસિંગ પાસે આમ આદમી પાર્ટીના કાર્યકરો ડીજે અને ચૈતર વસાવાના બેનરો સાથે રેલીમાં જોડાતા મામલો ગરમાયો હતો. અચાનક પથ્થરમારા બાદ પોલીસે 12 જેટલા ટિયરગેસના સેલ છોડી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં 1 PSI અને 2 મહિલા કોન્સ્ટેબલ ઘાયલ થયા હતા. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે અને કેટલાક યુવાનોની અટકાયત પણ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી હિંસક બની દાહોદમાં ભારે પથ્થરમારાના પગલે નાસભાગ ઃ ટિયરગેસના સેલ છોડયા

દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી હિંસક બની હતી. નગરમાં મુવાલિયા ક્રોસિંગ પાસે સાંસ્કૃતિક રેલી પહોંચ્યા બાદ આપના કાર્યકરો ડીજે અને ચૈતર વસાવાને સપોર્ટ કરતા બેનરો લઇને પહોંચતા મામલો ગરમાયો હતો. અચાનક થયેલા પથ્થરમારા બાદ પોલીસે બળપ્રયોગ કરી ટિયરગેસના એક ડઝન જેટલા સેલ છોડવાની ફરજ પડી છે.
ડીજેના પ્રતિબંધ વચ્ચે આદિવાસીઓની બંને રૃટની સાંસ્કૃતિક રેલી પરંપરાગત ઢોલ, માંદલ અને શરણાઇની સુરાવલીઓ સાથે જનતા ચોક અને સ્વામી વિવેકાનંદ સર્કલ પર પહોંચી હતી. દરમિયાન પાછળથી મુવાલિયા ક્રોસિંગ પર આપના નેતાઓ અને કાર્યકરો વી સપોર્ટ ચૈતર વસાવાના બેનર સાથે ડીજે લઇને રેલીમાં પહોંચતા મામલો બિચક્યો હતો. પોલીસે આપના નેતાઓને સમજાવ્યા છતા નેતાઓએ ગાડીઓ તેમજ ડીજે રોડ પર મૂકી ટ્રાફિકજામ કરી દીધો હતો.
એમ્બ્યુલન્સ તેમજ સરકારી બસ સહિત અન્ય વાહનો ટ્રાફિકજામમાં અટવાતા પોલીસે આપના નેતાઓ અને કાર્યકરોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો આ સાથે જ અચાનક પથ્થરમારો શરૃ થતા સ્થિતિ વણસી હતી. થોડા સમયમાં જ મુવાલિયા વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયો હતો. પોલીસ પર હુમલાનો પ્રયાસ થતાં જ પોલીસે પણ બળપ્રયોગ કરવાની પરજ પડી હતી. ઉશ્કેરાયેલા ટોળાએ વાહનોની તોડફોડ પણ કરી હતી જ્યારે પથ્થરમારામાં એક પીએસઆઇ તેમજ બે મહિલા કોન્સ્ટેબલોને ઇજા થઇ હતી. સ્થિતિ વધુ વણસતા પોલીસે એક ડઝન જેટલા ટિયરગેસના સેલ છોડતા ભાગદોડ મચી ગઇ હતી.
પોલીસે બોડીવોર્ન કેમેરા, નેત્રમ તેમજ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. પોલીસ પર પથ્થરમારો તેમજ ચક્કાજામના પ્રયાસ અંગે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે કેટલાંક યુવાનોની અટકાયત પણકરી છે.