મહિલા દ્વારા દારૂનો જથ્થો ભરેલ ટ્રકનું પાઈલોટિંગ : ચાર શખ્સોની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પોલીસે વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી એક મહિલા સહિત ચાર શખ્સોને ઝડપી લીધા છે. સાપા ટોલનાકા નજીક ભરૂચ તરફથી આવતી પાયલોટિંગ કરતી એક આર્ટીગા કાર અને તેની પાછળ આવતા ટ્રકને રોકી તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ટ્રકમાંથી દારૂનો જથ્થો મળ્યો હતો. પોલીસે ટ્રક અને આર્ટીગા કારમાં સવાર ત્રણ પુરુષ અને એક મહિલાની પૂછપરછ કરતાં તેમની ઓળખ ડ્રાઈવર વિકાસકુમાર નંદલાલ ખરવાર, હસનભાઈ અલીભાઈ પટેલ, નરેન્દ્રભાઈ રઘુભાઈ સોઢા, દિનેશભાઈ ભુલાભાઈ સોલંકી તથા સવિતાબેન નરસિંહભાઈ તરીકે થઈ હતી.
પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે વિદેશી દારૂ ટ્રકમાં છુપાવીને દમણથી ગુજરાતમાં પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દારૂ ભરેલા ટ્રકનું પાઈલોટિંગ મહિલા સહિત બે જણ કરતા હતા. પોલીસે કુલ 152 પેટીમાંથી 7,632 જેટલી વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે.
દારૂના જથ્થા ઉપરાંત ટ્રક, આર્ટીગા કાર અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.28.85 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.









