સયાજી ટાઉનશિપ રોડ પર હાઇડ્રો ક્રેનના તોતિંગ પૈડા તળે કચડાઇ જતા મહિલાનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સયાજી ટાઉનશિપ રોડ પર મહાકાળી વુડાના મકાનો સામે ગઈકાલે બપોરે પૂરઝડપે જતી હાઇડ્રો ક્રેનના ચાલકે ટુ વ્હીલરને પાછળથી જોરદાર ટક્કર મારતા મોપેડ સવાર મહિલાનું ક્રેનના તોતિંગ પૈડા નીચે કચડાઈ જતાં ઘટનાસ્થળે જ કરૃણ મોત નિપજ્યું હતું, જ્યારે તેમનો પુત્ર અને ૩ વર્ષનો ભાણેજ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
મળતી વિગતો અનુસાર, સયાજી ટાઉનશીપ રોડ ખાતે રહેતા રોહિત રાયસીંગભાઈ ઠાકોર (ઉં.વ.૧૯) ની મોટી બહેને પુત્રીને જન્મ આપ્યો હતો. પરિવારમાં ખુશીનો માહોલ હોઈ, રોહિત તેની માતા નીતાબેન (ઉં.વ. ૪૫) તથા અન્ય બહેનના ૩ વર્ષના પુત્ર અમન સાથે ટુ વ્હીલર પર હોસ્પિટલ ગયા હતા.
બપોરે આશર ેસાડા ત્રણ વાગ્યે ત્રણેય જણા હોસ્પિટલથી પરત ઘરે જઈ રહ્યા હતા ત્યારે સયાજી ટાઉનશીપ રોડ પર પાછળથી પૂરઝડપે આવેલી હાઇડ્રો ક્રેન ના ચાલકે ટુ વ્હીલરને ટક્કર મારી દીધી હતી. અકસ્માતમાં ટુ વ્હીલર સવાર ત્રણેય જણા રોડ પર ફંગોળાયા હતા અને ક્રેનનું તોતિંગ પૈડું નીતાબેનના છાતીના ભાગે ફરી વળતાં તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
અકસ્માતમાં રોહીતને પગ અને ખભા પર તથા ૩ વર્ષના અમનને હાથની કોણી ભાગે ફેક્ચર જેવી ગંભીર ઈજાઓ થઈ હતી. ક્રેન ચાલક વાહન છોડીને ઘટનાસ્થળેથી નાસી છૂટયો હતો. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. આ અંગે બાપોદ પોલીસે ક્રેન ચાલક વિરૃદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




