પરિણીત પ્રેમી સાથે મોજશોખ પૂરા કરવા માટે કાકાના ઘરે ચોરી કરનાર મહિલા ઝડપાઇ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પતિ સાથે અણબનાવ થતા કાકાના ઘરે રહેવા જતી રહેલી યુવતીએ તે ઘરમાંથી જ ૫.૧૫ લાખના દાગીનાની ચોરી કરી હતી. ગોરવા પોલીસે આ કેસમાં યુવતી અને તેના પરિણીત પ્રેમીની ધરપકડ કરી છે.
ગોરવા આઇ.ટી.આઇ. ચાર રસ્તા પાસે શિવમ ફ્લેટમાં રહેતા મીરાબેન રામઆશરે સીંગે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, મારા પતિના ભાઈ છોટેલાલ સિંગની દીકરી શ્રેયાને પતિ સાથે અણબનાવ થતા વર્ષ ૨૦૨૫ માં અમારા ઘરે રહેવા માટે આવી હતી અને અમે તેને દીકરીની જેમ રાખતા હતા. તા.૧૬-૬-૨૦૨૬ ના રોજ હું તથા શ્રેયા મકાનની સફાઈ કરતા હતા. તે વખતે તિજોરીમાં મુકેલા અમારા દાગીના તે જોઈ ગઈ હતી. ત્યારબાદ તે દાગીના જેવાકે, માંગ ટીકા, સોનાનો હાર, બુટ્ટી, પેન્ડલ, ચેન, મંગળસૂત્ર, ઝુમકા વગેરે કુલ વજન ૧૦૧ ગ્રામના દાગીના તથા ચાંદીના દાગીના મળી કુલ ૫.૧૫ લાખના ચોરી ગઇ હતી.
દરમિયાન ગોરવા પી.આઇ.કે.એન.લાઠિયાએ આ ગુનામાં સામેલ શ્રેયા છોટેલાલ સીંગ તાલુદાર સીગ (રહે. સૌરભપાર્ક, સમતા, મૂળ રહે.યુ.પી.) તથા તેના પ્રેમી દીપક લાલજીભાઇ વસાવા (રહે. ઓમકાર રેસિડેન્સી, કોયલી) ને ઝડપી પાડયા હતા. પોલીસે બંનેના રિમાન્ડ મેળવી બેંકમાં ગીરવે મૂકેલા દાગીના રિકવર કર્યા છે. પોલીસે જણાવ્યું છે કે, શ્રેયા થોડાસમય પહેલા એક હોસ્પિટલમાં બીમાર સંબંધીની ખબર જોવા ગઇ હતી. હોસ્પિટલમાં ગેસ રિફિલિંગ માટે આવતા દીપક વસાવા સાથે તેની આંખો મળી ગઇ હતી. ત્યારબાદ તેઓ વચ્ચે સંબંધ ગાઢ થયો હતો. મોજ શોખ પૂરા કરવા માટે ચોરી કરી હતી.




