મર્ડરની ફરિયાદ પાછી લઈ લો, નહીંતર તારા પતિને જેવી રીતે માર્યો છે તેવી જ રીતે તને અને તારી છોકરીને પણ મારી નાખીશું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Crime : પતિની હત્યાની ફરિયાદ નોંધાવનાર પૂજાબેનએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવી છે કે મારા પતિ ગીરીશભાઈ ભાલીયાની ગત તા. 03/06/2026ના રોજ કલાલી ગોકુળનગર પાછળ દર્શન મારવાડી અને કરણ મારવાડીએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. મારા પતિની આંખો સામે થયેલી હત્યાથી મારું આખું જીવન વિખેરાઈ ગયું હતું. આ બનાવ અંગે મેં અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે બંને મુખ્ય આરોપીઓની અટકાયત કરી જેલ ભેગા કર્યા છે. આ કેસમાં હું અને મારા કાકાનો દીકરો નજરે જોનાર મુખ્ય સાક્ષીઓ છીએ. પરંતુ આ કેસનું વેર રાખીને આરોપીઓના પરિવારજનો અને સાગરીતો મને તેમજ મારા પરિવારને કેસ પાછો ખેંચી લેવા માટે સતત ધમકીઓ આપી રહ્યા છે.
આજથી આશરે દોઢથી બે મહિના પહેલાં હું મારા ફોઈ-સાસુ સાથે કેવલ ચોકડી વડસર ખાતે શાકભાજી લેવા માટે ગઈ હતી. તે વખતે સાંજના પાંચ વાગ્યાના સુમારે કરણ મારવાડીના પિતા પન્નાલાલ મારવાડી અમોને રસ્તામાં મળ્યા હતા. તેમણે મારા ફોઈ-સાસુની હાજરીમાં જ મને સીધી ધમકી આપતાં કહ્યું હતું કે, "તમે કેસ પાછો લઈ લો. જો તમે કેસ પાછો નહીં લો તો તને, મેહુલને અને તારી દીકરીને ઉઠાવી જઈશું."
પરંતુ ત્રાસ આટલેથી જ અટક્યો નહોતો. આજથી આશરે 10 થી 15 દિવસ પહેલાં સાંજના છ વાગ્યાના અરસામાં હું અને મારો કાકાજીનો દીકરો મારા ફોઈ-સાસુના ઘરે બકરા બાંધવા માટે જઈ રહ્યાં હતાં. તે વખતે વડસર ગામના પાછળના ભાગે આવેલ ગોચરમાં દારૂનો ધંધો કરતો કરણ મારવાડીનો કાકા અર્જુન પુનમભાઈ મારવાડી અમોને રસ્તામાં મળ્યો હતો. તેણે મેહુલની હાજરીમાં જ મને રોકીને અત્યંત જનુની આવેશમાં કહ્યું હતું કે, "તુ આ કેસ પાછો લઈ લે અને સમાધાન કરી નાખ. જો સમાધાન નહીં કરે તો તને અને આ મેહુલને પણ તારા પતિની જેમ મારી દઈશ અને તારી છોકરીને ઉઠાવી જઈશ."
ત્યારબાદ આજથી આશરે એક અઠવાડિયા પહેલાં સાંજે સાડા છ વાગ્યાના સુમારે હું અને મારા ફોઈ-સાસુ કેવલ ચોકડી બ્રીજ પાસે કરિયાણાની દુકાને ખરીદી કરવા ગયાં હતાં. તે વખતે રવિ મણીલાલ વાઘેલા (રહે. ખોડીયાનગર, વડોદરા) મારી સામે આવીને ઊભો રહી ગયો હતો. મારી ફોઈ-સાસુની હાજરીમાં ખુલ્લેઆમ ધમકી આપતા કહ્યું કે, "કરણ અને દર્શન મારવાડી વિરુદ્ધ કરેલી ફરિયાદ પાછી લઈ લો, નહીંતર તારા પતિને જેવી રીતે માર્યો છે તેવી જ રીતે તને અને તારી છોકરીને પણ મારી નાખીશું."
આ ત્રણેય આરોપીઓ અત્યંત માથાભારે અને જનુની સ્વભાવના હોવાથી હું અને મારો પરિવાર સતત ભયના સાય હેઠળ જીવી રહ્યા છીએ.




