Baroda

જ્યાં પર્યાવરણ બચાવોના પાઠ ભણાવાય છે ત્યાં વિશ્વામિત્રી નદીના વહેણને કાટમાળ અંગે તંત્રની આંખે પાટા

By GS Team
25 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરાની વિશ્વામિત્રી નદીમાં બેફામ કાટમાળ ઠાલવવાની પ્રવૃત્તિઓથી ચિંતા વધી છે. MSUના ચં.ચી. મહેતા હોલ નજીક અને ભીમનાથ બ્રિજ પાસે નાળામાં મોટા પ્રમાણમાં કાટમાળ ઠલવાયો છે. આનાથી નદીનું કુદરતી વહેણ રોકાતા ચોમાસામાં પૂરનું જોખમ વધ્યું છે. સામાન્ય દંડની કાર્યવાહીથી અસામાજિક તત્વોને મોકળું મેદાન મળતું હોવાના આક્ષેપો સાથે કડક કાર્યવાહીની માગ ઉઠી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જ્યાં પર્યાવરણ બચાવોના પાઠ ભણાવાય છે ત્યાં વિશ્વામિત્રી નદીના વહેણને કાટમાળ અંગે તંત્રની આંખે પાટા

Vadodara News : વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં અવારનવાર કાટમાળ અને કચરો ઠાલવવાની પ્રવૃત્તિ સામે આવી રહી છે. સામાન્ય દંડની કાર્યવાહીથી બેફામ બનેલા તત્વોને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. નદી અને તેની સાથે જોડાતા નાળાઓમાં કાટમાળ ઠલવાતા નદીના કુદરતી વહેણને અસર થવાની સાથે શહેરમાં ચોમાસા દરમિયાન પૂરની સ્થિતિનું જોખમ પણ વધી રહ્યું છે.
એમ.એસ.યુનિવર્સિટીના ચં.ચી. મહેતા હોલ પાસેથી વિશ્વામિત્રી નદીને જોડતું નાળું પસાર થાય છે. આ સ્થળે મોટા પ્રમાણમાં કાટમાળ ઠાલવવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. નાળામાં કાટમાળનો જથ્થો વધતા પાણીના વહેણ માટેની જગ્યા ઘટી રહી છે.
થોડા દિવસ અગાઉ ભીમનાથ બ્રિજ નજીક પણ કાટમાળ ઠાલવવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. શહેરમાં નદી અને નાળાના વહેણને અવરોધતી આવી પ્રવૃત્તિઓ વારંવાર સામે આવતી હોવા છતાં તેને અટકાવવા માટે કડક અને અસરકારક કાર્યવાહી થતી ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
વિશ્વામિત્રી નદીની પહોળાઈ અને વહેણમાં કચરા તથા કાટમાળના કારણે અવરોધ ઊભો થાય તો ભારે વરસાદ દરમિયાન પાણીના નિકાલ પર સીધી અસર પડી શકે છે. પરિણામે નદીનું પાણી ઝડપથી બહાર ન નીકળી શકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા રહે છે.
નદીના સંરક્ષણ અને શહેરને પૂરથી બચાવવાના દાવા વચ્ચે નદી તથા નાળામાં કાટમાળ ઠાલવવાની પ્રવૃત્તિ સામે માત્ર સામાન્ય દંડની કાર્યવાહી પૂરતી છે કે કેમ તે સવાલ ઊભો થયો છે. કાટમાળ ઠાલવનારાઓ સામે કડક કાર્યવાહી સાથે આવી પ્રવૃત્તિ પર અસરકારક નજર રાખવામાં આવે તેવી માગ ઉઠી રહી છે.