Baroda

ડીઈઓ કચેરીની ટીમ પહોંચી તો સ્કૂલ પર તાળા, આચાર્યને બોલાવી સ્કૂલ ખોલાવી

By GS Team
2 Nov 20262 mins read
TukuTouch Logo
મકરપુરાની ભવન્સ સ્કૂલમાં 80 જેટલા શિક્ષકોના આક્ષેપો બાદ DEO કચેરીએ તપાસ શરૂ કરી છે. 8 અધિકારીઓની ટીમ તપાસ અર્થે પહોંચતા સ્કૂલે તાળાં જોવા મળ્યા હતા. સ્કૂલ ખોલાવી અધિકારીઓએ દિવાળી સિવાય સ્કૂલ ચાલુ રાખવા તાકીદ કરી. સફાઈકર્મીઓએ વિડીયો ઉતારવાના આક્ષેપો નકારી શિક્ષકોના વ્યવહાર સામે સવાલો ઉઠાવ્યા. 3 નવેમ્બરે શિક્ષકો અને મેનેજમેન્ટની બેઠક યોજાશે, ત્યારબાદ તટસ્થ અહેવાલ રજૂ કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડીઈઓ કચેરીની ટીમ પહોંચી તો સ્કૂલ પર તાળા, આચાર્યને બોલાવી સ્કૂલ ખોલાવી

શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી ભવન્સ સ્કૂલમાં ૮૦ જેટલા શિક્ષકોએ સ્કૂલ મેનેજમેન્ટ સામે કરેલા ગંભીર આક્ષેપો બાદ ડીઈઓ કચેરી દ્વારા આ મામલાની તપાસ શરુ કરવામાં આવી છે.આ માટે બે એજ્યુકેશન ઈન્સ્પેક્ટર અને ૬ આસિસ્ટન્ટ એજ્યુકેશન ઈન્સ્પેક્ટર એમ આઠ અધિકારીઓની ટીમ બનાવાઈ છે.
ટીમમાં સામેલ એક અધિકારીના જણાવ્યા પ્રમાણે આજે તપાસ માટે ટીમ સ્કૂલે પહોંચી તો સ્કૂલના ગેટ પર તાળા જોવા મળ્યા હતા.ટીમ દ્વારા આચાર્યને અને બીજા સ્ટાફને બોલાવીને સ્કૂલ ખોલાવવામાં આવી હતી.અધિકારીઓએ તાકીદ કરી હતી કે, દિવાળીની રજાને બાદ કરતા સ્કૂલ ચાલુ રાખવાની રહેશે.હાઉસ કિપિંગ સ્ટાફ દ્વારા શિક્ષકોના વિડિયો ઉતારવામાં આવે છે તેવા આક્ષેપ વચ્ચે સ્કૂલના કેટલાક સફાઈ કામદારોએ પોતાનો પક્ષ મૂકતા કહ્યું હતું કે, શિક્ષકોના ખાનગી કે જાસૂસી કરતા હોય તે પ્રકારના વિડિયો નથી ઉતારાતા.ઉપરાંત કેટલાક શિક્ષકો સફાઈ કર્મચારીઓ સાથે યોગ્ય વ્યવહાર કરતા નથી.શિક્ષકો સન્માનની અપેક્ષા રાખે છે તો સફાઈ કર્મચારીઓ પણ આવી જ અપેક્ષા રાખે છે.
અધિકારીના કહેવા પ્રમાણે મોટાભાગના શિક્ષકો આજે હાજર રહી શક્યા નહોતા અને તેના કારણે તા.૩ નવેમ્બર, મંગળવારે બપોરે બાર વાગ્યે પ્રાઈમરી, સેકન્ડરી, હાયર સેકેન્ડરી એમ તમામ શિક્ષકોની એક બેઠક બોલાવવામાં આવી છે અને મેનેજમેન્ટના પ્રતિનિધિઓ પણ તેમાં હાજર રહેશે.

બંને પક્ષોની રજૂઆત સાંભળી યોગ્ય કાર્યવાહી કરાશે
અધિકારીના જણાવ્યા અનુસાર બંને પક્ષોને સાંભળ્યા બાદ ટીમ પોતાનો અહેવાલ રજૂ કરશે.જો સ્કૂલ મેનેજમેન્ટ સામે શિક્ષકોએ કરેલા આક્ષેપો સાચા હશે તો સ્કૂલની માન્યતા રદ કરવા સુધીના પગલા લેવાઈ શકે છે અને શિક્ષકો દ્વારા મેનેજમેન્ટને હેરાન કરવા માટે આક્ષેપો કરવામાં આવતા હશે તો શિક્ષકો સામે પણ કાર્યવાહી થઈ શકે છે.સમગ્ર મામલાની તટસ્થ તપાસ કરવામાં આવશે.