Baroda

બાજવા-કરચિયા વિસ્તારમાં જળબંબાકાર, ૬૫થી વધુ મકાનો - દુકાનોમાં ત્રણ ફૂટ સુધી પાણી ઘૂસ્યાં

By GS Team
24 Jul 20262 mins read
TukuTouch Logo
વડોદરાના બાજવા-કરચિયા વિસ્તારમાં ભારે વરસાદથી જળબંબાકાર સર્જાયો છે. ગુરુવારથી ૨૪ કલાકથી વધુ સમય વીતવા છતાં આંબેડકર નગરના 15 અને શંકર સોસાયટીના 50 મકાનોમાં 3 ફૂટ પાણી ભરાયા છે. 10થી વધુ દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓને નુકસાન થયું છે. વાઘોડિયાના ધારાસભ્યએ સ્થળ મુલાકાત લઈ ગુજરાત રિફાઇનરીની દીવાલ તોડાવી, છતાં પાણીનો નિકાલ ન થતા રહીશો મુશ્કેલીમાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બાજવા-કરચિયા વિસ્તારમાં જળબંબાકાર, ૬૫થી વધુ મકાનો - દુકાનોમાં ત્રણ ફૂટ સુધી પાણી ઘૂસ્યાં

બાજવા-કરચિયા વિસ્તારમાં ગુરુવારે રાત્રે શરૃ થયેલા જળભરાવ બાદ ૨૪ કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પાણી ન ઓસરતાં રહીશો અને વેપારીઓ ભારે મુશ્કેલીમાં મૂકાયા છે.

શહેરના જીએસએફસી કંપનીથી બાજવા બ્રિજ તરફ જવાના માર્ગ પર આવેલા આંબેડકર નગરના ૧૫ મકાનો અને શંકર સોસાયટીના ૫૦ મકાનોમાં ત્રણ ફૂટ સુધી વરસાદી પાણી ફરી વળતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. ઉપરાંત મુખ્ય માર્ગ પર આવેલી ૧૦થી વધુ દુકાનોમાં પણ પાણી ઘૂસી જતાં વેપારીઓને ભારે નુકસાન થયું છે.

આજે શુક્રવારે સવારે વાઘોડિયાના ધારાસભ્યે સ્થળ મુલાકાત લઈને વરસાદી પાણીના નિકાલ માટે ગુજરાત રિફાઇનરી કંપનીની દીવાલ તોડાવી હતી. જોકે શુક્રવારે રાત્રે ૮ વાગ્યા સુધી પણ પાણીનો નિકાલ થયો નહોતો અને રહીશોની મુશ્કેલી યથાવત્ રહી છે.

બાજવાથી કરચિયા રોડ સુધીનો મુખ્ય માર્ગ તેમજ આસપાસની અનેક સોસાયટીઓમાં અંદાજે ત્રણ ફૂટ જેટલું પાણી ભરાયું છે. બાજવા મુખ્ય બજારની દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. કરચિયા રોડ પર આવેલી દુકાનો અને રહેણાંક મકાનોમાં પણ પાણી ઘૂસી ગયાં છે. ગિરિરાજ સોસાયટી, આમ્રપાલી સોસાયટી, મહાદેવ ફળિયું તથા ગોકુલનગર ઝૂંપડપટ્ટી સહિતના વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ ગુરુવારે રાત્રે ૧૦ વાગ્યાથી પાણી ભરાવાની શરૃઆત થઈ હતી, પરંતુ લગભગ ૨૨ કલાક બાદ પણ પાણી ઓસર્યા નથી. ગ્રામજનોએ જણાવ્યું કે સિસવા, દશરથ, રણોલી, આજોડ સહિતના આશરે ૧૫ ગામોનું વરસાદી પાણી ગુજરાત રિફાઇનરી અને જીએસએફસી વિસ્તાર તરફ આવે છે. ત્યારબાદ ઊંડેરા તળાવ ઓવરફ્લો થતાં ગોત્રી કાંસ તરફ પાણીનો નિકાલ અટકી જાય છે, જેના કારણે બાજવા-કરચિયા વિસ્તારમાં દર વર્ષે જળબંબાકારની સ્થિતિ થાય છે.

વધુમાં ઉમેર્યું કે એક વર્ષ અગાઉ આ સમસ્યા અંગે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. તે સમયે સર્વે કરીને કાયમી ઉકેલ લાવવાની ખાતરી આપી હતી, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરાઈ નથી.