વડોદરા રેલવે સ્ટેશન પર વોટર વોચ સિસ્ટમ કાર્યરત છતાં સતત પાણીનો વેડફાટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Railway Station : વડોદરા રેલવે સ્ટેશન ખાતે ટ્રેનોમાં પાણી ભરવાની પ્રક્રિયા પર સતત નજર રાખવા માટે વોટર વોચ સિસ્ટમ કાર્યરત છે. આ સિસ્ટમ અંતર્ગત સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1થી 6 સુધી કુલ 16 હાઈ-રિઝોલ્યુશન કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરા દિવસ-રાત ટ્રેનના કોચમાં પાણી ભરવાની સમગ્ર પ્રક્રિયા પર નજર રાખે છે. કંટ્રોલ રૂમમાં બેઠેલા અધિકારીઓ રિયલ ટાઈમમાં આ ગતિવિધિઓ જોઈ શકે છે અને કોઈ ગડબડ જણાય તો તાત્કાલિક પગલાં લઈ શકે છે તેવો રેલવે વિભાગનો દાવો છે.
ક્યાંય પાઇપલાઇનમાં લીકેજ થાય અથવા પાણી ઓવરફ્લો થતું હોય તો કેમેરા દ્વારા તેની નોંધ લઈ મેઇન્ટેનન્સ ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવે છે. જોકે, આ દાવા વચ્ચે ગઈકાલે પ્લેટફોર્મ નંબર 3 અને 4 વચ્ચે પાણીની લાઇનમાં લીકેજ થતાં સતત પાણીનો વેડફાટ થતો હોવાની ઘટના સામે આવી છે. એક જાગૃત નાગરિકે આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતાં રેલવેની કામગીરી સામે સવાલો ઊભા થયા હતા.
ખાસ વાત એ છે કે 16 કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવતી હોવા છતાં પાણીની લાઇનમાં થયેલું લીકેજ તંત્રના ધ્યાને કેમ ન આવ્યું તેવો સવાલ ઊઠ્યો છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ રેલવે વિભાગ તરફથી ફરિયાદ સોલ્વ કરવાના સ્થાને ફરિયાદ કરનારને મુસાફરીની વિગતો અને મોબાઈલ નંબર આપવા જણાવાયું હતું. આથી કેમેરા અને કંટ્રોલ રૂમની વ્યવસ્થા હોવા છતાં ફરિયાદ બાદ જ તંત્ર હરકતમાં આવતું હોવાની ચર્ચા મુસાફરોમાં શરૂ થઈ છે.
કેમેરા છે તો ટ્રેક ક્રોસ કરતા લોકો સામે કાર્યવાહી કેમ નહીં?
વડોદરા રેલવે સ્ટેશનના તમામ પ્લેટફોર્મ પર સીસીટીવી કેમેરા કાર્યરત હોવા છતાં રોજ અનેક લોકો જોખમી રીતે રેલવે ટ્રેક ક્રોસ કરતા જોવા મળે છે. આવા લોકો સામે દેખાડા પૂરતી કાર્યવાહી થતી હોવાની ચર્ચા છે. મુસાફરોની માગ છે કે કેમેરાની મદદથી ટ્રેક ક્રોસ કરી નિયમોનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવે. ખાસ કરીને મુસાફરો ઉપરાંત કુલી, ફેરિયાઓ અને રેલવેના કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ પણ નિયમોનો ભંગ કરતા હોવાના દૃશ્યો વારંવાર જોવા મળે છે. આવા લોકો પર પણ રેલવે તંત્રએ નજર રાખીને કાર્યવાહી કરવી જોઈએ તેવી મુસાફરોની માગ છે.




