Baroda

વડોદરા કોર્પોરેશનમાં 30 વર્ષથી વોર્ડ સમિતિની રચના નહીં, 30 દિવસમાં અમલ કરવા માગ

By GS Team
2 Nov 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં છેલ્લા 30 વર્ષથી વોર્ડ સમિતિઓની રચના ન થતા વિવાદ સર્જાયો છે. વડોદરા પોલિટિકલ એક્શન કમિટીએ બંધારણના 74મા સુધારા અને ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન્સ એક્ટની કલમ 29-A ટાંકીને તાત્કાલિક રચનાની માંગ કરી છે. સાંઈ ઢેકાણેના નેતૃત્વ હેઠળ મેયર, કમિશનર સહિતના અધિકારીઓને આવેદનપત્ર પાઠવી 30 દિવસમાં સમિતિઓ બનાવવાની માંગ કરાઈ છે, જેથી સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ આવી શકે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા કોર્પોરેશનમાં 30 વર્ષથી વોર્ડ સમિતિની રચના નહીં, 30 દિવસમાં અમલ કરવા માગ

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા 30 વર્ષથી વોર્ડ સમિતિની રચના કરવામાં આવી ન હોવાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. ભારતીય બંધારણના 74મા સુધારા હેઠળના અનુચ્છેદ 243S અને ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ એક્ટની કલમ 29-Aનો ઉલ્લેખ કરીને વડોદરા પોલિટિકલ એક્શન કમિટી દ્વારા વોર્ડ સમિતિઓની તાત્કાલિક રચનાની માગ કરવામાં આવી છે. આગામી 30 દિવસમાં શહેરના તમામ વોર્ડમાં વોર્ડ સમિતિઓની રચના કરવામાં આવે તેવી માગ સાથે કમિટીએ મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ, મ્યુનિસિપલ કમિશનર અને મ્યુનિસિપલ સેક્રેટરીને સંયુક્ત આવેદનપત્ર પાઠવ્યું છે.
કમિટીના જણાવ્યા મુજબ, ત્રણ લાખથી વધુ વસ્તી ધરાવતા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વોર્ડ સમિતિની રચના માટે કાયદાકીય જોગવાઈ છે. આ સમિતિઓના માધ્યમથી સ્થાનિક નાગરિકોની ભાગીદારી અને વિસ્તારના પ્રશ્નોની રજૂઆત માટે વ્યવસ્થા ઊભી થઈ શકે છે. તેમ છતાં વડોદરા કોર્પોરેશનમાં છેલ્લા ત્રણ દાયકાથી આ સમિતિઓની રચના કરવામાં આવી નથી. સાંઈ ઢેકાણેના નેતૃત્વ હેઠળ પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં બંધારણીય જોગવાઈનો અમલ કરી તમામ વોર્ડમાં તાત્કાલિક વોર્ડ સમિતિઓ બનાવવાની માગણી કરવામાં આવી છે.
કાયદામાં વોર્ડ સમિતિની રચના અને ચેરપર્સનની ચૂંટણીની જોગવાઈ
ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ એક્ટ, 1949ની કલમ 29-A મુજબ, ત્રણ લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં રાજ્ય સરકારના નિયમોને આધીન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વોર્ડ સમિતિ અથવા સમિતિઓની રચના કરવાની જોગવાઈ છે. દરેક વોર્ડ સમિતિમાં તેના પ્રાદેશિક વિસ્તાર હેઠળ આવતા વોર્ડનું પ્રતિનિધિત્વ કરતા કોર્પોરેશનના કાઉન્સિલરોનો સમાવેશ થાય છે. વોર્ડ સમિતિની રચના બાદ પ્રથમ બેઠકમાં ચેરપર્સનની ચૂંટણી કરવામાં આવે છે અને ત્યારબાદ દર વર્ષે તે જ મહિનાની પ્રથમ બેઠકમાં ચેરપર્સનની ચૂંટણી કરવાની જોગવાઈ છે. બીજી તરફ, ભારતના બંધારણના ભાગ IX-Aના અનુચ્છેદ 243Sમાં પણ ત્રણ લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા મ્યુનિસિપલ વિસ્તારમાં વોર્ડ સમિતિઓની રચના, તેનું માળખું અને કામગીરી અંગેની જોગવાઈઓ કરવામાં આવી છે. આ સમિતિઓની રચના અને કાર્યપદ્ધતિ રાજ્યના કાયદા અને નિયમો અનુસાર નક્કી થાય છે.
30 વર્ષના ભાજપના શાસનમાં વોર્ડ સમિતિની રચના કેમ નહીં?
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું એકહથ્થુ શાસન હોવા છતાં કાયદામાં જોગવાઈ કરવામાં આવેલી વોર્ડ સમિતિઓની રચના થઈ શકી નથી. આટલા લાંબા સમયગાળા દરમિયાન સત્તાધારી પક્ષ દ્વારા સભામાં વોર્ડ સમિતિની રચનાને મંજૂરી આપવામાં આવી નથી. સ્થાનિક નાગરિકોની ભાગીદારી વધારવા અને વિસ્તારના પ્રશ્નોના સ્થાનિક સ્તરે નિરાકરણ માટે મહત્ત્વની ગણાતી સમિતિઓ અસ્તિત્વમાં જ ન હોવાથી ચૂંટાયેલી પાંખની કામગીરી અને હોદ્દેદારોની જવાબદારી સામે સવાલો ઊભા થયા છે. ત્રણ દાયકાના શાસન બાદ પણ કાયદાકીય જોગવાઈનો અમલ કેમ થયો નથી અને વોર્ડ સમિતિઓની રચનામાં અત્યાર સુધી વિલંબ કેમ કરવામાં આવ્યો તેવા સવાલો હવે ઉઠી રહ્યા છે.