પાલેજ-નારેશ્વર રોડનું બેસણું ગ્રામજનોનો રામધૂન કરી વિરોધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરોની સતત અવરજવરના કારણે ખખડધજ થઇ ગયેલા પાલેજ-નારેશ્વર વચ્ચેના રોડથી કંટાળી જઇને ગ્રામજનોએ આજે આશ્ચર્યજનક રોડના બેસણાના કાર્યક્રમ બાદ રામધૂન સાથે ડમ્પરોને રોકી ઉગ્ર વિરોધ કર્યો હતો.
કરજણ-પાલેજ વચ્ચેના આશરે ૧૨ કિલોમીટર રોડ પર મોટા મોટા ખાડા પડી જતા નારેશ્વર જતા શ્રધ્ધાળુઓ તેમજ આ રોડની વચ્ચે આવતા ગામોના લોકો હેરાન પરેશાન થઇ ગયા છે. આ રોડ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા વારંવાર ખાડા પૂરવા છતાં ફરીથી મોટા ખાડા પડી જાય છે અને ઓવરલોડ ડમ્પરોના કારણે કેટલીક વખત અકસ્માતના બનાવો પણ બનતા હોય છે.
આ રોડના સમારકામ માટે ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઇ કામગીરી નહી કરાતા આખરે ગ્રામજનો આજે વિફર્યા હતાં. પાછીયાપુરા બસ સ્ટેન્ડ પાસે આજે મહિલાઓ સહિતના ગ્રામજનો ઉમટી પડયા હતાં અને રોડના બેસણાનો આશ્ચર્યજનક કાર્યક્રમ કર્યો હતો. મહિલાઓએ રોડ પર જ બેસીને રામધૂન બોલાવી હતી. આ સાથે ડમ્પરોની અવરજવર પણ બંધ કરી દઇ ચક્કાજામ કર્યો હતો. જો કે નાના વાહનોની અવરજવર ચાલુ રાખી હતી.
વિકાસના દાવા બંધ કરો, સારા રસ્તા રોડ બનાવો, રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ છે જેવા બેનરો સાથે નાના બાળકો પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતાં. ગ્રામજનોએ હઠ પકડી હતી કે સક્ષમ અધિકારી જ્યાં સુધી જવાબ આપવા નહી આવે ત્યા સુધી ડમ્પરોને પસાર નહી કરવા દઇએ. બિસ્માર રસ્તા નહી ચાલે..ચાલેના સૂત્રોચ્ચાર પણ કર્યા હતાં. રોડ પરના આ કાર્યક્રમના પગલે પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી. અને મંજૂરી વગર જાહેરમાં કાર્યક્રમ કરવાના દોષ સાથે ૧૪ ગ્રામજનોની અટકાયત કરી હતી.
વારંવાર ખાડા પડતા હોવા છતા માત્ર પેચવર્ક કરાતા રોષ
પાલેજ-નારેશ્વર વચ્ચેનો વર્ષ-૨૦૨૨માં રૃા.૩૦.૩૮ કરોડના ખર્ચે નવો રોડ મંજૂર થયો હતો અને વડોદરાની એજન્સી શાંતિલાલ બી. પટેલને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા સમયમર્યાદામાં કામ પૂર્ણ ન થતા પેટાકોન્ટ્રાક્ટ દ્વારા કામ પૂર્ણ કરાવાયું હતું. આ રોડ પર વારંવાર મોટા ખાડાઓ પડી જતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા પેચવર્ક કરી સંતોષ મનાતો હતો.
રોડ પર ખાડા કે ખાડામાં રોડ ઃ ઓવરલોડ ડમ્પરો અટકતા જ નથી
નર્મદા નદીમાંથી રેતીના ખનન બાદ ઓવરલોડ ડમ્પરોના કારણે રોડની હાલત વારંવાર ખરાબ થઇ જાય છે. અગાઉ પણ ગ્રામજનો દ્વારા ચક્કાજામના કાર્યક્રમો યોજાતા હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ તે જ રોડ પરથી પસાર થતા વાહનચાલકોને સમજાતું નથી. માર્ગ અને મકાન વિભાગ દ્વારા હલકી કક્ષાની કામગીરી તેમજ ખાણ ખનિજખાતા દ્વારા ઓવરલોડ વાહનોને જવા દેવાતા પ્રજાના પૈસા વેડફાય છે.




