ખાખીની નજર સામે દારૂના અડ્ડા ધમધમતા હોવાના વીડિયો વાયરલ! : વડોદરા પોલીસની કામગીરી સામે ફરી સવાલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Police : ગુજરાતમાં દારૂબંધીના કાયદાની વાતો વચ્ચે વડોદરા શહેરમાં દેશી-વિદેશી દારૂ અને બિયરનું ખુલ્લેઆમ વેચાણ થવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસની કામગીરી સામે ફરી એક વખત સવાલો ઊભા થયા છે.
શહેરમાં રોજેરોજ દારૂના જથ્થા સાથે આરોપીઓ ઝડપાઈ રહ્યા છે અને લાખો રૂપિયાનો દારૂ-બિયર પકડાઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ જાહેરમાં જ દારૂની લેવડદેવડ થતી હોવાના વીડિયો સામે આવતાં દારૂબંધીની અસરકારકતા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.
છેલ્લા કેટલાક દિવસથી વડોદરા શહેરના અલગ-અલગ વિસ્તારોના વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા થયા છે. બાજવા બ્રિજ નીચે દારૂના ક્વાર્ટર આપતા હોવાનો વીડિયો, જ્યારે ગોરવા શાકમાર્કેટ પાસે મોપેડમાંથી દારૂના ક્વાર્ટર આપતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ ઉપરાંત પાણીગેટ વિસ્તારમાં પ્રોવિઝન સ્ટોરનો ધારક બીયરનું ટીન આપતો હોવાનો વીડિયો પણ સામે આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
એટલું જ નહીં, વાઈટ વુડા આવાસની દીવાલમાં બાકોરું પાડી દારૂના ક્વાર્ટરની લેવડદેવડ, વડસર રોડ પર પતરાના શેડ નીચે દારૂ-બિયરનું વેચાણ તથા કારેલીબાગ વિસ્તારમાં મહિલા દ્વારા દારૂ-બિયરનું વેચાણ થતું હોવાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
પરિણામે પોલીસની બાતમી વ્યવસ્થા અને બુટલેગરો સામેની કાર્યવાહી કેટલી અસરકારક છે તે અંગે સવાલો ઊભા થયા છે.
પોલીસ અને બુટલેગરો વચ્ચે સાંઠગાંઠ હોવાના આક્ષેપો પણ સમયાંતરે સામે આવતા રહ્યા છે.
વાયરલ થયેલા વીડિયોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તેમ છતાં, જો વીડિયોમાં દર્શાવાતા દાવા સાચા હોય તો દારૂબંધીના કડક કાયદા વચ્ચે શહેરમાં દારૂ-બિયરનું આ રીતે વેચાણ થવું પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કરે છે. હવે પોલીસ આ વાયરલ વીડિયોની તપાસ કરી ખરેખર ક્યાંથી દારૂ-બિયરનું વેચાણ થઈ રહ્યું છે અને તેની પાછળ કોણ છે તે બહાર લાવે છે કે કેમ તેના પર સૌની નજર છે.




