વડોદરા: ઓનલાઇન ખરીદી કરનાર મહિલા સાથે દોઢ લાખની ઠગાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: આજવા રોડ કમલાનગર તળાવ રોડ પાસે યોગીરાજ હબ એન્ડ હાઈટ્સ માં રહેતા ખુશ્બુ નિલેશકુમાર પટેલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, 2 ઓક્ટોબરના રોજ મેં ફ્લીપકાર્ટ પરથી રૂ. 2,400ના સ્લીપર ઓર્ડર કર્યા હતા. સ્લીપરની સાઈઝ યોગ્ય ન હોવાથી મેં ઓર્ડર કેન્સલ કર્યો અને પાર્સલ પરત લઈ જવામાં આવ્યું, પરંતુ મારા નાણાં બેંક ખાતામાં જમા થયા નહોતા.
આથી મેં ગૂગલ પર ફ્લીપકાર્ટ કસ્ટમર કેરનો નંબર શોધ્યો હતો. ત્યારબાદ 7 ઓક્ટોબરના રોજ મારા વોટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો. સામેવાળાએ પોતે કસ્ટમર કેરમાંથી બોલે છે તેમ કહી મારી પાસે ઓર્ડર આઈડી માંગી હતી અને રીફંડ આપવાના બહાને વોટ્સએપ વીડિયો કોલ કરી મારા મોબાઈલની સ્ક્રીન શેર કરાવી હતી.
સ્ક્રીન શેર થતાં જ સાયબર ઠગે મારા ફોનનો અનઅધિકૃત એક્સેસ મેળવી લીધો હતો. મારા ફોનમાં બ્લેક સ્ક્રીન આવી ગઈ હતી અને ફોન અચાનક બંધ થઈ ગયો હતો. ત્યારબાદ મેં ફોન ચાલુ કરીને તપાસ કરતા મારા બે અલગ-અલગ બેંક ખાતાઓમાંથી કુલ 10 ટ્રાન્ઝેક્શન દ્વારા રૂ. 1,45,386.51 ઉપડી ગયા હોવાનું માલૂમ પડ્યું હતું. જેમાંથી બેંક ઓફ બરોડામાંથી રૂ. 67,890 અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાંથી રૂ. 77,494 કપાઈ ગયા હતા.




