વડોદરા SOGનો સપાટો : ગોરવામાંથી નશીલી કફ સીરપનું ગોડાઉન પકડ્યું, 22.58 લાખની સીરપ કબજે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Police : વડોદરા શહેર એસઓજીની ટીમે ગઈ રાત્રે ગોરવા વિસ્તારમાંથી નશીલી કફ સીરપનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે ગોડાઉનના સંચાલક અને સીરપ મંગાવનાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આયુર્વેદિક કોડીન કફ સીરપનો નશા માટે પણ ઉપયોગ કરવામાં આવતો હોવાથી તેના ઉપર સરકારે નિયંત્રણ રાખ્યું છે અને આ સીરપ રાખવા માટે લાયસન્સ સહિતના નિયંત્રણો જરૂરી બનાવ્યા છે. આમ છતાં આ સીરપનો ગેરકાયદે જથ્થો મળી રહ્યો હોવાથી નાર્કોટિક્સ એક્ટ હેઠળ તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વડોદરાના ગોરવા આઈટીઆઈ રોડ ઉપર નર્મદા નગરી વિભાગ-1 સામે આવેલા પ્રમુખ ફ્લેટ્સમાં નશીલી કફ સીરપનો મોટો જથ્થો હિમાચલ પ્રદેશથી આવ્યો હોવાની વિગતોને પગલે એસઓજીની ટીમે દુકાનનું તાળું તોડી સર્ચ કરતા અંદરથી મોટી સંખ્યામાં બોક્સ મળી આવ્યા હતા.
આ બોક્સની ગણતરી કરતા તેમાંથી કોડીન કફ સીરપની રૂ.22.58 લાખની કિંમતની 1920 બોટલ મળી આવી હતી. પોલીસે ગોડાઉન ધરાવતા અને સીરપનો જથ્થો મંગાવનાર આકાશ સિંહ રાજેશ સિંહ ઠાકુર (સાઈ લાઈફ સાયન્સ, લાભ બિઝનેસ હબ, કરોડિયા રોડ, ગોરવા) સામે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.









