Baroda

વડોદરા: પરશુરામ ભઠ્ઠા પાસેનું રેલવે ગરનાળું વરસાદ વગર જ ગટરના પાણીથી ભરાયું: અવર જવર બંધ

By GS Team
20 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરાના સયાજીગંજ સ્થિત પરશુરામ ભઠ્ઠા પાસેનું રેલવે ગરનાળું વરસાદ વિના ગટરના પાણીથી ભરાઈ ગયું. દુર્ગંધ અને ગંદકીથી સ્થાનિકો પરેશાન થયા છે. રાહદારીઓ અને વાહનચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા. કોંગ્રેસ કાર્યકર રાકેશ ઠાકોરે તંત્ર દ્વારા બેરીકેડ ન મુકાતા જાનહાનીની જવાબદારી પર સવાલ ઉઠાવ્યા. સ્માર્ટ સિટી વડોદરામાં આ સ્થિતિ તંત્રની બેદરકારી દર્શાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: પરશુરામ ભઠ્ઠા પાસેનું રેલવે ગરનાળું વરસાદ વગર જ ગટરના પાણીથી ભરાયું: અવર જવર બંધ

Vadodara: સયાજીગંજ વિસ્તારના પરશુરામ ભઠ્ઠા પાસે આવેલ રેલવે ગરનાળું (અન્ડરપાસ) વરસાદી પાણીથી ભરાઈ જવું સામાન્ય બાબત બની ગઈ છે. જોકે, આજે વરસાદ વિના જ ગટરના પાણીથી ગરનાળું ભરાઈ જતાં લોકોની અવરજવર પ્રભાવિત થઈ છે. ગટરના પાણીના કારણે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ અને ગંદકી ફેલાતાં સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

સ્થળ પર મોટી માત્રામાં ગટરનું પાણી ભરાઈ જતાં રાહદારીઓ અને વાહનચાલકોને જીવના જોખમે પસાર થવાની ફરજ પડી હતી. ગરનાળું પાણીથી ભરાઈ જવા છતાં તંત્ર દ્વારા કોઈ પ્રકારના બેરીકેડ કે ચેતવણીની વ્યવસ્થા કરવામાં આવી ન હોવાના આક્ષેપો પણ ઉઠ્યા છે.

કોંગ્રેસ કાર્યકર રાકેશ ઠાકોરે જણાવ્યું હતું કે પરશુરામ ભઠ્ઠા પાસેના ગરનાળામાં વરસાદી નહીં પરંતુ ગટરના પાણી ભરાયેલા છે. તંત્ર દ્વારા લોકોને રોકવા માટે બેરીકેડ પણ મૂકવામાં આવ્યા નથી, જેના કારણે લોકો જોખમ વચ્ચે અવરજવર કરી રહ્યા છે. જો કોઈ જાનહાની સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તેવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો.

સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે વરસાદ પડે એટલે વડોદરાના રેલવે અન્ડરપાસમાં પાણી ભરાઈ જવું હવે સામાન્ય બની ગયું છે. પરંતુ વરસાદ વગર જ ગટરના પાણીથી ગરનાળું ભરાઈ જવું અત્યંત ગંભીર બાબત છે. સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા વડોદરામાં આવી સ્થિતિ તંત્રની કામગીરી અને આયોજન સામે અનેક સવાલો ઊભા કરે છે.