Baroda

વડોદરા: ખાખી વર્દીની નોકરીનો અડધો સમય દારુના કેસો શોધવામાં પૂરો થાય

By GS Team
23 Aug 20263 mins read
TukuTouch Logo
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ રાજ્યભરમાં દારૂના કેસો શોધવા પોલીસ દોડધામ કરી રહી છે. પોલીસને રોજના કેસોનો ટાર્ગેટ પૂરો કરવાનો હોય છે. એક લિટર દેશી દારૂનો કેસ કરવા 5 કલાક અને 1 કિલો કાગળનો વ્યય થાય છે. સરકારે દારૂબંધી કડક બતાવવા દારૂની કિંમત વધારી છે, જેથી ઓછા દારૂમાં પણ મોટી રકમ દેખાય.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: ખાખી વર્દીની નોકરીનો અડધો સમય દારુના કેસો શોધવામાં પૂરો થાય

Vadodara: ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ સમગ્ર રાજ્યની પોલીસ દારુના કેસો શોધવા માટે દોડાદોડી કરી રહી છે. જો કે રાજ્યની ખાખી વર્દીની નોકરીનો અડધો સમય તો પોતાના વિસ્તારમાં દારુના કેસો શોધવામાં જ પૂરો થઇ જાય છે. રોજે રોજ દારુના કેસો કરવાના ટાર્ગેટ પૂરા કરવા માટે પોલીસ દોડાદોડી કરતી હોવા છતાં જોઇએ તેટલો છૂટથી દારુ મળતો રહે છે તે પણ કમનસીબી છે.

રાજ્યમાં દારુના ધંધાનું ખૂબ જ આયોજનપૂર્વક ગેરકાયદે નેટવર્ક ચાલે છે. આ નેટવર્કને રાજ્યની પોલીસ જ બળ પૂરુ પાડતી હોય છે. રાજ્યમાં દારુબંધીના કડક કાયદાની વાતો વચ્ચે પોલીસ, સરકાર કે કેટલાક લોકોને દારુ વગર ચાલી શકે નહી તે પણ એક હકીકત છે. છેક ઉપરથી માંડીને શહેર અને જિલ્લાના પોલીસ સ્ટેશનો તેમજ તેની ચોકીઓ સુધી બૂટલેગરોનું મજબૂત લોબિંગ ચાલતું હોય છે.

મહત્વની બાબત એ છે કે ખાનગીમાં દારુના ધંધાને પ્રોત્સાહન આપતી પોલીસ ઉપરથી તો દારુબંધીનો કડક અમલ થાય તેવો દેખાડો જ કરતી હોય છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા આદેશ રોજે રોજ છૂટતા હોય છે કે આજે દારુના આટલા કેસો કરવાના છે એટલે બીટનો જમાદાર દારુનો કેસ કરવા માટે દોડાદોડી કરે છે અથવા તો ઓળખાણવાળાને કેસ કરવા માટે હાજર કરી દે છે.
દારુના કેસો કરવાના મોટા ટાર્ગેટો હોવા છતાં પણ દારુનું ધૂમ વેચાણ થાય છે તે પણ હકીકત છે. દારુના ગેરકાયદે વેચાણ પર પોલીસ દબાણ વધારે છતાં પણ તે વેચાતો રહેવાનો છે તે સત્ય છે. ભાવનગરનો લઠ્ઠાકાંડનો કિસ્સો થોડા દિવસોમાં ભૂલાઇ જશે અને ફરી પાછું જેવું હશે તેવું થઇ જશે. ચૂંટણી આવશે એટલે નેતાઓએ પણ આખરે બૂટલેગરોના શરણે તો જવાનું હોય છે.

એક લીટર દેશીદારુના કેસ માટે પાંચ કલાક તેમજ એક કિલો કાગળનો વ્યય

દેશી દારુના સામાન્ય કેસ માટે પોલીસ કર્મચારીનો સમય તેમજ કાગળો બંનેનો વ્યય થતો હોય છે. અગાઉ એક લીટર દેશી દારુના કેસની ગણતરી રુ.200 થતી હતી. આ કેસ કરવા માટે શરૃઆતમાં જ પોલીસને બે કલાકનો સમય તેમજ ત્યારબાદ જવાબો લેવાના અને ધરપકડ કરવાથી માંડી ચાર્જશીટ દાખલ કરવા સુધી આશરે છ કલાકનો કુલ સમય થતો હોય છે. જ્યારે એક કેસ કરવા માટે એક કિલો કાગળોનો પણ ઉપયોગ થાય છે. જો કે સરકારે ભાવમાં વધારો કરતા હવે દેશી દારુનો એક લીટરનો ભાવ રુ.5000 ગણવામાં આવે છે.

દારુબંધી કડક છે તેમ બતાવવા કેસો માટે દારુની કિંમત પણ વધારી દેવાઇ

દારુના કેસોમાં અગાઉ દેશી દારુ તેમજ ઇંગ્લીશ દારુની રકમ સરકારે નક્કી કરેલી દર્શાવાતી હતી. આ રકમ વર્ષો થવા છતાં એક જ ચાલતી હતી. જેનાથી સરકારે દારુબંધી અંગે કરેલી કામગીરીમાં રકમ ઓછી દેખાતી હતી. પરંતુ થોડા મહિના પહેલાં જ સરકારે દારુની રકમમાં અધધ. વધારો કરી દેતા હવે પોલીસ કેસમાં ઓછી બોટલો ઝડપાય તો પણ રકમ મોટી દેખાય છે. અગાઉ પોલીસ રુ.20 લાખના દારુનો કેસ કરતી હતી. આ રકમ હવે સીધી રુ.80 લાખ સુધી પહોંચી ગઇ છે. એટલે કે મોટી રકમનો દારુ પકડાયો તેવો દેખાડો થઇ શકે.