Baroda

વડોદરા: દિવાળીના દિવસે ફાયરબ્રિગેડને આગના 67 કોલ્સ મળ્યા

By GS Team
9 Nov 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં દિવાળીના દિવસે ફટાકડાને કારણે આગના 67 કોલ્સ નોંધાયા. મકરપુરામાં ગેરેજમાં 9 કાર ખાક થઈ, જ્યારે ગાજરાવાડીમાં કારખાનામાં આગ લાગી. જૂના પાદરા રોડ પર 3 ઝૂંપડાં બળી જતાં પરિવારો બેઘર બન્યા. ભાયલીમાં 5મા માળે ફ્લેટમાં આગ લાગી, જ્યાં ફાયર બ્રિગેડે ₹3 લાખ રોકડ બચાવી. IOCL પ્લાન્ટ પાસે કચરામાં આગની ઘટના ટળી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: દિવાળીના દિવસે ફાયરબ્રિગેડને આગના 67 કોલ્સ મળ્યા

Vadodara: વડોદરામાં દિવાળીના દિવસે ફટાકડાને કારણે આગ લાગવાના એકપછી એક બનાવો જારી રહેતાં ફાયર બ્રિગેડને સતત દોડધામ કરવી પડી હતી. છેલ્લા 24 કલાકમાં ફાયર બ્રિગેડને કુલ 67 કોલ્સ મળ્યા હતા.

ફાયર બ્રિગેડના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મકરપુરા એસફોર્સ પાસે હનુમાન મંદિરની સામેના ભાગે એક ગેરેજમાં આગ લાગતાં 9 જેટલી કાર તેમાં લપેટાઇ હતી અને આખું ગેરેજ તબાહ થઇ ગયું હતું. આવી જ રીતે ગાજરાવાડી વિસ્તારમાં ગઇરાત્રે પટેલ એસ્ટેટ પાસે એક કારખાનાની ઉપરના ભાગે આગ લાગતાં આગનું રૌદ્ર સ્વરૃપ જોઇ લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

જૂના પાદરારોડ પર રિલાયન્સ મોલ પાછળ ગરબા ગ્રાઉન્ડ પાસે લાગેલી આગમાં 3 ઝુંપડાં ખાક થઇ જતાં શ્રમજીવી પરિવારો બેઘર બની ગયા છે. સલાટવાડા વિસ્તારમાં એક કોમ્પ્લેક્સના 3જા માળે ઓફિસમાં ભીષણ આગ લાગી હતી. જ્યારે, હરણીની જાગૃતિ સોસાયટી અને ગોત્રીના 1-1 મકાનમાં તેમજ 2 ગોડાઉનમાં પણ આગના બનાવ બન્યા હતા.

સૌથી વધુ આગના કોલ્સ કચરાને લગતા હતા. જેમાં ખુલ્લામાં કચરો સળગવાને કારણે ચારેબાજુ ધુમાડા છવાતાં ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

ભાયલીમાં પાંચમા માળે આખો ફ્લેટ ખાક, ફાયર બ્રિગેડે રોકડ બચાવી

વાસણા-ભાયલી રોડ પર આવેલા અર્થ એક્રોપોલિશ-3ના એક ટાવરમાં 5મા માળે ફ્લેટમાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે ફાયર બ્રિગેડને 2 કલાક જહેમત થઇ હતી. વાસણા ફાયર બ્રિગેડના જવાન કુલદીપ સિંહે કહ્યું હતું કે અમારી ટીમે આગગ્રસ્ત ઘરમાંથી જાનના જોખમે રૂ. 3 લાખ જેટલી રોકડ કાઢી આપી હતી.

આઇઓસીએલ પ્લાન્ટ પાસે કચરામાં આગ લાગતાં દુર્ઘટના ટળી

આઇઓસીએલના પ્લાન્ટ પાસે કચરામાં આગ લાગવાનો બનાવ બન્યો હોવાની પ્રાથમિક વિગતો મળી છે. જો કે આગ વધુ ફેલાય તે પહેલાં જ કાબૂમાં લઇ લેવામાં આવી હતી. જેને કારણે ઉપરોક્ત સ્થળે દુર્ઘટના થતાં રહી ગઇ હતી. આ બનાવ અંગે વડોદરા ફાયર બ્રિગેડની કોઇ મદદ લેવામાં આવી નહતી.

તરસાલી તળાવ પાસે કારમાં આગ

તરસાલી તળાવ પાસે ગઇરાત્રે એક કારમાં આગ લાગતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આગ લાગવાનું પ્રાથમિક કારણ ફટાકડાને કારણે હોવાનું જણાઇ રહ્યું છે. આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી.

આગ લાગવાના કેટલા કોલ્સ મળ્યા

ક્યાં આગ લાગી કોલ્સની સંખ્યા
મકાનમાં 4
કચરામાં 42
ફ્લેટ્સ 3
ઝુંપડાં 3
ફેક્ટરી 3
ગોડાઉન 3
દુકાન 2
શેડ 2
શોર્ટસર્કિટ 2
ગેસ 1
વાહન 1
ગેરેજ 1
કુલ 67