Baroda

મહિલા એન્જિનિયર પાસેથી રૂ. 3.53 લાખ લાખ વસૂલવાનો BSNLનો દાવો રદ, શૌચાલય ન હોવાથી રાજીનામુ આપ્યું હતું

By GS Team
24 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં BSNLના જૂનિયર એન્જિનિયર પ્રજ્ઞાા સક્સેનાએ (નામ બદલ્યું છે) નસવાડી એક્સચેન્જમાં મહિલા શૌચાલય ન હોવાથી રાજીનામું આપ્યું હતું. BSNLએ 2 વર્ષના બોન્ડ કરાર ભંગ બદલ ₹3.53 લાખની વસૂલાતનો દાવો કર્યો. કોર્ટે BSNLનો દાવો રદ કર્યો, નોંધ્યું કે, મહિલા કર્મચારીના સન્માન અને સુરક્ષા માટે અલગ શૌચાલય અનિવાર્ય છે. BSNL બોન્ડ કરાર કાયદેસર રીતે અમલ કરવામાં નિષ્ફળ રહ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

મહિલા એન્જિનિયર પાસેથી રૂ. 3.53 લાખ લાખ વસૂલવાનો BSNLનો  દાવો રદ, શૌચાલય ન હોવાથી રાજીનામુ આપ્યું હતું

વડોદરા : બીએસએનએલમાં જૂનિયર એન્જિનિયર તરીકે નોકરીમાં જોડાયેલી મહિલા કર્મચારીએ નસવાડી એક્સચેન્જમાં મહિલા શૌચાલય ન હોવાથી રાજીનામુ આપી દેતા BSNLએ રૂા. 3.53 લાખની વસૂલાત માટેનો દાવો કર્યો હતો. ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ અને પુરાવાને ધ્યાને લઇ બીએસએનએલનો દાવો રદ કરી દીધો અને ચુકાદામાં નોધ્યું છે કે, મહિલા કર્મચારી જ્યાં કામ કરતી હોય ત્યાં તેમના સન્માન જાળવણી અને સુરક્ષા માટે અલગ શૌચાલય હોવું અત્યંત જરૂરી છે.

કેસની વિગત એવી છે કે, પ્રજ્ઞાા સક્સેના (નામ બદલ્યું છે)ને  જૂન 2018માં બીએસએનએલમાં જુનિયર એન્જિનિયર તરીકે નસવાડી એક્સચેન્જ ખાતે પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. જોકે, ત્યાં મહિલાઓ માટે અલગ શૌચાલય જેવી પ્રાથમિક સુવિધા ન હોવાથી અને મહિલા સુરક્ષાના કારણોસર તેમણે અન્ય સ્થળે બદલી કરી આપવા વારંવાર રજૂઆતો કરી હતી. જો કે, તંત્ર દ્વારા કોઇ યોગ્ય પગલાં ન લેવાતા તેમણે ફેબુ્રઆરી 2019માં રાજીનામુ આપી દીધું હતું.

મહિલાએ રાજીનામુ આપતા BSNLએ તેમની પૂર્વ મહિલા કર્મચારી અને તેના પિતા સામે 2 વર્ષના બોન્ડ કરારના ભંગ બદલ રૂ. 1.70 લાખની બોન્ડ રકમ, 18 ટકા વ્યાજ અને નોટિસ પીરિયડના પગાર સહિત કુલ રૂ. 3.53 લાખની રકમ વસૂલવા માટે મે 2023માં કોર્ટમાં  દાવો દાખલ કર્યો હતો. સુનાવણી દરમિયાન બીએસએનએલ તરફે દલીલ કરવામાં આવી હતી કે, મહિલા કર્મચારીએ તાલીમ લીધા બાદ તા.11 ઓગસ્ટ 2017ના રોજ બોન્ડ કરાર કર્યા હતા અને તેણે બોન્ડના કરારનો ભંગ કર્યો છે.

જ્યારે સામા પક્ષે દલીલ કરી હતી કે, મૂળભૂત સુવિધાઓ વિના કામ કરવાની ફરજ પાડવી અન્યાયી છે. કેસ પેન્ડિંગ હતો તે દરમિયાન બોન્ડની રૂ. 1.70 લાખની રકમ જમા કરાવી દેવામાં આવી છે. ક્રોસ એક્ઝામિનેશન દરમિયાન બીએસએનએલના અધિકારીએ પણ સ્વીકાર્યું હતું કે, મહિલાઓ માટે અલગ શૌચાલય ન હતું.

આ ઉપરાંત બીએસએનએલ દ્વારા રજૂ કરાયેલા બોન્ડ એગ્રીમેન્ટ પર બીએસએનએલના કોઈ અધિકૃત અધિકારીની સહી કે નામ ન હોવાનું પણ સામે આવ્યું હતું. ન્યાયાધીશે બંને પક્ષની દલીલ તેમજ પુરાવાને ધ્યાને લઇ બીએસએનએલનો દાવો રદ કર્યો હતો અને ચુકાદામાં નોંધ્યું હતું કે, બીએસએનએલ પોતાનો જ બોન્ડ કરાર કાયદેસર રીતે યોગ્ય રીતે એક્ઝિક્યુટ (સહી-સિક્કા) કરવામાં નિષ્ફળ રહ્યું છે, જેથી તે કાનૂની રીતે અમલી બનાવી શકાય નહીં.