Baroda

વડોદરા કોર્પોરેશનની દરેક વોર્ડમાં યોગ સેન્ટર બનાવવાની તૈયારી : કર્મચારીઓ અને કાઉન્સિલરોને 50 ટકા રાહત

By GS Team
8 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરમાં યોગને પ્રોત્સાહન આપવા દરેક વોર્ડ દીઠ યોગ સેન્ટર બનશે. ગોત્રી ગાર્ડન અને માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 2 નવા યોગ સેન્ટર તૈયાર કરાયા છે. તેના સંચાલન માટે ટેન્ડર અને નીતિ-નિયમો નક્કી કરવા 7 સભ્યોની કમિટી બની છે. કોર્પોરેશન કર્મચારીઓ અને કાઉન્સિલરોના બાળકોને પ્રવેશ ફીમાં 50% રાહત મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા કોર્પોરેશનની દરેક વોર્ડમાં યોગ સેન્ટર બનાવવાની તૈયારી : કર્મચારીઓ અને કાઉન્સિલરોને 50 ટકા રાહત

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં યોગને પ્રોત્સાહન આપવા માટે હવે દરેક વોર્ડ દીઠ એક યોગ સેન્ટર બનાવવાની તૈયારી કરવામાં આવી છે. બિલ્ડીંગ પ્રોજેક્ટ વિભાગ દ્વારા ગોત્રી ગાર્ડન અને માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે નવા યોગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે. આગામી તબક્કામાં શહેરના અન્ય વોર્ડમાં પણ યોગ સેન્ટર બનાવવામાં આવશે.
યોગ સેન્ટરના સંચાલન માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાની સાથે નીતિ-નિયમો, ધારા-ધોરણો અને પ્રવેશ ફી સહિતની બાબતો નક્કી કરવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં સાત સભ્યોની કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. ગોત્રી અને માંજલપુરના યોગ સેન્ટરનું સંચાલન ત્રણ વર્ષ માટે ભાડાપટ્ટે આપવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે.
બંને યોગ સેન્ટર માટે પ્રતિ સેન્ટર રૂ.50 હજારની ડિપોઝિટ અને વાર્ષિક રૂ.2.16 લાખ પરવાના ફી નક્કી કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. ભાડાની રકમમાં દર વર્ષે પાંચ ટકાનો વધારો કરવામાં આવશે. ડિપોઝિટ, ફીમાં વધઘટ તથા નીતિ-નિયમોમાં જરૂરી સુધારા કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને સોંપવાની દરખાસ્ત પણ કરવામાં આવી છે.
યોગ સેન્ટરમાં કોર્પોરેશનના કર્મચારીઓ તથા તેમના બાળકોને પ્રવેશ ફીમાં 50 ટકા રાહત આપવામાં આવશે. ઉપરાંત કાર્યરત કાઉન્સિલરો અને તેમના બાળકોને પણ 50 ટકા રાહત દરે પ્રવેશ આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
યોગ સેન્ટરનો સમય સવારે 5થી રાત્રે 9 વાગ્યા સુધીનો રહેશે. સેન્ટરમાં ગંદકી અંગે ફરિયાદ મળવા પર સંચાલક પાસેથી પ્રતિ દિવસ રૂ.1,000ની દંડ વસૂલવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
યોગ સેન્ટરનું સંચાલન બે વર્ષનો અનુભવ ધરાવતા યોગ ટ્રેનરને જ સોંપવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાની યોગ પ્રવૃત્તિ સાથે સંકળાયેલી વ્યક્તિ અથવા આવી સંસ્થા સાથે નોંધાયેલ સંસ્થાને પણ ટેન્ડર પ્રક્રિયામાં પાત્ર ગણવામાં આવશે.