વડોદરા બની ખાડોદરા ભુવા નગરી, સોશિયલ મીડિયા પર કોમેન્ટ શરૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: વડોદરા શહેરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે અનેક રસ્તાની હાલત બિસ્માર બની ગઈ છે. વરસાદ પડતાં જ માર્ગો પર ખાડા પડી રહ્યા છે, કેટલાક સ્થળોએ રસ્તા બેસી ગયા છે તો ક્યાંક ભુવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેથી વડોદરા નગરી ફરી ખાડોદરા,ભુવા નગરી બની ગઈ છે ત્યારે સોશીયલ મીડિયા પર મેસેજ ફરી રહ્યા છે કે જો તમે વડોદરાના રસ્તાઓ ઉપર ગાળ બોલ્યા વગર પાંચ કિલોમીટર ગાડી હંકારી શકો તો, તમે પોતાને કોઇ નાના મોટા સંત માની શકો છો…!
શહેરના ગાજરાવાડી, ભાયલી, બિલ, અટલાદરા, ગોરવા, સમા, ખોડીયારનગર, સરદાર એસ્ટેટ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ ઉબડખાબડ બની ગયા છે. વરસાદને કારણે માર્ગો પર પાણી ભરાઈ જતાં ખાડા દેખાતા નથી, જેના કારણે વાહનચાલકોને અકસ્માતનો સતત ભય સતાવી રહ્યો છે.
શહેરના કેટલાક વિસ્તારોમાં હજુ પણ પાણી, ડ્રેનેજ અને અન્ય વિકાસ કાર્યો ચાલી રહ્યા છે. બીજી તરફ જ્યાં રસ્તા બેસી ગયા છે અથવા ભુવા પડ્યા છે ત્યાં સુરક્ષાના ભાગરૂપે બેરીકેડ મૂકવામાં આવ્યા છે. જોકે રાત્રિના સમયે આવા સ્થળોએ પસાર થવું વધુ જોખમી બનતું હોવાથી નાગરિકોને સાવચેતી રાખવાની જરૂર છે.
જાગૃત નાગરિકોનું કહેવું છે કે વરસાદ પડતાં જ રસ્તાઓ તૂટી જવું એ માર્ગ નિર્માણની ગુણવત્તા પર પ્રશ્નાર્થ ઊભો કરે છે. ખોદકામ બાદ યોગ્ય પુરાણ ન થવું અને સમયસર તથા ગુણવત્તાયુક્ત પેચવર્ક ન કરવામાં આવતાં દર વર્ષે આવી સમસ્યાઓ સર્જાય છે.









