વડોદરા: હરણી એરપોર્ટ સામે વધુ એક ટ્રક રસ્તામાં ખૂંપી, મોટી દુર્ઘટના ટળી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: વડોદરા શહેરમાં રસ્તાઓની ગુણવત્તા અને ખોદકામ બાદ યોગ્ય પુરાણની કામગીરી સામે વધુ એક વખત સવાલો ઊભા થયા છે. આજે હરણી એરપોર્ટની સામે મુખ્ય માર્ગ પર આરસીસી બ્લોક ભરેલી ટ્રક રસ્તામાં ફસાઈ જતાં મોટી દુર્ઘટના ટળી હતી.
આરસીસી બ્લોક ભરેલી ટ્રક પસાર થઈ રહી હતી ત્યારે તેના પાછળના બંને ટાયર પાણીના વાલ્વ ખોલવા માટે બનાવવામાં આવેલી ચેમ્બરમાં ખૂંપી ગયા હતા. જેના કારણે ટ્રક રસ્તા પર જ ફસાઈ ગઈ હતી અને તેને નુકસાન પણ પહોંચ્યું હતું. સદનસીબે ટ્રક પલટી ગઈ નહોતી, નહિતર મોટી જાનહાનિ સર્જાઈ શકે તેવી સ્થિતિ ઊભી થઈ હોત.
ટ્રક ફસાઈ જતા આરસીસી બ્લોકનો માલ અન્ય ટ્રકમાં ખાલી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફસાયેલી ટ્રકને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી.
આ ઘટનાને પગલે સામાજિક કાર્યકરે કહ્યું કે કોર્પોરેશનના વિવિધ વિભાગો દ્વારા રસ્તાઓનું ખોદકામ કરવામાં આવે છે, પરંતુ કામગીરી પૂર્ણ થયા બાદ ખોદકામ કરાયેલા ભાગનું યોગ્ય રીતે પુરાણ કરવામાં આવતું નથી. જેના કારણે રસ્તાની સપાટી નબળી બની જાય છે અને રોજ ભારદારી વાહનો તેમાં ખૂંપી જવાની ઘટનાઓ બની રહી છે. આ સમગ્ર મામલે ભ્રષ્ટાચારને પણ જવાબદાર ઠેરવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ભારદારી વાહનો રસ્તામાં ફસાઈ જવાની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં વડીવાડી ગામ ખાતે આરસીસી બ્લોક ભરેલી ટ્રક ફસાઈ હતી. ત્યારબાદ હરણી-સમા લિંક રોડ પર સિમેન્ટ ભરેલી ટ્રક પણ રસ્તામાં ફસાઈ હતી. હવે હરણી એરપોર્ટ સામે બનેલી ઘટનાએ રસ્તાની ગુણવત્તા અને જાળવણી અંગે ફરી ગંભીર સવાલો ઊભા કર્યા છે.









