Baroda

વડોદરા: રિક્ષા પલટી જતા 15 વર્ષની કિશોરી દબાઈ ગઈ, લોકોએ રિક્ષા ઊંચકીને બહાર કાઢી

By GS Team
23 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરાના અટલાદરા BAPS સર્કલ નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક રિક્ષાચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી સ્કૂટીને ટક્કર મારતા રિક્ષા પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 15 વર્ષીય જાનવી પરમારને જમણા હાથના ખભામાં ફ્રેક્ચર થયું છે. રિક્ષાચાલક વાહન છોડી ફરાર થઈ ગયો હતો. અટલાદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: રિક્ષા પલટી જતા 15 વર્ષની કિશોરી દબાઈ ગઈ, લોકોએ રિક્ષા ઊંચકીને બહાર કાઢી

Vadodara: વડોદરા શહેરના અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા BAPS સર્કલ નજીક માર્ગ અકસ્માતની ઘટનામાં 15 વર્ષની કિશોરી ગંભીર રીતે ઘવાયી હતી, જેને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જમણા હાથના ખભાના ભાગે ફ્રેક્ચર હોવાનું નિદાન થયું છે. ઘટના બાદ રિક્ષાચાલક પોતાની રિક્ષા સ્થળ પર જ મૂકીને નાસી છૂટ્યો હતો.

મળતી માહિતી મુજબ, પોરગામમાં રહેતા પન્નાબેન મહેશભાઈ પરમાર તેમના પરિવારજનો સાથે વાસણા ખાતે રહેતા ભાભીના શ્રીમંત વિધિના પ્રસંગમાં જવા માટે નીકળ્યા હતા. તેઓ પોર બ્રિજ નીચેથી એક ઓટોરિક્ષામાં પોતાની દીકરી જાનવી (ઉં.વ. 15), દીકરો દર્શ (ઉં.વ. 10), બહેન નયનાબેન અને ભાણી ભવ્યા સાથે બેસીને વાસણા તરફ જઈ રહ્યા હતા.

બપોરના આશરે 3:30 વાગ્યાના સુમારે રિક્ષા BAPS સર્કલથી થોડી આગળ પહોંચી ત્યારે સામેથી વિદ્યુતનગર કોલોનીમાં રહેતા રેણુબેન નીરજભાઈ (ઉં.વ. 37) પોતાની સ્કૂટી પર રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે રિક્ષાચાલકે પોતાની ગાડી ગફલતભરી રીતે હંકારીને સ્કૂટી સાથે અથડાવી દીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા પલ્ટી મારી ગઈ હતી અને 15 વર્ષીય જાનવી રિક્ષા નીચે દબાઈ ગઈ હતી.

આસપાસના લોકોએ તાત્કાલિક ભેગા થઈને રિક્ષા સીધી કરી જાનવીને બહાર કાઢી હતી. પ્રથમ તેને નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવી હતી.

આ મામલે પન્નાબેન પરમારે અટલાદરા પોલીસ મથકે અકસ્માત સર્જી ભાગી છૂટેલા રિક્ષાચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. અટલાદરા પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) અને મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ સુનીલભાઈ મકવાણાને સોંપી છે.