યુનિ.ના બીએડ્ના વિદ્યાર્થીઓની બોલબાલા, કેમ્પસ ઈન્ટરવ્યૂમાં 70 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એમ.એસ.યુનિવર્સિટીમાં ટેકનોલોજી ફેકલ્ટી અને પોલીટેકનિકની સાથે સાથે એજ્યુકેશન એન્ડ સાયકોલોજી ફેકલ્ટીના બીએડના વિદ્યાર્થીઓની પણ બોલબાલા જોવા મળી રહી છે.વીતેલા શૈક્ષણિક વર્ષમાં વડોદરા અને વડોદરા બહારની ૩૫ જેટલી સ્કૂલોમાં બીએડના ૧૧૦ પૈકી ૭૦ જેટલા વિદ્યાર્થીઓને શિક્ષક તરીકેની નોકરીની કેમ્પસ ઈન્ટરવ્યૂમાં ઓફર કરી છે.
બીએડના કોર્સની તમામ બેઠકો દર વર્ષે ભરાઈ જતી હોય છે.આ વર્ષે પણ ૧૦૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અરજી કરી હતી.કેમ્પસ ઈન્ટરવ્યૂ કો ઓર્ડિનેટર અને એજ્યુકેશનના અધ્યાપક ડો.દિપિકા રાજાવતનું કહેવું છે કે, સૌથી વધારે ડિમાન્ડ બીએડ વિથ ઈંગ્લિશ થયેલા શિક્ષકોની છે.સ્કૂલોની માગ અમે પૂરી કરી શકતા નથી.૨૦૨૫-૨૬ના શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને સરેરાશ ૩૫૦૦૦ રુપિયા જેટલો પગાર ઓફર થયો છે અને સૌથી વધારે ૬૨૦૦૦ રુપિયા પગાર એક સ્કૂલે બીએડ વિથ ઈંગ્લિશના વિદ્યાર્થીને ઓફર કર્યો હતો.દર વર્ષેે કેમ્પસ ઈન્ટરવ્યૂમાં ૭૦ થી ૮૦ ટકા વિદ્યાર્થીઓનું સ્કૂલોમાં પ્લેસમેન્ટ થાય છે.બાકીના વિદ્યાર્થીઓને કેમ્પસ ઈન્ટરવ્યૂ સિવાય પણ નોકરી મળી જાય છે.આમ દર વર્ષે લગભગ તમામ વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થઈ જતું હોય છે.બીએડ વિથ ઈંગ્લિશ બાદ સાયન્સ વિષય જેમ કે મેથ્સ, ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના વિદ્યાર્થીઓની ડિમાન્ડ રહે છે.
કેમ્પસ ઈન્ટરવ્યૂ માટે આવતી મોટાભાગની સ્કૂલો અંગ્રેજી માધ્યમની અને તેમાં પણ સીબીએસઈની હોય છે.દર વર્ષે ડિસેમ્બર મહિનામાં સ્કૂલો સામેથી જ ફેકલ્ટીનો કેમ્પસ ઈન્ટરવ્યૂ માટે સંપર્ક કરતી હોય છે.જોકે કેમ્પસ ઈન્ટરવ્યૂ બાદ પણ વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટની પ્રક્રિયા આખુ વર્ષ લગભગ ચાલતી હોય છે.
બીજી ફેકલ્ટીમાં ૭૫ ટકા પણ બીએડ્માં ૮૦ ટકા હાજરી ફરજિયાત
ફેકલ્ટી ડીન પ્રો.આશુતોષ બિશ્વાલનું કહેવું છે કે, બીએડના કોર્સની તમામ બેઠકો દર વર્ષે ભરાઈ જાય છે.જોકે જીકાસના કારણે એડમિશન પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે.બીએડ કોર્સમાં શિક્ષણની ગુણવત્તા સાથે કોઈ સમાધાન કરાતું નથી.અન્ય ફેકલ્ટીઓમાં વિદ્યાર્થીઓની સરેરાશ ૭૫ ટકા હાજરી જરુરી હોય છે ત્યારે બીએડમાં ૮૦ ટકા હાજરી ફરજિયાત છે.બે વર્ષના કોર્સના છેલ્લા સેમેસ્ટરમાં ચાર મહિના વિદ્યાર્થીઓએ સ્કૂલોમાં ઈન્ટર્નશિપ કરવાની હોય છે.
બીએડ્નો હાયર પેમેન્ટ કોર્સ શરુ કરવા વિચારણા
બીએ વિથ સાયકોલોજીમાં પ્રવેશ માટે ધસારા બાદ ફેકલ્ટીમાં તેનો હાયર પેમેન્ટ કોર્સ શરુ કરવામાં આવ્યો છે.આ જ રીતે હવે બીએડનો પણ હાયર પેમેન્ટ કોર્સ શરુ કરવા માટે વિચારણા શરુ કરવામાં આવી છે.જેના કારણે વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ મળી શકશે.









