Baroda

યુનિ.માં 72 કરોડના ખર્ચે 11 માળનું નવું હોસ્ટેલ બિલ્ડિંગ બનાવવા કવાયત

By GS Team
6 Aug 20262 mins read
TukuTouch Logo
એમ.એસ. યુનિવર્સિટીને રાજ્ય સરકારે ₹72 કરોડના ખર્ચે 11 માળની નવી બોયઝ હોસ્ટેલ બનાવવા લીલી ઝંડી આપી છે. 600 વિદ્યાર્થીઓની ક્ષમતાવાળી આ હોસ્ટેલ માટે પ્રથમ હપ્તા તરીકે 30% રકમ રિલીઝ કરાઈ છે. બે વર્ષમાં બનનારી આ હોસ્ટેલમાં મેસ, કોન્ફરન્સ રૂમ, પાર્કિંગ જેવી સુવિધાઓ મળશે. જોકે, ગર્લ્સ હોસ્ટેલની યોજના હાલ કાગળ પર જ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુનિ.માં 72 કરોડના ખર્ચે 11 માળનું નવું હોસ્ટેલ બિલ્ડિંગ બનાવવા કવાયત

એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બહારગામના વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે.જોકે યુનિવર્સિટી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને રાખવા માટેની ક્ષમતા હજી પણ વધી નહીં હોવાથી ઘણા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં પ્રવેશ મળી શકતો નથી.
જોકે યુનિવર્સિટી સત્તાધીશોના નવી હોસ્ટેલ બનાવવાના પ્રયાસોને આખરે સફળતા મળી છે. બોયઝ હોસ્ટેલના મુખ્ય કેમ્પસમાં ૧૧ માળનું હોસ્ટેલ બિલ્ડિંગ બનાવવાના પ્રોજેકટને આખરે લીલી ઝંડી મળી ગઈ છે.આ પ્રોજેકટ માટે સત્તાધીશોએ સરકાર પાસે નાણાકીય સહાય માગી હતી.સૂત્રોનું કહેવું છે કે, આ બિલ્ડિંગ પાછળ ૭૨ કરોડ રુપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.આ તમામ રકમ રાજ્ય સરકાર આપશે.જેના પહેલા હપ્તા તરીકે ૩૦ ટકા રકમ યુનિવર્સિટીને રિલિઝ કરી દેવાઈ છે.જેના કારણે આગામી દિવસોમાં બાંધકામ શરુ કરવા માટે ટેન્ડરો મંગાવવામાં આવશે.આ બિલ્ડિંગમાં ૬૦૦ વિદ્યાર્થીઓ રહી શકશે.જેમાં મેસ, કોન્ફરન્સ રુમ, એન્ટરટેનમેન્ટ રુમ, બેઝમેન્ટ પાર્કિંગ જેવી સુવિધાઓ હશે.એક વખત કામ શરુ થયા બાદ બે વર્ષમાં પૂરુ કરવામાં આવશે.અત્યારે તેનો પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, અત્યારે બોયઝ હોસ્ટેલની ક્ષમતા ૨૫૦૦ વિદ્યાર્થીઓની છે.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ માટે પણ હોસ્ટેલમાં જગ્યા નથી અને તેના કારણે તેમને અધ્યાપકોના ખાલી કવાર્ટર્સ રહેવા માટે ફાળવવામાં આવ્યા છે.

બહુમાળી ગર્લ્સ હોસ્ટેલની યોજના હજી કાગળ પર જ
યુનિવર્સિટી સત્તાધીશોની મૂળ યોજના બોયઝ હોસ્ટેલ અને ગર્લ્સ હોસ્ટેલમાં એમ બંને જગ્યાએ બહુમાળી હોસ્ટેલ બનાવવાની હતી.યુનિવર્સિટીએ બંને બિલ્ડિંગ માટે સરકાર પાસે સહાય માગી હતી.જોકે સરકારે બોયઝ હોસ્ટેલ માટે જ હાલના તબક્કે નાણાકીય સહાય આપવાનો નિર્ણય લીધો હોવાથી ગર્લ્સ હોસ્ટેલમાં પણ આ પ્રકારનુ બિલ્ડિંગ બનાવવાની યોજના હાલ તો કાગળ જ પર જ છે.