યુનિ.ને પણ મોંઘવારી નડી, ડુપ્લિકેટ ડિગ્રી, માર્કશીટ, રિ-ચેકિંગ રિ-એસેસમેન્ટ સહિતની ફીમાં વધારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એમ.એસ.યુનિવર્સિટીને પણ મોંઘવારી નડી ગઈ છે અને પરીક્ષા લક્ષી જેટલી પણ ફી છે તેમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે.જેના કારણે માર્કશીટમાં સુધારો કરવાની, રિ ચેકિંગ, રિએસેસમેન્ટની, ડુપ્લિકેટ માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટની ફીમાં વધારો થયો છે.
સૂત્રોએ કહ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોથી આ તમામ કામગીરી માટેની ફીમાં કોઈ જાતનો વધારો થયો નહોતો અને વધારાની દરખાસ્ત ઘણા સમયથી લટકેલી હતી.જોકે તાજેતરમાં મળેલી એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં તેના પર ચર્ચા થઈ હતી અને હવે આ ફી વધારાને લીલી ઝંડી આપી દેવામાં આવી છે.સૌથી વધારે ફી વધારો ૧૧ વર્ષ કે તેથી વધારે જૂની ડિગ્રી કે ડિપ્લોમા સર્ટિફિકેટની ડુપ્લિકેટ કોપી બનાવવામાં કરાયો છે.અત્યારે તેના માટે ૧૫૦૦ થી ૨૦૦૦ રુપિયા ફી ચાર્જ કરાય છે.જે હવે વધારીને ૩૦૦૦ રુપિયા કરવામાં આવી છે.જ્યારે ઉત્તરવહીઓની સર્ટિફાઈડ કોપી માટેની ફી પણ બમણી કરી દેવામાં આવી છે.જેના માટે હવે ૨૦૦૦ રુપિયાથી વધારે ફી આપવી પડશે.
કઈ ફીમાં કેટલો વધારો કરાયો
કામગીરી પહેલા હવે
માર્કશીટમાં નામમાં સુધારો પીઆરએન સાથે ૫૦૦ ૭૫૦
માર્કશીટમાં નામનો સુધારો પીઆરએન વગર ૫૦ ૭૫૦
લેટ ફી( પરીક્ષાના ૬ થી ૯ દિવસ પહેલા) ૫૦૦ ૭૫૦
લેટ ફી( પરીક્ષાના ૩ થી ૫ દિવસ પહેલા) ૨૦૦૦ ૩૦૦૦
ઉત્તરવહીનું વેરિફિકેશન ૧૦૦ ૧૫૦
ઉત્તરવહીનું રિએસએસમેન્ટ ૫૦૦ ૭૫૦
ઉત્તરવહીનું ઈન્સ્પેક્શન ૧૦૦૦ ૧૫૦૦
સર્ટિફાઈડ ઉત્તરવહી ૧૦૦૦ ૨૦૦૦
ડુપ્લિકેટ માર્કશીટ, સ્ટેટમેન્ટ ઓફ માર્કસ ૨૦૦ ૩૦૦
ડુપ્લિકેટ ડિગ્રી અને ડિપ્લોમા સર્ટિફિકેટ
(એક થી પાંચ વર્ષ જૂના) ૫૫૦ ૮૨૫
( ૬ થી ૧૦ વર્ષ જૂના) ૧૦૦૦ ૧૫૦૦
(૧૧ થી ૧૫ વર્ષ જૂના) ૧૫૦૦ ૩૦૦૦
(૧૬ કે તેથી જૂના) ૨૦૦૦ ૩૦૦૦
સર્ટિફિકેટ ટેસ્ટિફાઈંગ કોપી ૩૦૦ ૪૫૦
પરીક્ષા પાસનુંઓથેન્ટિકેશન ઓફ સર્ટિફિકેટ ૩૦૦ ૪૫૦
સર્ટિફેકટ ફોરવર્ડિંગ ૫૦૦ ૭૫૦
પરિણામમાં વિલંબ થશે તો વીસીને ખુલાસો આપવો પડશે
છેલ્લા એક વર્ષથી મોટાભાગની પરીક્ષાઓના પરિણામ નક્કી કરેલી સમય મર્યાદા એટલે કે ૪૫ દિવસની અંદર જાહેર કરવામાં આવ્યા છે.જેના કારણે વિદ્યાર્થીઓને ઘણી રાહત મળી છે.આમ છતા હવે પરીક્ષાના ૩૦ દિવસની અંદર પરિણામ જાહેર કરવાનો પ્રયત્ન કરાશે.ઉપરાંત કોઈ પરિણામ જાહેર કરવામાં ૪૫ દિવસ કરતા વધારે સમય થશે તો પરીક્ષા વિભાગે વાઈસ ચાન્સેલરને તેની પાછળના કારણોની જાણકારી આપવી ફરજિયાત હશે.
જિમ અને સ્વિમિંગની ફીમાં પણ નજીવો વધારો
પરીક્ષાની કામગીરીની ફી વધારવાની સાથે સાથે યુનિવર્સિટીના જિમની અને સ્વિમિંગ પુલની ફીમાં પણ નજીવો વધારો કરાવો છે.મળતી જાણકારી અનુસાર વિદ્યાર્થીઓ માટે ૧ એપ્રિલથી ૩૧ માર્ચની વચ્ચે લર્નિંગ બેચની ફી ૩૫૦થી વધારીને ૪૦૦ અને સ્વિમર બેચની ફી ૩૦૦થી વધારીને ૩૫૦ રુપિયા કરવામાં આવી છે.સ્ટાફ માટેની ફીમાં પણ ૨૫૦ રુપિયા સુધીનો વધારો કરાયો છે.જ્યારે જિમ માટેની ૬ મહિનાની વિદ્યાર્થીઓની ફી ૬૦૦ રુપિયાથી વધારીને ૭૫૦ રુપિયા તથા સ્ટાફ મેમ્બરની ફી ૨૫૦૦ રુપિયાથી વધારીને ૩૦૦૦ રુપિયા કરવામાં આવી છે.




