શહેરમાં વધતા વાહનો વચ્ચે નાગરિકો માટે જોખમરૃપ દોડતા અનફિટ વાહનો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શહેરના રસ્તાઓ પર ફિટનેસ વગરના અને વર્ષો જૂના કોમર્શિયલ અને પર્સનલ વાહનો બિન્દાસ દોડી રહ્યા હોઈ વાહન સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા થયા છે.
શહેરના રાજમાર્ગો પર રીક્ષાઓ, ભારદારી વાહનો, થ્રી વ્હીલર ટેમ્પો, ટ્રાન્સપોર્ટના અને સરકારી વિભાગોના સંખ્યાબંધ વાહનો ફિટનેસ વગર બિન્દાસ દોડી રહ્યાં છે. આ ઉપરાંત, અનેક વાહનોની આર.સી.બુક કેન્સલ હોવા છતા વાહનોને સ્ક્રેપ કરવાના બદલે રસ્તા પર દોડાવી લોકોના જીવ જોખમમાં મૂકે છે.
તાજેતરમાં ફાયર વિભાગની ગાડીઓ ફિટનેસ વિના વીવીઆઈપી બંદોબસ્તમાં દોડી હોવાનો મામલો સામે આવ્યા બાદ હવે તિરંગા યાત્રામાં પણ ફિટનેસ વગરનું વાહન સામેલ કરાતા વિવાદ સર્જાયો હતો, પરિણામે વાહન ચેકિંગ અને નિયમોના અમલ સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે.
શહેરમાં ફાયર વિભાગ જ નહીં, પરંતુ ટ્રાન્સપોર્ટ વિભાગ સાથે સંકળાયેલા કેટલાક ભારદારી વાહનો પણ ફિટનેસ વિના રસ્તા પર દોડી રહ્યા છે. વર્ષો જૂના વાહનોનો ઉપયોગ હજુ પણ કરાઈ રહ્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આવા વાહનો વધુ પ્રમાણમાં દોડી રહ્યા હોવાનું જાણવા મળે છે. ફિટનેસ સટફિકેટ વિના વાહન રસ્તા પર ચલાવવું માત્ર નિયમભંગ પૂરતું નથી, પરંતુ ક્યારેક ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે.
આ ઉપરાંત, જે વાહનોની આર.સી. કેન્સલ થઈ ગઈ હોય અથવા જે વાહનો ઉપયોગ માટે કાયદેસર રીતે યોગ્ય ન હોય, તેવા વાહનો પણ રસ્તા પર દોડતા નાગરિકો માટે જોખમી બન્યા છે. આવા વાહનોને નિયમ મુજબ સ્ક્રેપ કરવાનું હોય છે, પરંતુ તેનો ઉપયોગ ચાલુ રહેતા વાહન વ્યવસ્થા અને માર્ગ સુરક્ષાના નિયમોની અસરકારકતા સામે પણ સવાલો ઊભા કરે છે.
શહેરમાં દોડતા અનફિટ અને આર.સી. કેન્સલ વાહનોની સઘન ચકાસણી કરી રસ્તા પરથી દૂર કરવામાં આવે અને નિયમ મુજબ સ્ક્રેપ કરવાની કાર્યવાહીની માગ ઉઠી રહી છે.
ફિટનેસ અંગે ૨૯૯ વાહનચાલકો સામે કાર્યવાહી
આરટીઓ કચેરી દ્વારા જુલાઈ-૨૦૨૬ દરમિયાન ટ્રાફિક અને વાહન નિયમોના ભંગ બદલ કુલ ૩,૦૦૯ વાહનો સામે દંડની કાર્યવાહી કરાઈ છે. આ દરમિયાન વાહનચાલકો પાસેથી કુલ રૃ.૧,૦૪,૪૯,૧૮૦નો દંડ વસૂલાયો છે. સૌથી વધુ કાર્યવાહી નો-પાર્કિંગના ૮૧૦ કેસ, પીયુસી ચેકિંગના ૫૫૬, થર્ડ પાર્ટી વીમા વગરના ૩૮૩, એલ.ઈ.ડી. વ્હાઇટ લાઇટના ૩૬૪ અને ડ્રાઇવિંગ લાયસન્સ વગરના ૩૩૨ કેસમાં કરાઈ છે. આ ઉપરાંત, ઓવરલોડિંગના ૨૭૯, ફિટનેસ વગરના ૨૯૯, બુલ બારના ૨૫૯ અને પરમિટ વગરના ૨૨૭ વાહનો સામે પણ કાર્યવાહી કરાઈ છે.
આ વર્ષે ૭૭૫૮ વાહનોનું રિ-પાસિંગ થયું
શહેરમાં ૧૫ વર્ષ જૂના વાહનોને ફરી રસ્તા પર દોડાવવા માટે કરાતા રિ-પાસિંગના આંકડા મુજબ વર્ષ ૨૦૨૪માં કુલ ૧૦,૬૯૫ વાહનોનું રિ-પાસિંગ થયું હતું, જ્યારે વર્ષ ૨૦૨૫માં આ સંખ્યા વધીને ૧૪,૪૨૫ પર પહોંચી હતી. ચાલુ વર્ષ ૨૦૨૬માં ૧ જાન્યુઆરીથી ૧૪ ઓગસ્ટ સુધીમાં ૭,૭૫૮ વાહનોનું રિ-પાસિંગ થયું છે.
પ્રદૂષણ ફેલાવતા વાહનોને દૂર કરવાનો હેતુ સિદ્ધ થતો નથી
જૂના વાહનોમાંથી નીકળતો કાળો ધુમાડો હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધારે છે. ટ્રાફિક સિગ્નલો અને ભીડભાડવાળા વિસ્તારોમાં આવા વાહનો લાંબા સમય સુધી ઉભા રહેતા હોવાથી વાહનચાલકો તથા રાહદારીઓને પણ પ્રદૂષિત હવાનો સામનો કરવો પડે છે. સરકારે જૂના અને અનફિટ વાહનોને સ્ક્રેપ કરવાની નીતિ અમલમાં મૂકી છે, પરંતુ વાહનોની નિયમિત તપાસ, ફિટનેસ ચેક અને પ્રદૂષણ પ્રમાણપત્રની કડક ચકાસણીના અભાવે નીતિનો મૂળ હેતુ જ નિષ્ફળ જતો જોવા મળે છે.




