આર્ટસના ક્લાસમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીની અશ્લીલ હરકતોના બે વિડિયો વાયરલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના ક્લાસરુમમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિની દ્વારા અશ્લીલ હરકતના બે વિડિયો એક જ દિવસમાં વાયરલ થયા બાદ હડકંપ મચી ગયો છે.આ વિડિયોના કારણે યુનિવર્સિટીની પ્રતિષ્ઠા ખરડાઈ છે.
મળતી વિગતો પ્રમાણે એક વિડિયો ક્લાસરુમમાં બેન્ચ પર બેસીને એક બીજાને કિસ કરી રહેલા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીનો છે.આ વિડિયો પાછળ બેઠેલા કોઈ વિદ્યાર્થીએ ઉતારી લીધો હોવાનું મનાય છે.જ્યારે વાયરલ થયેલો બીજો વિડિયો બે મિનિટનો છે.જેમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિની ક્લાસમાં થોડે જ દૂર બેઠેલા અન્ય સ્ટુડન્ટસની હાજરીમાં જ અશ્લીલ હરકતો કરે છે.
વિડિયો જોઈને એવું લાગે છે કે, તેમને પણ ખબર છે કે,અમારી આ હરકતો અન્ય સ્ટુડન્ટસ જોઈ રહ્યા છે.આ સ્ટુડન્ટસમાંથી જ કોઈએ વિડિયો ઉતારી લીધો હોવાનું દેખાઈ રહ્યું છે.જોકે વિડિયો ઉતારનાર વ્યક્તિ પણ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીને જાહેરમાં અશ્લીલ હરકતો નહીં કરવાની સલાહ નથી આપતી.ઉલટાનું તેનાથી બીજા સ્ટુડન્ટસને કોઈ વાંધો હોય તેવું લાગતું નથી.
આ વિડિયો ફેકલ્ટીના તાજેતરમાં જ રિનોવેટ થયેલા મેઈન બિલ્ડિંગના ક્લાસરુમનો છે.જોકે બંને વિડિયોમાં દેખાતા વિદ્યાર્થી અને વિદ્યાર્થિની એક જ છે કે અલગ અલગ અને તેઓ આ ફેકલ્ટીના જ છે કે નહીં તે બાબત તપાસનો વિષય બની છે.
એક વર્ષ પહેલા પણ આવી ઘટના બની હતી સ્ટુડન્ટસને માફીપત્ર લખાવી જવા દેવાયા હતા
૨૦૨૫ના ઓકટોબર મહિનામાં પણ આર્ટસ ફેકલ્ટીનો જ આ પ્રકારનો એક વિડિયો વાયરલ થયો હતો.મળતી વિગતો પ્રમાણે ફેકલ્ટીની તપાસમાં કલાસરુમમાં બેડરુમ જેવી હરકતો કરનારા વિદ્યાર્થી અને વિદ્યાર્થિની ફેકલ્ટીના જ હોવાનું બહાર આવ્યું હતું.ફેકલ્ટી સત્તાધીશોએ તેમને માફી પત્ર લખાવીને છોડી મૂકયા હતા.ઘણાનું માનવું છે કે, જો તે સમયે જ દાખલો બેસે તેવી કાર્યવાહી કરી હોત તો કદાચ અન્ય સ્ટુડન્ટસે આ પ્રકારની હરકત ફરી કરવાની હિંમત ના કરી હોત.
તપાસ સમિત બનાવાઈ છે, આકરી કાર્યવાહી કરાશેઃ ફેકલ્ટી ડીન
આર્ટસ ફેકલ્ટી ડીન પ્રો.કલ્પના ગવલીએ કહ્યું હતું કે, જે વિડિયો વાયરલ થયા છે તે ફેકલ્ટીના જ હોવાનું દેખાય છે.આ મામલાની તપાસ કરવા માટે એક તપાસ સમિતિ બનાવવામાં આવી છે.જે વિડિયોમાં દેખાતા સ્ટુડન્ટસ ફેકલ્ટીના જ છે કે નહીં, વિડિયો કયારનો છે તેની તપાસ કરશે.જો ફેકલ્ટીના વિદ્યાર્થી અને વિદ્યાર્થિની હશે તો તેમની સામે આકરી કાર્યવાહી કરવા યુનિવર્સિટીને ભલામણ કરાશે.તેમના માતા-પિતાને પણ બોલાવાશે.જો બહારના યુવક- યુવતી હશે તો પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે.
મોનિટરિંગ માટે સીસીટીવી કેમેરા જ નથી
ફેકલ્ટીના મેઈન બિલ્ડિંગનો વિડિયો હોવાનું મનાય છે પણ અહીંયા કોઈ સીસીટીવી નથી એટલે સત્તાધીશો વિદ્યાર્થીઓની હરકતો પર નજર રાખી શકે તેવી વ્યવસ્થા જ નથી.ફેકલ્ટી ડીનનું કહેવું છે કે, તાજેતરમાંજ રિનોવેશન કરાયું હોવાથી સીસીટીવી કેમેરા લગાવવાના બાકી છે.જોકે રિનોવેશન પહેલા પણ ફેકલ્ટીની અંદર તો કેમેરા નહોતા.




