Baroda

વડોદરાની ભીમપુરા કેનાલમાં નાહવા ગયેલા બે વિદ્યાર્થીના ડૂબી જતાં માેત,બે વિદ્યાર્થી બચી ગયા

By GS Team
7 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરા નજીક ભીમપુરા કેનાલમાં આજે બપોરે 2 વિદ્યાર્થીઓ ડૂબી જતાં ગમગીની છવાઈ ગઈ. સેવાસીની ઝેવિયર ટેકનિકલ ઇન્સ્ટિટયૂટના 4 વિદ્યાર્થીઓ ભીમપુરા ગયા હતા. તેમાંથી કિશનસિંહ જાદવ (19) અને પ્રિતેશ ચૌહાણ (17) કેનાલમાં નાહવા ઉતર્યા હતા. પાણીના પ્રવાહમાં તણાઈ જતાં બંનેના મોત થયા. વડોદરા તાલુકા પોલીસે ફાયર બ્રિગેડની મદદથી મૃતદેહો શોધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાની ભીમપુરા કેનાલમાં નાહવા ગયેલા બે વિદ્યાર્થીના ડૂબી જતાં માેત,બે વિદ્યાર્થી બચી ગયા

વડોદરાની આસપાસના વિસ્તારમાંથી પસાર થતી કેનાલો જોખમી બની રહી છે અને ડૂબવાના અને મૃતદેહ મળી આવવાના છાશવારે બનાવો બની રહ્યા છે.આજે નમતી બપોરે આવા જ એક બનાવમાં ભીમપુરા કેનાલમાં બે વિદ્યાર્થી ડૂબી જતાં ભારે ગમગીની વ્યાપી છે.
બનાવની પ્રાથમિક વિગતો મુજબ, સેવાસી નજીક આવેલા ઝેવિયર ટેકનિકલ ઇન્સ્ટિટયૂટના ચાર વિદ્યાર્થીઓ આજે બપોરે નજીકના ભીમપુરા તરફ ગયા હતા.જે પૈકી કિશનસિંહ જાદવ(૧૯) (માંજલપુર,દરબાર ચોકડી પાસે,અભિષેક ફ્લેટ પાછળ) અને તેનો મિત્ર પ્રિતેશ ચૌહાણ(૧૭)(હટીપુરા ગામ, આંકલાવ પાસે)કેનાલમાં નાહવા ઉતર્યા હતા.
આ વિદ્યાર્થીઓ સાથે આવેલા અન્ય બે વિદ્યાર્થી લઘુશંકા માટે બીજીબાજુ ગયા તે દરમિયાન બંને વિદ્યાર્થીઓ ધસમસતા પ્રવાહમાં તણાયા હોવાનું જાણવા મળ્યું છે. બનાવને પગલે અન્ય વિદ્યાર્થીઓને જાણ કરાતાં તેઓ દોડી આવ્યા હતા અને ગ્રામજનો પણ મોટી સંખ્યામાં એકત્રિત થઇ ગયા હતા.
વડોદરા તાલુકા પોલીસની ટીમ સ્થળ પર આવી હતી અને ફાયર બ્રિગેડને બોલાવતાં લગભગ ત્રણ કલાક સુધી કેનાલમાં શોધખોળ કરીને બંનેના મૃતદેહને શોધી કાઢવામાં આવ્યા હતા.પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.