Baroda

દારૃની મહેફિલમાં છાકટા બનેલા નશેબાજ દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ

By GS Team
3 Jul 20263 mins read
TukuTouch Logo
વડોદરાના ભાયલીમાં અશ્વમેઘ એવન્યુના ચોથા માળે ઓફિસમાં દારૂની મહેફિલ દરમિયાન ઝઘડો થતા મેહુલ ગઢવીએ લાયસન્સવાળી રિવોલ્વરથી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળી 200 મીટર દૂર આવેલા આરના-48 ફ્લેટના બે ઘરમાં ઘૂસી ગઈ હતી, સદનસીબે કોઈને ઇજા થઈ નથી. પોલીસે મેહુલ ગઢવી સહિત 6 લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દારૃની મહેફિલમાં છાકટા બનેલા નશેબાજ દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ

ભાયલી વિસ્તારમાં અશ્વમેઘ એવન્યુ બિલ્ડિંગના ચોથા માળે ઓફિસમાં રાત્રે દારૃની મહેફિલ માણતા છ મિત્રો વચ્ચે કોઇ બાબતે ઉશ્કેરાટ થતા એક મિત્રે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ગોળી ૨૦૦ મીટર દૂર આવેલા આરના-૪૮ ફ્લેટના બે ઘરમાં ઘૂસી ગઇ હતી. જોકે, રાત્રિનો સમય હોઇ કોઇને ઇજા થઇ નથી.
મળતી માહિતી અનુસાર, મૂળ રાજસ્થાનના કોટાના વતની અને હાલ ભાયલીના આરના-૪૮ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ૨૦૧માં પરિવાર સાથે રહેતા શિક્ષિકા રિતુ યાદવ ગત રાત્રે સૂઈ ગયા હતા. મોડીરાત્રે આશરે ૧ વાગ્યે અચાનક જોરદાર અવાજ થતાં તેઓ જાગી ગયા હતા.તેમના ઉપરના માળે રહેતા સીનિઅર સિટિઝનના ઘરમાં પણ અવાજ આવ્યો હતો. બંને પરિવાર જાગી ગયા હતા. ઘરમાં તપાસ કરતાં રિવોલ્વરની ગોળી મળી આવી હતી. ફાયરિંગ થયું હોવાની જાણ થતા ફ્લેટના રહીશો ભેગા થઇ ગયા હતા. તેઓએ પોલીસને જાણ કરતા તાલુકા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે લેઝર લાઇટ તથા અન્ય સાધનો વડે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, અંદાજે ૨૦૦ મીટર દૂર આવેલા અશ્વમેઘ એવન્યુ બિલ્ડિંગના ચોથા માળે આવેલી ઓફિસમાંથી ફાયરિંગ થયું છે. જેથી,પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા બે ઓફિસમાં શંકાસ્પદ પ્રવૃત્તિ થઇ હોવાનું જણાઇ આવ્યું હતું. પોલીસે ભાડૂત જોગાભાઇ ભરવાડને પૂછતા તેણે આ ઓફિસ મિત્ર ક્રિપાલસિંહને આપી હતી. ક્રિપાલસિંહે જણાવ્યું હતું કે, આ ઓફિસનો ઉપયોગ તેના મિત્ર શક્તિસિંહ વનરાજસિંહ રાણા કરે છે. ગઇકાલે સાથી મિત્રો સાથે ભેગા મળીને રાત્રે દારૃની મહેફિલ કરી હતી. દારૃ પીધા પછી અંદરોઅંદર વાતચીત દરમિયાન ઉશ્કેરાટમાં આવીને મેહુલ મહેન્દ્રભાઇ ગઢવી (રહે. સોકલી ગામ, તા.વીરમગામ,જિ.અમદાવાદ) એ ફાયરિંગ કર્યું હતું. પોલીસે મેહુલ સામે ફાયરિંગ વિથ એટેમ્પ્ટ ટુ મર્ડર અને તેની સાથે દારૃની મહેફિલ માણનાર કુલ ૬ સામે મહેફિલનો ગુનો દાખલ કર્યો છે.

દારૃની મહેફિલમાં માથાભારે સંજય આર.ડી.એક્સ. પણ સામેલ

ઓફિસમાં યોજાયેલી દારૃની મહેફિલમાં નામચીન અને ગુનાઇત ભૂતકાળ ધરાવતો સંજય દવે ઉર્ફે આરડીએક્સ પણ સામેલ હતો. જે ગેંગસ્ટર મુકેશ હરજાણીના કેસમાં હતો. જોકે, તેની સામેનો કેસ પોલીસની બેદરકારીના કારણે પુરવાર થઇ શક્યો નહતો. પોલીસની તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, ફાયરિંગ કરનાર મેહુલ ગઢવી કોઇ કામ માટે સુરત ગયો હતો. રિટર્ન થતા સમયે શક્તિસિંહ તેનો મિત્ર હોઇ અહીંયા રોકાયો હતો અને રાત્રે દારૃની મહેફિલ યોજી હતી.

દારૃની મહેફિલ માણતા છ આરોપીઓ સામે અલગથી ગુનો દાખલ

(૧) શક્તિસિંહ વનરાજસિંહ રાણા (રહે. કોર્ટયાર્ડ ટાવર, સેવાસી ચોકી પાસે,ગોત્રી) (૨) મેહુલ મહેન્દ્રભાઇ ગઢવી (૩) ઇન્દ્રજીતસિંહ અનિરૃદ્ધસિંહ વાઘેલા ( બંને રહે. સોકલી ગામ, તા.વીરમગામ, જિ.અમદાવાદ) (૪) સંજય ઉર્ફે આર.ડી.એક્સ. રમેશચંદ્ર દવે (રહે. રાધેશ્યામ ડુપ્લેક્સ, કારેલીબાગ) (૫) વિજયકુમાર ચંદુલાલ મારવાડી (રહે. આકૃતિ એપાર્ટમેન્ટ,ગોદીરોડ, દાહોદ) તથા (૬) દીપક શંભુનાથ ઝા (રહે. રાધેશ્યામ ઇલાઇટ,, ગ્રીન ફિલ્ડ, ભાયલી, વડોદરા)

ફ્લેટમાંથી મળી આવેલી ગોળી ફોરેન્સિક તપાસ માટે મોકલાઇ

રાત્રે ઊંઘમાંથી જાગેલા પરિવારે જોયું તો રૃમની બારીનો કાચ તૂટેલો હતો અને તેમાં કાણું પડી ગયું હતું. એટલું જ નહીં, એ ગોળી બારી અને દરવાજાની આરપાર થઈ ગઈ હતી. ત્યારબાદ હોલમાં તપાસ કરતાં સોફા નીચેથી એક ગોળી મળી આવી હતી. ઘટનાને પગલે ગભરાયેલા પરિવારે આસપાસના લોકોને એકઠા કરી તાત્કાલિક તાલુકા પોલીસને જાણ કરી હતી. બંને ફ્લેટમાંથી મળી આવેલી ગોળી પોલીસે કબજે લઇ એફ.એસ.એલ.માં તપાસ માટે મોકલી આપી છે.