આરટીઓમાં ફોર- વ્હીલર અરજદારો ફેલ થતાં ટેસ્ટમાં બે મહિનાનું વેઈટિંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દરજીપુરા આરટીઓ ખાતે એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૃ થયા બાદ ફોર વ્હીલરના ટેસ્ટમાં મોટી સંખ્યામાં અરજદારો ફેલ થતાં હવે ફોર વ્હીલરના ટેસ્ટ આપવા માટે બે મહિનાનું વેઇટિંગ ચાલી રહ્યું હોવાથી અરજદારો હેરાન થઈ રહ્યા છે.
ગત્ ૨ જૂન, ૨૦૨૬થી શરુ થયેલી નવી એઆઈ આધારિત સિસ્ટમમાં માનવીય હસ્તક્ષેપ વગર કેમેરા અને ટેકનોલોજીના આધારે અરજદારની ડ્રાઇવિંગ કુશળતાનું મૂલ્યાંકન થાય છે. ખાસ કરીને અંગ્રેજી આઠ, રિવર્સ એસ, ઢાળ પર વાહન ચલાવવું, પાર્કિંગ અને ટ્રાફિક સિગ્નલના નિયમોનું પાલન કરવામાં થતી ભૂલોને કારણે ફોર વ્હીલરના અરજદારો ફેલ થઈ રહ્યા છે. આજે બપોરે ૪ વાગ્યા સુધીમાં ફોર વ્હીલરના ૬૩ ટેસ્ટમાંથી માત્ર ૭ અરજદારો જ પાસ થયા હતા, જ્યારે ટુ વ્હીલરના ૧૧૦ ટેસ્ટમાંથી ૮૭ અરજદારો પાસ થયા હતા.
ફેલ અરજદારોએ ફરી ટેસ્ટ આપવા માટે નવેસરથી સ્લોટ બૂક કરાવવો પડતો હોવાથી ટેસ્ટની રાહ જોતા અરજદારોનો ધસારો વધી રહ્યો છે. આરટીઓ ખાતે રોજ ફોર વ્હીલરના ૧૨૦ અને ટુ વ્હીલરના ૧૯૦ ટેસ્ટ લેવાની વ્યવસ્થા છે. જોકે નવા અરજદારો અને ફરી ટેસ્ટ આપવા માગતા અરજદારો બંને માટે સ્લોટની મર્યાદા હોવાથી ફોર વ્હીલરની એપોઇન્ટમેન્ટ માટે પરિવહન પોર્ટલ પર આગામી બે મહિનાનું શિડયુલ ભરાઈ ગયું છે. પરિણામે અરજદારોને ટેસ્ટ માટે તારીખ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર અને જિલ્લામાં વાહનોની સંખ્યા સતત વધી રહી છે. વાહનોની વધતી સંખ્યા સાથે આરટીઓ કચેરી પર કામગીરીનું ભારણ વધી રહ્યું છે. આરટીઓ ખાતે વારંવાર ટેકનિકલ સમસ્યાઓથી કામગીરી ખોરવાતી હોઈ અરજદારોને ધક્કા પડે છે. વધતી જરૃરિયાત સામે સુવિધાઓનું આગોતરું આયોજન નહીં થતાં અરજદારોની મુશ્કેલીમાં વધારો થયો છે.
ટ્રેકમાં સમય મર્યાદા વધી છતાં ઉમેદવારો ફેલ
ફોર વ્હીલરના એઆઈ ટ્રેકમાં પાર્કિંગ માટે ૧૩૦ સેકન્ડ, ઢાળ પર વાહન ચલાવવા માટે ૧૨૦ સેકન્ડ અને અંગ્રેજી આઠ માટે ૯૦ સેકન્ડની સમય મર્યાદા નક્કી કરાઈ છે. જૂના ટ્રેકમાં આ ત્રણેય પ્રક્રિયા માટે ૯૦ સેકન્ડનો સમય મળતો હતો. જ્યારે રિવર્સ એસ માટે અગાઉ ૧૮૦ સેકન્ડની સમય મર્યાદા હતી, જે ઘટાડીને ૧૫૦ સેકન્ડ થઈ છે. જોકે નવા ટ્રેકમાં રિવર્સ એસની લંબાઈ પણ ઘટી છે.
વધુ એક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનું આયોજન અભેરાઈએ
વડોદરા જિલ્લામાં ૪૨ લાખની વસ્તી સામે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે દરજીપુરા આરટીઓ ખાતે એકમાત્ર ટ્રેક છે, જેથી શહેરના પશ્વિમ અને દક્ષિણ વિસ્તારના અરજદારો વર્ષોથી પરેશાન છે. ખાસ કરીને મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે આ સ્થળ દૂર હોવાથી પરેશાની વધે છે. પશ્વિમ વિસ્તારમાં અલગ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ઊભો કરવા ગાંધીનગર સુધી રજૂઆતો થઈ હતી છતાં કોઈ કારણોસર આ આયોજન અભેરાઈએ ચઢી ગયું છે.




