ખંડેરાવ માર્કેટ પાસે ફૂલો અને સ્ટેશનરીની બે દુકાનો બહાર કચરો મળતાં સીલ માર્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સેનેટરી શાખા દ્વારા શહેરમાં ગંદકી ફેલાવતા વેપારીઓ સામે કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે. ખંડેરાવ માર્કેટ પાસે જાહેર માર્ગ પર કચરો ફેંકતા વેપારીઓ સામે આજે કાર્યવાહી કરવામાં આવી હતી. ફૂલો અને સ્ટેશનરીની દુકાન બહાર કચરો પડેલો મળી આવતાં કોર્પોરેશનની ટીમે બંને દુકાનો સીલ કરી હતી.
આજે સવારે બંને દુકાનો બંધ હતી, પરંતુ દુકાનની બહાર જે તે દુકાનનો કચરો પડેલો જોવા મળ્યો હતો. જાહેર માર્ગ પર કચરો નાખવામાં આવ્યો હોવાનું ધ્યાનમાં આવતાં સેનેટરી શાખાની ટીમે બંને દુકાનો સામે કાર્યવાહી કરી સીલ મારી દીધું હતું. બાદમાં વેપારીઓ દુકાન ખોલવા માટે પહોંચ્યા ત્યારે દુકાન સીલ થયેલી જોઈને તેમને પણ નવાઈ લાગી હતી.
કોર્પોરેશનની આ કાર્યવાહીને પગલે આસપાસના અન્ય વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો.
જોકે શહેરમાં હજુ પણ જાહેર માર્ગ પર કચરો સળગાવવાની પ્રવૃત્તિ જોવા મળે છે. કેટલાક ગેરેજ સંચાલકોએ તો રસ્તા પર જ ભઠ્ઠી બનાવી દીધી હોવાની ફરિયાદો છે. આવી પ્રવૃત્તિથી માત્ર ગંદકી જ નહીં, પરંતુ ધુમાડાના કારણે પ્રદૂષણ પણ ફેલાય છે. તેથી કચરો ફેંકતા વેપારીઓની સાથે જાહેર માર્ગ પર કચરો સળગાવતા અને રસ્તા પર ભઠ્ઠી ચલાવતા લોકો સામે પણ કોર્પોરેશને વધુ કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.




