Baroda

વડોદરાના પાઈલોટ ઈન્સ્ટ્રક્ટર અને કર્ણાટકના તાલીમી પાઈલોટનું કરુણ મોત

By GS Team
27 Aug 20262 mins read
TukuTouch Logo
કાનપુર નજીક ગંગા આડબંધ પાસે આજે એક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થતાં 2 લોકોના કરુણ મોત થયા છે. આ દુર્ઘટનામાં વડોદરાના પાઇલોટ ઇન્સ્ટ્રક્ટર સચિન ભાટિયા અને કર્ણાટકના ટ્રેઇની પાઈલોટ અભિષેક પૂજારીના જીવ ગયા. 'ગર્ગ એવિએશન'નું આ વિમાન કાનપુરના નત્થા ખેડા વિસ્તારમાં ક્રેશ થયું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના પાઈલોટ ઈન્સ્ટ્રક્ટર અને કર્ણાટકના તાલીમી પાઈલોટનું કરુણ મોત

ઉત્તર પ્રદેશના કાનપુરમાં આજે ગંગા આડબંધ પાસે એક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થતાં બે લોકોના કરુણ મોત નીપજ્યા છે. અકસ્માતનો ભોગ બનેલા એરક્રાફ્ટમાં વડોદરાના રહેવાસી પાઇલોટ ઇન્સ્ટ્રક્ટર સચિન ભાટિયા અને કર્ણાટકના વતની ટ્રેઇની પાઈલોટ અભિષેક પૂજારી સવાર હતા. બંનેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યા છે.

કાનપુરના નત્થા ખેડા વિસ્તારમાં ગંગા બેરેજ નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. દુર્ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી એરક્રાફ્ટના કાટમાળમાંથી બંનેને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, બંનેની હાલત અત્યંત ગંભીર હોવાથી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

અકસ્માતનો ભોગ બનેલું ટ્રેનિંગ એરક્રાફ્ટ 'ગર્ગ એવિએશન'નું હતું. મૃતકોમાં વડોદરાના સચિન ભાટિયા પાઇલોટ ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવતા હતા, જ્યારે અભિષેક પૂજારી ટ્રેઇની પાઈલોટ તરીકે તાલીમ લઈ રહ્યા હતા. સચિન ભાટિયા ૩,૦૦૦ કલાકનો ઉડયન કરવાનો અનુભવ ધરાવતા હતા.

સચિન ભાટિયા સ્કાય ડાઇવિંગ તેમજ ટ્રેનિંગની કામગીરી સાથે સંકળાયેલા હતા. ઘણા સમય પહેલાં તેમની કાનપુર ખાતે ટ્રાન્સફર થઈ હતી. કાનપુરમાં ફરજ દરમિયાન જ તેઓ આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે.

પરિવારજનો આઘાતમાં હોવાથી કંઈ કહી શકે તેવી સ્થિતિમાં નથી

સચિન ભાટિયા છાણી વિસ્તારમાં કેનાલ પાસે આવેલી તત્ત્વ હાઇટ્સ સોસાયટીમાં છેલ્લા દસ વર્ષથી રહે છે. તેમને સંતાનમાં એક પુત્રી છે. તેમના મોટા ભાઈ તરુણ ભાટિયા કારેલીબાગ વિસ્તારમાં રહે છે. સચિન ભાટિયાના નિધનના સમાચાર પરિવારજનોને મળતાં પરિવાર પર જાણે આભ તૂટી પડયું છે. પરિવારજનો હાલ આઘાતમાં હોવાથી કંઈ કહી શકે તેવી સ્થિતિમાં નથી.

સોસાયટીના સભ્યોએ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી

સચિન ભાટિયાના અચાનક નિધનથી તત્ત્વ હાઇટ્સના રહેવાસીઓમાં પણ શોકની લાગણી પ્રસરી છે. સોસાયટીના સભ્યોએ તેમના નિધન પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને દિવંગત આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી છે. હાલ મોટી સંખ્યામાં લોકો સચિન ભાટિયાના ઘરે પહોંચી પરિવારને સાંત્વના આપી રહ્યાં છે.