100 ઈ-બસનું ટિકિટ કલેક્શન : 5 વર્ષ માટે રૂ.24.24 કરોડના અંદાજ સામે રૂ.26.55 કરોડનો કોન્ટ્રાક્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને મળનારી 130 ઇલેક્ટ્રિક બસના ટિકિટ અને રેવન્યુ કલેક્શનની કામગીરી માટે એજન્સીની પસંદગી કરવા હાથ ધરાયેલી ટેન્ડર પ્રક્રિયામાં અંદાજ કરતાં 9.49 ટકા વધુ ભાવ આવ્યો છે. પાંચ વર્ષ માટેની આ કામગીરીનો અંદાજિત ખર્ચ રૂ.24.24 કરોડ હતો, જ્યારે સૌથી ઓછો ભાવ આપનાર દિગ્વિજય એન્ટરપ્રાઇઝ, મહેસાણાએ 9.49 ટકા વધુ ભાવનું ભાવપત્રક રજૂ કર્યું છે. આ દરખાસ્ત મંજૂરી માટે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે.
પીએમ ઈ-બસ સેવા યોજના હેઠળ વડોદરા કોર્પોરેશનને પ્રથમ તબક્કામાં 130 ઇલેક્ટ્રિક બસ મળવાની છે. આ બસોમાં મુસાફરો પાસેથી ભાડું વસૂલવા માટે ઈલેક્ટ્રોનિક ટિકિટિંગ મશીન અને ટિકિટિંગ સોફ્ટવેર સાથે પાંચ વર્ષ માટે એજન્સીની પસંદગી કરવામાં આવી રહી છે. ટેન્ડરમાં કુલ ત્રણ કંપનીઓએ રસ દાખવ્યો હતો, જેમાં દિગ્વિજય એન્ટરપ્રાઇઝનો સૌથી ઓછો ભાવ આવ્યો છે.
ટેન્ડરની શરતો મુજબ એજન્સી કંડક્ટર તથા ઈલેક્ટ્રોનિક ટિકિટિંગ મશીન ઉપલબ્ધ કરાવશે. મુસાફરો પાસેથી વસૂલવામાં આવતી રકમનો રેકોર્ડ જાળવવા ઉપરાંત તેની નિભાવણીની જવાબદારી પણ એજન્સીની રહેશે. કંપની દ્વારા એકત્ર કરવામાં આવેલી રકમ, સંબંધિત માહિતી અને ઈટીએમ મશીનો કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવેલી જગ્યાએ દરરોજ જમા કરાવવાના રહેશે. સાથે જ કુલ ઈટીએમ મશીનોના પાંચ ટકા વધારાના મશીનો પણ રાખવાના રહેશે.
રેવન્યુ કલેક્શનની ચકાસણી માટે એજન્સીએ મેનેજર, ટેકનિકલ નિષ્ણાત ઉપરાંત 10 સુપરવાઇઝરનો સમાવેશ કરતી દેખરેખ ટીમની પણ નિમણૂક કરવાની રહેશે. 60 મહિના માટે કુલ સર્વિસ ફીનો અંદાજ રૂ.24.24 કરોડ હતો અને પ્રતિ બસ પ્રતિ દિવસ રૂ.1347ની સર્વિસ ફીનો અંદાજ મુકાયો હતો.
ટેન્ડરમાં સૌથી ઓછો ભાવ આપનાર એજન્સીનો ભાવ અંદાજ કરતાં 9.49 ટકા વધુ હોવાથી હવે કોર્પોરેશનને આ કામગીરી માટે અંદાજ કરતાં વધારાનો ખર્ચ કરવો પડશે. પાંચ વર્ષની કામગીરી માટેનો કુલ ખર્ચ આશરે રૂ.26.55 કરોડ થવાનો છે. પીએમ ઈ-બસ સેવા યોજના હેઠળનો પ્રોજેક્ટ ગ્રોસ કોસ્ટ કોન્ટ્રાક્ટ એટલે કે જીસીસી મોડેલ પર આધારિત છે. બસોની માલિકી અને બસના સંચાલનની જવાબદારી બસ ઓપરેટરની રહેશે, જ્યારે મુસાફરો પાસેથી ટિકિટ મારફતે થતી આવકનું કલેક્શન સંબંધિત શહેરી સ્થાનિક સંસ્થા એટલે કે કોર્પોરેશનના કાર્યક્ષેત્રમાં રહેશે.
બસોને માર્ગ પર દોડાવવા અને ઓપરેટરની પસંદગી કરવાની પ્રક્રિયા સીઈએસએલને સોંપવામાં આવી હતી. તેના આધારે જેબીએમ ઈકોલાઈફ મોબિલિટી પ્રાઇવેટ લિમિટેડની ગુજરાત રાજ્ય માટે બસ ઓપરેટર તરીકે પસંદગી કરવામાં આવી છે.




