દારૃની હેરાફેરીનો ભારતમાલા હાઇવે બે દિવસમાં જ ત્રણ ગાડીઓ ઝડપાઇ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઇ-દિલ્હી એક્સપ્રેસ વે (ભારતમાલા હાઇવે) દારૃના સપ્લાયરો માટે દારૃની હેરાફેરી માટેનો સ્વર્ગ સમાન હાઇવે બની ગયો છે. વડોદરા નજીક આ હાઇવે પરથી માત્ર બે દિવસમાં બે ટ્રક તેમજ એક સ્કોર્પિયો ગાડી જિલ્લા પોલીસે ઝડપી પાડી કુલ રૃા.૧.૨૯ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
રાજસ્થાન પાસિંગની ટ્રક ભરૃચ તરફથી આવે છે તેવી માહિતીના આધારે જિલ્લા એલસીબીના સ્ટાફે મુંબઇ-દિલ્હી એક્સપ્રેસ હાઇવે પર દોડકા ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. માહિતી મુજબની ટ્રક આવતા તેને રોકી તપાસ કરતા ટ્રકમાંથી રૃા.૭૨.૭૫ લાખ કિંમતની ૧૬૪૦૪ નંગ દારૃની બોટલો સાથે આશુરામ હનુમાનરામ ભાદુ બિશ્નોઇ (રહે.નૌતલ્લા રાઠોડાન, જિલ્લો બાડમેર, રાજસ્થાન)ને ઝડપી પાડયો હતો. તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે સાંચોરમાં રહેતા સુરેશ બિશ્નોઇએ મારી ટ્રક લઇને હરિયાણાના સિરસા ખાતે માનસારોડ પર બોલાવ્યો હતો. ત્યાંથી એક વ્યક્તિ ટ્રક લઇને જતી રહી હતી અને બાદમાં રાત્રે દારૃનો જથ્થો ભરીને ટ્રક આપી ગયો હતો. સુરેશે મને ફોન પર જણાવેલ રસ્તા મુજબ અમદાવાદ નજીક પહોંચવાનું હતું. પોલીસે કુલ રૃા.૮૨.૮૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આશુરામ, સુરેશ બિશ્નોઇ સહિત ચાર સામે ભાદરવા પોલીસમાં ગુનો દાખલ કર્યો છે.
અન્ય બનાવમાં વડોદરા નજીક સમીયાલા પાસે મુંબઇ-દિલ્હી એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થતા એક બંધ બોડીની ટ્રકને રોકી તપાસ કરતા દારૃની ૮૮૩૨ બોટલો મળી હતી. ડ્રાઇવર ભગીરથ રામારામ જાટ (રહે.લખારીનાડી, જિલ્લો બાડમેર, રાજસ્થાન)ની અટકાયત કરી તેની પૂછપરછ કરતાં મહારાષ્ટ્રના વસઇ ખાતેથી ભાનુ બિશ્નોઇ (રહે.સાંચોર, રાજસ્થાન)એ દારૃ ભરીને આપ્યો હતો અને ગોધરા ટોલનાકા પર ઉતરી ભયલું નામની વ્યક્તિનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
ભારતમાલા હાઇવે પર પાટોદ ગામની સીમમાં એક સ્કોર્પિયોને રોકી પોલીસે પ્રકાશ ઉર્ફે પકો સીતારામ જાદવ (રહે.સ્વામિનારાયણનગર, સનફાર્મા રોડ, વડોદરા) અને સચિન ઉર્ફે સમીર મફત પટેલ (રહે.ઋષિરાજ સોસાયટી, પાદરા)ને ઝડપી પાડી રૃા.૬.૪૪ લાખના દારૃ સહિત કુલ રૃા.૨૨.૨૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે બંનેની પૂછપરછ કરતાં હરિયાણાના ગુરુગ્રામ ખાતેના વાઇન શોપના માલિક વિવેક પાસેથી દારૃ લાવ્યો છે અને વડસરના કરણ તેમજ ઓપી રોડના મહેન્દ્ર ઉર્ફે મુખીયો જોષીને આપવાનો હતો. એક માસમાં ત્રણ વખત ગુરુગ્રામમાં દારૃ માટે ગયા હતાં.



