શહેરના ત્રણ સાયકલિસ્ટે ૪૦૦૦ કિ.મી.ની સ્પર્ધા પૂર્ણ કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાની સાયકલિંગ ક્લબના ત્રણ સાયકલિસ્ટ ડો. પાર્થિવ પટેલ, ડો. પ્રાચી પાટીલ અને કમલકાંત સક્સેનાએ 'નોર્થ કેપ ૪૦૦૦'ની નવમી આવૃત્તિ પૂર્ણ કરી વડોદરાનું નામ વૈશ્વિક સ્તરે ચમકાવ્યું છે. ત્રણેય રાઇડર્સે ૪૦૦૦ કિલોમીટરની કપરી સફર નિર્ધારિત ૨૦ દિવસમાં પૂર્ણ કરી છે.
૨૫ જુલાઈ, ૨૦૨૬ના રોજ ઇટાલીના રોવેરેટોથી શરૃ થયેલી આ સાહસયાત્રા દરમિયાન રાઇડર્સ ઇટાલી, ઓસ્ટ્રિયા, જર્મની, ચેક રિપબ્લિક, પોલેન્ડ, સ્વીડન, ફિનલેન્ડ અને નોર્વે એમ કુલ આઠ યુરોપીય દેશોમાંથી પસાર થઈ અંતિમ મુકામ સુધી પહોંચ્યા હતા. સમગ્ર રૃટ દરમિયાન આશરે ૩૦ હજાર મીટર ઊંચાઈનું ચઢાણ પણ પાર કરવું પડયું હતું.
રૃટમાં અતિશય ખરાબ હવામાન, થીજવી દેતા પવન, સતત વરસાદ, ઊંચા અને સીધા ચઢાણ તેમજ ઓછી ઊંઘ જેવા પડકારોનો સામનો કરવો પડયો હતો.
આ 'અનસપોર્ટેડ' (કોઈ બાહ્ય સહાય વિના) અલ્ટ્રા-ડિસ્ટન્સ સાયકલિંગ ચેલેન્જ છે. રાઇડર્સ સાથે કોઈ સહાયક વાહન કે મદદનીશ હોતા નથી. રસ્તામાં રૃટ શોધવાથી લઈને ખોરાક અને રહેવાની વ્યવસ્થા કરવા તેમજ સાયકલમાં કોઈ ખામી સર્જાય તો તેનું સમારકામ કરવા સુધીની તમામ જવાબદારી રાઇડર્સે જાતે જ સંભાળવાની હોય છે.
આ વખતની ચેલેન્જમાં વિશ્વભરમાંથી ૫૦૦થી વધુ રાઇડર્સે ભાગ લીધો હતો. ભારતમાંથી નવ રાઇડર્સ જોડાયા હતા, જેમાં વડોદરાના ત્રણ સાયકલિસ્ટનો સમાવેશ થયો હતો.









